અમદાવાદ : ગુજરાતમાં નર્મદા જીલ્લામાં કેવડિયા ખાતે નિર્માણ કરાયેલી વિશ્વની સૌથી ઉંચી અને ઐતિહાસિક એવી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે પ્રવાસીઓનું લોકપ્રિય સ્થળ બની રહ્યું છે અને પર્યટકોની ભીડ રોજબરોજ વધતી જઈ રહી છે ત્યારે છેલ્લા ત્રણ મહિનામાં તેને જોવા માટે ૮ લાખથી વધુ મુલાકાતીઓ આવી ચુક્યા છે. આ પર્યટકોના માધ્યમથી સરદાર પટેલ ટ્રસ્ટને કુલ રૂ.૧૯ કરોડથી વધુની આવક થઇ છે. પ્રવાસીઓનો ધસારો અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમયમાં બે કલાકનો વધારો કરવામાં આવ્યો છે, જેનો લાભ પ્રવાસીઓને મળશે.
વિશ્વની સૌથી ઉંચી અને ઐતિહાસિક એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માત્ર ગુજરાત અને ભારત જ નહી પરંતુ વિદેશના પ્રવાસીઓ પણ સારી એવી સંખ્યામાં મુલાકાતે આવી રહ્યા છે. ખાસ કરીને દેશ-વિદેશના પર્યટકો માટે ભારતમાં એક નવુ સ્થાન પર્યટન સ્થાન બની ગયું છે અને તેને લઇને લોકોમાં ખાસ કરીને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત તા.૩૧ ઓક્ટોબરના રોજ સરદાર પટેલની ૧૪૩મી જયંતી નિમિતે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ તે પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ખૂબ ઓછા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતા એટલી વધી છે અને લોકોની ભીડ એટલી વધી જાય છે કે, રજાના દિવસે અહી મેળા જેવુ વાતાવરણ થઈ જાય છે.
ગુજરાતમાં પર્યટકોની પહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી જ બની રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનાના આંકડાની વાત કરીએ તો, આ ત્રણ મહિનામાં ૮.૧૨ લાખ પર્યટક સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા પહોંચ્યા હતા. ગુજરાત આવનારા વિદેશી પર્યટકો માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જ તેમની પહેલી પસંદ બની ગઈ છે. બીજી બાજુ અંકોમાં કમાણીનો આકડો બતાવતા સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટે માહિતી આપી હતી કે, છેલ્લા ત્રણ મહિના દરમ્યાન આવેલા મુલાકાતીઓ થકી ટ્રસ્ટને કુલ રૂ. ૧૯,૦૯,૦૦,૪૧૧ રૂપિયાની કમાણી થઈ છે. છેલ્લા ત્રણ મહિનામાં ૮૦ દિવસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર્યટકો માટે ખુલ્લુ હતુ. જેનો દેશ-વિદેશના પર્યટકો-લોકોએ લાભ લીધો છે.