જાન્યુઆરી સુધી દોઢ કરોડથી વધુ બાળકની ચકાસણી કરાશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને સર્વાંગી વિકાસના શિખરો સર કરાવવા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સાથે સોશિયલ સેકટરમાં આરોગ્ય, શિક્ષણ સહિત વિશેષ ધ્યાન આ સરકારે કેન્દ્રીત કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આવતીકાલના નાગરિક સમા બાળકોની તંદુરસ્તી અને સુખાકારી માટે સંપૂર્ણ આરોગ્ય ચકાસણીનો આ અભિગમ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ અને હેપીનેસ ઇન્ડેક્ષમાં વધારો કરવાનો સંવેદનાપૂર્ણ સફળ અભિગમ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતભરમાં ૧.પ૯ કરોડ બાળકો એટલે કે રાજ્યની કુલ વસ્તીના ચોથા ભાગના બાળકોના આરોગ્યની સઘન તપાસ કરીને યોગ્ય નિદાન, સારવારનો આરોગ્ય સેવાનો મહાયજ્ઞ શાળા આરોગ્ય કાર્યક્રમ તહેત રાજ્ય સરકાર ‘સ્વસ્થ બાળ-તંદુરસ્ત રાજ્ય-સક્ષમ રાષ્ટ્ર’ના ભાવ સાથે ચલાવી રહી છે.

તેમણે ઉમેર્યુ કે બાળક ગર્ભમાં હોય ત્યારથી માંડીને જન્મના પ્રથમ ૧૦૦૦ દિવસ સુધી તેની શરીર, મન, બુદ્ધિના વિકાસની કાળજી લઇએ છીયે. ગંભીર બિમારી જણાય તો સુપર સ્પેશ્યાલિટી સારવાર પણ રાજ્ય સરકાર વિનામૂલ્યે પૂરી પાડે છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ આરોગ્ય સેવા કાર્યક્રમમાં ૦ થી ૧૮ વર્ષ સુધીના શાળાએ જતા તથા ન જતા બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે. આ માટે ૪ લાખથી પણ વધુ આરોગ્ય કર્મીઓ સેવારત છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, શાળા આરોગ્ય કાર્યક્રમ દરમ્યાન કેન્સર, હ્વદયરોગ, કીડની, કોકલીયર ઇમ્પ્લાન્ટ, કલબ ફૂટ ઉપરાંત બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી જટિલ અને અદ્યતન સારવાર પૂરી પાડીને બાળકને સક્ષમ-સ્વસ્થ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કોઇ કસર છોડતી નથી.

તેમણે બાળકોના આંખ, દાંતના રોગોની તપાસ અને સારવાર પણ આ અભિયાનમાં હાથ ધરાય છે તેની છણાવટ કરી હતી. જરૂરિયાત વાળા ૯૮ હજાર બાળકોને ચશ્મા વિતરણ પણ આવા કાર્યક્રમ તહેત થયું છે તેમ ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે, તંદુરસ્ત ગુજરાતના પાયારૂપ આ આરોગ્ય કાર્યક્રમને છેવાડાના બાળક સુધી વિસ્તારવા રાજ્યવ્યાપી શાળા આરોગ્ય કાર્યક્રમ વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલો છે.

મુખ્યમંત્રીએ શાળા આરોગ્ય કાર્યક્રમ ઉપરાંત વ્યકિતથી સમષ્ટિ સુધી સૌના સ્વાસ્થ્ય સુખાકારીની ચિંતા, પર્યાવરણ સુરક્ષા, પ્રાણી માત્રની ચિંતા કરીને સ્વસ્થ-તંદુરસ્ત રાજ્ય-રાષ્ટ્રના નિર્માણથી સૌનો સાથ સૌનો વિકાસનો ધ્યેય પાર પાડવાની પ્રતિબદ્ધતા પણ દોહરાવી હતી.

આરોગ્ય અગ્ર સચિવ ડો. જ્યંતિ રવિ એ શાળા આરોગ્ય કાર્યક્રમની ભૂમિકા આપતાં જણાવ્યું કે, રાજ્યનો સૌથી મોટો એવો આ આરોગ્યલક્ષી કાર્યક્રમ છે. આ વર્ષે તા. રપ નવેમ્બરથી તા. ૩૦ જાન્યુઆરી-ર૦ર૦ સુધી શાળા આરોગ્ય કાર્યક્રમ રાજ્યભરમાં યોજાઇ રહ્યો છે. ર૦૧૮-૧૯ના વર્ષમાં રાજ્યમાં ૧ કરોડ પ૯ લાખ બાળકોમાંથી ૯૯ ટકા બાળકોને આ આરોગ્ય કાર્યક્રમમાં આવરી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, એક પણ બાળક આરોગ્ય તપાસથી વંચિત ન રહી જાય તેવું સઘન આયોજન આરોગ્ય વિભાગના તબીબો-કર્મીઓના સહયોગથી કરવામાં આવ્યું છે. દરમિયાન જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થથી મળે છે, તદુંરસ્ત  સ્વાસ્થ માટે હમેંશા જાગૃતિ રહેવું ખૂબ જરૂરી છે, તેવું આજરોજ ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાના ઇસંડ ગામથી જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો આરંભ કરાવતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

Share This Article