સંયુકત રાષ્ટ્ર દ્વારા (United Nations) વર્ષ ૧૯૯૩થી સમગ્ર વિશ્વમાં દર વર્ષે રર માર્ચને ‘વિશ્વ જળ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો અને પાણીનું મહત્વ સમજાવવાનો છે. દર વર્ષે જુદા જુદા વિષયો સાથે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ ર૦૧૮ માટેનો વિષય ‘Nature for Water’ રાખવામાં આવ્યો છે.
ર૧મી સદીમાં પાણીના પડકારોનો સામનો કરવા માટે કુદરત-આધારિત ઉકેલ લાવવાના ધ્યેય સાથે પાણીનો વધુ પડતો બગાડ અટકાવવો તેમજ હાલના જળ સંસાધનોનો ઉચિત ઉપયોગ કરવા વિષયે ગુરૂવારે વિશ્વ જળ દિવસની ઉજવણીમાં સામૂહિક ચિંતન-મનન થશે.
મુખ્યમંત્રી સવારે ૯.૩૦ કલાકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. પાણી પુરવઠા રાજ્યમંત્રી પરબતભાઇ પટેલ આ ઉજવણીમાં જોડાશે. વિજયભાઇ રૂપાણી આ અવસરે જળસંરક્ષણ માટે જનઅભિયાન તેમજ પાણીના કરકસરયુકત ઉપયોગ માટે ડયૂઅલ ફલશ સિસ્ટમ લોન્ચીંગ કરાવવાના છે.
મુખ્યમંત્રી રાજ્યમાં લોકભાગીદારી અને લોકવ્યવસ્થાપનથી ગ્રામીણ ક્ષેત્રે કાર્યરત પાણી સમિતિઓનું સુચારૂ સંચાલન અને સાધનોની મરામત નિભાવણી કરતી ૧પ૦ મહિલા પાણી સમિતિઓને પુરસ્કારથી સન્માનિત કરશે.
વિશ્વ જળ દિવસના આ રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન વાસ્મો, પાણી પુરવઠા, વન પર્યાવરણ અને શહેરી વિકાસ વિભાગના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું છે.