વિદેશમાં નોકરીની લાલચ આપી છેતરપીંડી કરનાર એજન્ટો સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read
  • રાજ્યમાં ધ્યાનમાં આવેલ ૧૦ કેસો પૈકી ૮ સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરાશે
  • માન્ય એજન્ટો અને રજીસ્ટ્રેશન માટેની માહિતી www.emigrate.gov.in પરથી મળી રહેશે

ગ્લોબલાઇઝેશનને પરિણામે દેશ-વિદેશમાં કામ કરવાની તકો વધી છે. પરિણામે ભારતીયો વિદેશમાં રોજગાર મેળવવા જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના યુવાનો-નાગરિકો છેતરાય નહી તે માટે રિક્રુટીંગ એજન્ટની નુકશાનકારક પ્રવૃત્તિ ડામવા રાજ્ય સરકારે કડક વલણ દાખવ્યુ છે. રાજ્યમાં ૧૦ કેસો ધ્યાનમાં આવ્યા છે તે પૈકી ૮ કેસોમાં ગુનાઓ નોંધીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. – તેમ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ.

વિદેશમાં નોકરીની લાલચ આપી ગેરકાયદેસર કે નહીં નોંધાયેલ રિક્રુટીંગ એજન્ટની નુકશાનકારક પ્રવૃત્તિને ડામવા માટે ગાંધીનગર ખાતે યોજાયેલ ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં ગૃહમંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યુ હતુ કે, વિદેશમાં રોજગારી મેળવવા માટે ભારતીય કામદારોની ભારે માંગ છે. ભારતનું વિદેશ મંત્રાલય, નોંધાયેલ રિક્રુટીંગ એજન્ટો મારફતે વિદેશમાં નોકરી માટે જવાની સવલત આપે છે,  તેમ છતાં ગેરકાયદેસર રિક્રુટીંગ એજન્ટ ભોળા યુવાન વર્ગને વિદેશમાં સારા પગારવાળી નોકરીની લાલચ આપી તેમને છેતરતા હોય છે તેથી વિદેશમાં નોકરી વાંચ્છુકનું શોષણ થાય છે અને હેરાનગતિ ભોગવવી પડે છે. આ પ્રકારની હેરાનગતિ થાય નહીં અને ગેરકાયદેસર રિક્રુટીંગ એજન્ટો દ્વારા ચાલાકીપૂર્વક આચરવામાં આવતી ગેરરીતી અને ભષ્ટ્ર રીતરસમોનો ભોગ સામાન્ય નાગરિકો ન બને તે માટે ગેરકાયદેસર રિક્રુટીંગ એજન્ટો વિરુદ્ધની કેન્દ્ર સરકાર તરફથી મળેલ ફરીયાદો સંદર્ભે રાજ્ય સરકારે કડક હાથે કામગીરી હાથ ધરી છે.

તેમણે ઉમેર્યુ કે રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા કરીને તેઓ વિરુદ્ધ જરૂરી તપાસ કરાવી અને ફરીયાદી પાસેથી ફરીયાદ મેળવી ઇમીગ્રેશન એક્ટ ૧૯૮૩ હેઠળ પોલીસ ફરીયાદ નોંધવાની કાર્યવાહી કરવા ગૃહ વિભાગે રાજ્યના પોલીસ વિભાગને સૂચના આપી છે તે મુજબ ગુન્હો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં આ બાબતને ધ્યાનમાં લઇ ગેરકાયદેસર રિક્રુટીંગ એજન્ટો દ્વારા ગયેલા/છેતરાયેલા/ભોગ બનેલા ૧૦ કેસો ધ્યાનમાં આવી છે. જે બાબતે તપાસ કરતાં અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન, વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન તથા કારેલીબાગ પોલીસ સ્ટેશન, સુરત શહેર ઇચ્છાપોર પોલીસ સ્ટેશન, રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન અને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇમીગ્રેશન એક્ટ ૧૯૮૩ કલમ ૧૦ અને ૨૪ હેઠળ ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે. જ્યારે અમદાવાદ શહેર સોલા પોલીસ સ્ટેશનમાં યુનીબીમ સર્વીસ પ્રા.લી. સામે બે ગુનાઓ દાખલ કરવાની તજવીજ ચાલુમાં છે. આમ કુલ ૦૮ ગુનાઓ નોંધીને આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. ઇમીગ્રેશન એક્ટની કલમ ૧૦ અને ૨૪ના ભંગ સંદર્ભે બે વર્ષ સુધીની કેદની તથા ૨૦૦૦ રૂપિયા રોકડ દંડની જોગવાઇ છે.

તેમણે કહ્યું કે, રાજ્યમાંથી વિદેશમાં કામ અર્થે જનારાની સંખ્યા વધારે હોય ત્યાં રિક્રુટીંગ એજન્ટે ઇમીગ્રેશન એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ મેળવવા સુચના અપાઇ છે. જેથી કરી ગેરકાયદેસર એજન્ટોની પ્રવૃત્તિઓને પૂરક અને રિક્રુટીંગ સર્ટીફિકેટ મેળવવામાં આવે તો વિદેશમાં નોકરી કરવા જતાં લોકોનું રક્ષણ થાય, આ રિક્રુટીંગ એજન્ટના કાર્યો અને રજીસ્ટ્રેશનની કામગીરીની જાણકારી www.emigrate.gov.in વેબસાઇટ પરથી મળી શકશે. આ બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી પરામર્શ કર્યો હતો.

Share This Article