અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા બિસમાર રસ્તા, ટ્રાફિકની સમસ્યા તેમજ રખડતાં ઢોરના ત્રાસના મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીના સંદર્ભમાં હાઇકોર્ટ સમક્ષ શહેરની તમામ ગાય પર નંબરવાળા ટેગ લગાડવામાં આવશે તેવી બાંયધરી અપાઇ હતી. હાઇકોર્ટના ચુકાદાના અમલ તેમ જ રખડતા ઢોરોની સમસ્યાના નિવારણના ભાગરૂપે અમ્યુકો તંત્રએ ખાસ કવાયત હાથ ધરી છે અને હાઇકોર્ટને અપાયેલી બાંયધરી મુજબ હવે અમદાવાદ શહેરમાં ગાય સહિતનાં પશુને પીળા રંગના નંબર ધરાવતા ટેગ લગાવવાની કાર્યવાહીનો આખરે પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમ્યુકો તંત્રની આ કવાયતને પગલે શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ નિવારણની સમસ્યા હલ કરવામાં કંઇક અંશે મદદ મળશે. તાજેતરમાં શહેરને સ્માર્ટ સિટી બનાવવાનો દાવો કરનાર મ્યુનિસિપલ સત્તાધીશોનો રસ્તા પર રખડતાં ઢોરના મામલે હાઇકોર્ટમાં અવારનવાર ઊધડો લેવાયો હતો. હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીના સંદર્ભમાં જસ્ટિસ એમ. આર શાહની બેન્ચ દ્વારા તંત્રને રખડતાં ઢોરના મામલે નક્કર કામગીરી કરવાનો આદેશ અપાયો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજસ્થાનના જોધપુરમાં રખડતાં ઢોરના ત્રાસને અંકુશમાં લેવા અસરકારક રીતે પગલાં લેવાયાં હોઇ ત્યાંની વ્યવસ્થાનો અભ્યાસ કરવાની સૂચના પણ તંત્રને હાઇકોર્ટે કરી હતી. હાઇકોર્ટની લાલ આંખના પગલે સત્તાવાળાઓએ હરકતમાં આવીને હવે રખડતાં ઢોર પકડવાની કામગીરી માટે દરરોજનાં ૧૦૦ ઢોર પકડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. હાલમાં ઝોનદીઠ બે પ્રમાણે બાર ટીમ કાર્યરત છે.
આ ઉપરાંત ગાય સહિતનાં પશુના ટેગિંગ માટે સત્તાવાળાઓ દ્વારા ગત સપ્ટેમ્બર મહિનામાં પશુઓના રજિસ્ટ્રેશનની કામગીરી હાથ પર લેવાઇ હતી. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા ગત વર્ષ ર૦૧૩માં કરાયેલા સર્વે મુજબ શહેરમાં આશરે ૬૦ હજાર ગાય સહિતનાં રખડતાં પશુ હતાં, પરંતુ આ સંખ્યામાં થયેલા ૬૦ ટકા જેટલા ઘટાડા માટે માલધારીઓનું અન્યત્ર સ્થળાંતર, ફક્ત દૂધના વ્યવસાય પર નભનારા માલધારીઓના પ્રમાણમાં ઘટાડો જેવાં કારણ પણ જવાબદાર છે. ગાય સહિતનાં પશુના રજિસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ ગત તા.૩૦ સપ્ટેમ્બર હતી. તંત્રના ચોપડે આ નિર્ધારિત તારીખ સુધીમાં ર૮રર માલધારીઓનાં કુલ ર૧,૬૪ર પશુઓનું રજિસ્ટ્રેશન કરાયું છે. તેમજ રજિસ્ટ્રેશન ફીની આવક પેટે મ્યુનિસિપલ તિજોરીમાં રૂ.૪૩.ર૯ લાખ ઠલવાયા છે. હવે આ રજિસ્ટ્રેશનના આધારે સત્તાવાળાઓ દ્વારા ગાય સહિતનાં પશુના ડાબા કાને પીળા રંગનું પ્લાસ્ટિકનાં ટેગ લગાવાઇ રહ્યાં છે.
આ ટેગમાં રજિસ્ટર્ડ થયેલો નંબર હોઇ તેના આધારે માલધારીના નામ-સરનામાની વિગત પણ સહેલાઇથી ઉપલબ્ધ થશે. દરમિયાન મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ વિભાગનો હવાલો સંભાળતા ઇન્ચાર્જ વડા ડો.પ્રતાપસિંહ રાઠોડે જણાવ્યું કે, તંત્રની ટેગિંગની કામગીરી હેઠળ આજદિન સુધીમાં કુલ ૩૦૭પ ગાય સહિતનાં પશુને ટેગ લગાવાયાં છે અને આગામી ત્રણેક મહિનામાં તમામ રજિસ્ટર્ડ પશુઓને ટેગ લગાવાઇ જશે. ત્યારબાદ તંત્ર દ્વારા રસ્તા પર રખડતાં જોવા મળતાં પશુઓને જપ્ત કરાશે તેમજ પશુપાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. અત્યારે જે તે વોર્ડમાં કેટલાં પશુઓની સંખ્યા છે તેની વિગત પશુપાલન વિભાગ દ્વારા તૈયાર કરાઇ રહી છે.
આ દરમિયાન તંત્રની ગત તા.૧ ઓગસ્ટ, ર૦૧૮થી ગત તા.ર ઓક્ટોબર, ર૦૧૮ સુધીની કામગીરીની વિગત તપાસતાં આ સમયગાળામાં કુલ ૪,૩૭૭ પશુ પકડાયાં હતાં તેમજ દંડની રકમમાં ત્રણ ગણો વધારો કરાતાં દંડ પેટે રૂ.૧૮.૭૧ લાખની આવક તંત્રને થઇ હતી. જ્યારે કુલ ર,૩૭૯ પશુને પાંજરાપોળ મોકલાયાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશુઓની નોંધણી માટેની ઝુંબેશ હેઠળ પ્રતિ પશુદીઠ રૂ.ર૦૦ની રજિસ્ટ્રેશન ફી નિર્ધારિત કરાઇ હતી. હવે આ રજિસ્ટર્ડ પશુઓ સહિતનાં પશુઓને છોડાવવા માટે પશુપાલકો માટે નોંધણી નંબર ફરજિયાત કરાયો છે તેમજ પશુની ઓળખ માટેનો ટેગને સારી હાલતમાં જાળવવાનું પણ ફરજિયાત કરાયું છે.