તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ૦૫ માર્ચ ૨૦૧૮ થી વધુ એક લાખ મેટ્રીક ટન ટેકાના ભાવે મગફળી ખરીદવાની ગુજરાત સરકારને મંજૂરી આપી છે. રાજ્યના ૧૦૦ જેટલા કેન્દ્રો ઉપર મગફળીની ખરીદીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. તેમ રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
મંત્રી વધુમાં કહ્યુ હતુ કે, અગાઉ ઓનલાઇન રજીસ્ટર થયેલા અને મગફળી વેચવાની બાકી હોય તેવા ખેડૂતોની મગફળી ખરીદાય અને તેની ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી સાથે હલર દ્વારા સફાઇ કરીને ગુણવત્તાયુક્ત મગફળીની ખરીદી થાય તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં કાળી માટીવાળી દળદાળ જમીનો આવેલી છે. આ વિસ્તારના ખેડૂતો મગફળી જમીનમાંથી બહાર કાઢે ત્યારે સ્વભાવિક રીતે મગફળીની સાથે માટીના નાના-નાના કાંકરા પણ સાથે આવતા હોય છે. આથી મગફળીને હલરમાં નાંખીને સાફ-ચોખ્ખી કરવામાં આવે છે, જેથી નાફેડના માપદંડ પ્રમાણે મગફળી ખરીદી શકાય તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ રૂા.૩૬૪૯.૪૦ કરોડની ટેકાના ભાવે ૮.૧૦ લાખ મેટ્રીક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેનો રાજ્યના ૪,૧૭,૭૮૩ ખેડૂતોએ લાભ લીધો છે. આ પૈકી રૂા.૩૨૨૪.૭૨ કરોડની રકમ ખેડૂતોને ચૂકવામાં આવી છે, જ્યારે બાકીની રકમ ચૂકવવાની પ્રક્રિયા ચાલુ છે. રાજ્યમાં મગફળીની ખરીદીની પ્રક્રિયામાં કેન્દ્ર સરકારની નોડલ એજન્સીના નાફેડ વતી રાજ્યની નોડલ એજન્સીઓ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને ખેડૂતોને એસ.એમ.એસ. મોકલી યોજનાની ગાઇડલાઇન મુજબ ગુણવત્તાના ધારાધોરણથી ખરીદી કરવામાં આવે છે. ઉપરાંત ગુજરાત રાજ્ય વેરહાઉસીંગ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવેલ ગોડાઉનોમાં નાફેડના સર્વેયર દ્વારા ગુણવત્તાના ધારા ધોરણ મુજબ આ ખરીદ કરેલ મગફળીનો સંગ્રહ કરવામાં આવે છે, તેમ રાજ્ય ગૃહ મંત્રીએ વધુ માહિતી આપતા ઉમેર્યુ હતું.