ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષનું પરિણામ 72.99 ટકા રહ્યું છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની સાથે સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
આ વર્ષે 1.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં A ગ્રુપના 57,764 જ્યારે B ગ્રુપના 76,888 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાથી 98,067 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સેમેસ્ટર પ્રથા રદ્દ કર્યા બાદ પહેલું પરિણામ જાહેર થયું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58 ટકા, ગુજરાતી માધ્યમનું 72.45 ટકા જ્યારે કુલ પરિણામ 72.99 ટકા આવ્યું છે.
જિલ્લાવાર પરિણામની વાત કરીએ તો રાજકોટ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર જીલ્લાનું પરિણામ સૌથી ઓછુ 35.64 ટકા આવ્યું છે. જો કેન્દ્ર આધારિત પરિણામની વાત કરીએ તો ધ્રોલ કેન્દ્ર 95.65 ટકા પરિણામ સાથે રાજ્યભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે જ્યારે બોડેલી કેન્દ્ર 27 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 8.9 ટકા પરિણામ ઓછું જાહેર થયું છે. આજે જાહેર થયેલું પરિણામ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું છે