સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ વિશેષ
પોતાનામાં વિશ્વાસ કરતા શીખો અને સમગ્ર વિશ્વ તમારા કદમોમાં હશે.
– સ્વામી વિવેકાનંદ
નમસ્તે મિત્રો….!!!
આપણે આજે એવા વ્યક્તિ વિશેષની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે પોતાના ગુરુને ગુરુ તરીકે સ્વીકારવામાં પાંચ પાંચ વરસનો સમય લગાવી દીધો અને એ તો ઠીક, પણ પોતાના ગુરુની પરીક્ષા પણ કરી હતી. જી હા, દોસ્તો અને એ વ્યક્તિ છે નરેન્દ્રનાથ દત્ત જેને આપણે આજે સ્વામી વિવેકાનંદના નામથી ઓળખીએ છીએ. આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ તેઓ વિશે જાણીએ…
આ મહાન વિભૂતિનો જન્મ 12મી જાન્યુઆરી, 1863ના રોજ કલકાતાના પોશ એવા શિમલા પલ્લી વિસ્તારમાં કોલકાતા હાઈકોર્ટના એટર્ની વિશ્વનાથ દત્તના ઘેર માતા ભુવનેશ્વરી દેવીની કૂખે થયો હતો. નાનપણથી જ પિતા તરફથી મળેલી બૌદ્ધિક રીતે પ્રશ્નો અને સમસ્યાઓનું સમાધાન કરવાની તાલીમ અને માતા તરફથી મળેલા ધાર્મિક સંસ્કારોને લીધે નરેન્દ્ર નાની ઉંમરમાં જ વેદો, ઉપનિષદો, ભગવદગીતા, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનું અધ્યયન કરવા ટેવાયેલા હતા. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે વિચારને સર્વાંગી રીતે ચકાસીને પછી જ જીવનમાં ઊતારવાની તેમની આદત હતી.
ઈ.સ. 1881 થી 1884 દરમ્યાન તેઓએ સ્કોટિશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ અને તે સમયે તેઓ બ્રહ્મોસમાજ નામની સંસ્થાથી સારી રીતે પરિચિત અને પ્રભાવિત હતા. આ સંસ્થા ઈશ્વરના નિરાકાર સ્વરૂપને જ માનતી હતી અને મૂર્તિપૂજાનો સદંતર વિરોધ કરતી હતી. સાહિત્યના એક વર્ગમાં તેમણે આચાર્ય હેસ્ટીને વિલિયમ વર્ડ્સવર્થની કવિતા ધ એક્સકર્ઝન (The Excursion) ,અને તેના પ્રકૃતિ-ગુઢવાદ પર પ્રવચન કરતા સાંભળ્યા હતા ત્યારે રામકૃષ્ણ સાથે તેમનો પ્રથમ પરિચય થયો હતો. કવિતામાં આવતા સમાધિ શબ્દને સમજાવતી વખતે હેસ્ટીએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તેઓ જો આ શબ્દનો સાચો અર્થ સમજવા માંગતા હોય તો તેમણે દક્ષિણેશ્વરના રામકૃષ્ણને મળવું જોઇએ. આનાથી નરેન્દ્રનાથ સહિતના અમુક વિદ્યાર્થીઓ રામકૃષ્ણને મળવા પ્રેરાયા.
નવેમ્બર 1881માં રામકૃષ્ણ સાથેની મુલાકાત એ તેમના જીવનમાં સંક્રાંતિનો દિવસ હતો. એ દિવસથી તેમની નરેન્દ્રથી વિવેકાનંદ બનવાની યાત્રાનો પ્રારંભ થયો. શરૂઆતમાં નરેન્દ્રએ રામકૃષ્ણને તેમના ગુરુ તરીકે સ્વીકાર્યા નહોતા અને તેમના વિચારો સામે બળવો પોકાર્યો હતો, તેમ છતાં તેઓ તેમના વ્યક્તિત્વથી આકર્ષાયા હતા અને તેમની વારંવાર મુલાકાત લેવા માંડ્યા હતા. શરૂઆતમાં તેમને રામકૃષ્ણના ઉદ્રેકો અને વિચારો ‘‘કલ્પનાના ગુબ્બારા’’, ‘‘માત્ર ભ્રામકતા’’ જેવા જ લાગ્યા હતા.”. બ્રહ્મો સમાજના સભ્ય તરીકે, તેમણે મૂર્તિ પૂજા અને બહુઇશ્વરવાદ અને રામકૃષ્ણની કાલી માતાની ભક્તિ સામે બળવો કર્યો હતો. તેમણે નિરપેક્ષતા સાથેના અદ્વેત વેદાંતવાદની એકાત્મતાને પણ નકારી કાઢી હતી અને મોટેભાગે તે વિચારની મજાક ઉડાવતા હતા.
નરેન્દ્ર રામકૃષ્ણ અને તેમના વિચારોને સ્વીકારી શકતા નહોતા, તેમ છતાં તેઓ તેમની ઉપેક્ષા પણ કરી શકતા નહોતા. કંઈ પણ સ્વીકારતા પહેલાં તેનું સર્વાંગી પરીક્ષણ કરવું એ નરેન્દ્રનો સ્વભાવ રહ્યો હતો. તેમણે રામકૃષ્ણની પરીક્ષા લીધી અને રામકૃષ્ણએ પણ ક્યારેય નરેન્દ્રને તર્ક ત્યજવાનું કહ્યું નહોતું. તેમણે નરેન્દ્રની તમામ દલીલો અને પરીક્ષણોનો ધીરજપુર્વક સામનો કર્યો. ‘‘સત્યને તમામ પાસાઓમાં નિહાળવાનો પ્રયાસ કરો,’’ એ તેમનો જવાબ હતો. રામકૃષ્ણના માર્ગદર્શન નીચેની તાલીમના પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્રનું એક બેચેન, મુંઝાયેલા, અધીર યુવાનમાંથી એક એવા પરિવક્વ યુવાનમાં પરિવર્તન થયું, જે ઇશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતો. આ સમય દરમિયાન, નરેન્દ્રએ રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર્યા અને સ્વીકાર હ્રદય-પૂર્વકનો અને એક અનુયાયીની સંપૂર્ણ શરણાગતિ સાથે હતો.
ઈ.સ. 1885માં રામકૃષ્ણને ગળાનું કેન્સર થયું અને તેઓ કોલકાતા રહેવા ચાલ્યા ગયા અને પાછળથી કોસીપોર ગયા. વિવેકાનંદ અને તેમના સખા અનુયાયીઓએ રામકૃષ્ણની તેમના અંતિમ દિવસોમાં શુશ્રુષા કરી. રામકૃશ્ણના તમામ શિષ્યો તેમનો પડ્યો બોલ ઝીલવા હંમેશા તૈયાર રહેતા હતા પરંતુ નરેન્દ્રની ગુરુભક્તિ હંમેશા કઈંક અલગ જ રહી હતી. એક વાર ગુરુ શિષ્યની આ બેલડી સમાધિના સાક્ષાત્કાર અને કાલી માતાના મૂર્ત સ્વરૂપના દર્શન વિશે વાત કરી રહ્યા હતા. એ દરમિયાન નરેન્દ્રએ રામકૃષ્ણજીને ફરિયાદ કરી કે તેઓને કાલીમાતાનો સાક્ષાત્કાર પણ નથી થતો અને સમાધિ પણ સંતોષકારક રીતે નથી મળતી. ત્યાર બાદ રામકૃષ્ણએ તેમને મજાકમાં કહ્યું કે બેટા, તારે તારા ગુરુને ઘોળીને પી જવા પડશે ત્યારે તારા પર ગુરુની કૃપા ઊતરશે અને એ પછી જ તને આ તમામ સાક્ષાત્કાર થશે. એ વાર્તાલાપ દરમિયાન અચાનક જ રામકૃષ્ણને લોહીની ઊલટી થઈ અને ત્યા ઊભેલા તમામ લોકોના આશ્ચર્ય વચ્ચે નરેન્દ્ર એ ઊલટી ગટગટાવી ગયા. ત્યારે રામકૃષ્ણજીએ ગુસ્સો કરીને આવું કરવાનું કારણ પૂછતા તેઓએ જવાબ આપ્યો કે જો ગુરુને ઘોળીને પીવાથી મને સમાધિનો સાક્ષાત્કાર થતો હોય તો હું હજારો વાર આવું કરવા તૈયાર છું. રામકૃષ્ણના માર્ગદર્શન હેઠળ તેમનું આધ્યાત્મિક જીવન ચાલુ જ રહ્યું હતું. કોસીપોર ખાતે વિવેકાનંદને વારંવાર નિર્વિકલ્પ સમાધિ નો સાક્ષાત્કાર થયો હોવાનું કહેવાય છે. રામકૃષ્ણના છેલ્લા દિવસોમાં વિવેકાનંદ અને તેમના કેટલાક અનુયાયીઓને રામકૃષ્ણએ સન્યાસીના વસ્ત્રો આપ્યા, જે રામકૃષ્ણ મઠના સંન્યાસી બન્યા.
સંદર્ભ : સ્વામી વિવેકાનંદનું જીવન અને તત્વજ્ઞાન (Life and Philosophy of Swami Vivekananda)