કાલોલની જે.એમ.હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગોધરાઃ પંચમહાલ જીલ્લામાં બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનને સાચા અર્થમાં સાર્થક કરવા કલેકટર ઉદિત અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી એ. જે. શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં  સોનોગ્રાફી ધારક અને પી. સી. એન્ડ પીએનટીડી એકટ હેઠળ રજિસ્ટર્ડ હોસ્પિટલોમાં સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાતા કાલોલ ખાતે આવેલ એન.એમ.મેડીકલ ટ્રસ્ટ સંચાલિત જે.એમ.જી.હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરી જપ્ત કરવામાં આવ્યું છે.

ચેકીંગ ટીમની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં એકટ હેઠળ જરૂરી રજિસ્ટર બી ફોર્મ હોસ્પિટલ ખાતે પ્રદર્શિત કરેલ ન હતું તેમજ કાયદાની જોગવાઇ પ્રમાણે રાખવાના થતા ફોર્મ પણ સંપુર્ણ ભરાવેલ ન હોવાનું જણાતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું છે.

પંચમહાલ જિલ્લામાં ઘટતી દીકરીઓની સંખ્યા ચિંતાનો વિષય છે. ગુજરાતમાં ૨૦૧૬ના આંકડા પ્રમાણે જન્મ સમયે જાતિ પ્રમાણ દર ૮૪૮ છે. જયારે પંચમહાલ જિલ્લાનો જન્મ સમયનો જાતી પ્રમાણ દર માત્ર ૮૭૭ છે. એટલે દર હજાર પુરુષ બાળકોની સામે માત્ર ૮૭૭ બાળકીઓનો જન્મ થાય છે.

Share This Article