ત્રણ દિવસ પહેલા રોહન અને રશ્મિની એનિવર્સરી હતી. હા, ત્રણ દિવસ પહેલા હતી…આજે વાત એટલા માટે કરીએ છીએ કે આજે પણ ફેસબુકમાં તેમને લોકો હેપ્પી એનીવર્સરી મેસેજ કર્યા કરે છે. રાહુલને તો બે મહીના સુધી ફેસબુક પર લોકોએ બર્થ ડે વિશ કર્યું હતુ. એકવાર જયંતીકાકાની પહેલી ડેથ એનિવર્સરી પર જૂના પાડોશીએ કમેન્ટ કરી કે કાકાને ક્યારે કાઢી જવાના છે?
વાત એમ છે કે આપણે લોકો એટલા બિઝી છીએ કે આપણે એ જોવાનો પ્રયાસ પણ નથી કરતા કે આપણા સ્વજનો કે ફ્રેન્ડલિસ્ટનાં મેમ્બર્સ ક્યારે શું પોસ્ટ કરે છે. બસ સ્ક્રીનમાં જે સામે આવે તેને લાઈક કે ઉપર બીજા કોઈએ જે વિશ કર્યુ હોય તે કોપી પેસ્ટ કરીને જવા દઈએ છીએ. એક ટપૂડાને એવી ટેવ…કે દર મહીને કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરે અને વોટ્સએપ ગ્રુપમાં અમસ્તા જ તેને કોન્ગેચ્યૂલેશન કે બર્થ ડે વિશ કરી દે…. પછી શું જોઈએ….લોકો કંઈ પણ કન્ફર્મ કર્યા વગર કે કંઈ પણ વિચાર્યા વગર કોપી પેસ્ટ વિશ કરવા મંડી પડે. પેલો બીચારો માણસ જવાબ આપી આપીને હેરાન થઈ જાય…ટપૂડો હસ્યા કરે. આખા ગ્રુપમાંથી એક પણ માઈનો લાલ એવુ ન પૂછે કે શેના માટે કોન્ગ્રેચ્યુલેશન કરે છે ભાઈ….!
ઘણાં લોકો તો કોઈની ઈન્સ્ટાગ્રામ બર્થ ડે પોસ્ટ પર ગુડ મોર્નીંગ કે ગુડ ઈવનીંગની કમેન્ટ લખતા હોય છે, એટલુ જ નહીં પણ ઘરમાં બધા મજામાં ને…. નાનકો શું કરે છે….હવે બાપુજીનું પેટ બરાબર રહે છે…..? આ પ્રકારની પરર્સનલ વાતો પણ પોસ્ટનાં કમેન્ટ બોક્સમાં મૂકતાં હોય છે. કેટલીક ખીજાયેલી જાનૂડીયોનાં આશીક પણ માફીનામાં માટે સોશિયલ મીડિયાનો સહારો લઈને અન્ય ૫૦૦ જણાંને જતાવતા હોય છે કે હું પ્રેમમાં કેટલો પાગલ છું.
કેટલીક સહનશક્તિની મૂર્તિઓની સ્પ્રીંગ જે ઓફિસ કે ઘરમાં દબાયેલી રહે છે તેમને પણ ઉલટી કરવા માટે આ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ બેસ્ટ લાગે છે.
મિત્રો યાદ રાખો કે તમારા સોશિયલ મીડિયામાં આશરે ૫૦૦ જેટલા ફ્રેન્ડ્સ હશે. તમે જ્યારે એક વ્યક્તિ સાથે ખુશી કે નારાજગી વ્યક્ત કરો છો ત્યારે અન્યને જણાવવું જરૂરી નથી. આ વિશે ઘણી બધી વાત કરવી છે પણ આવતા અંકમાં કરીશું હાલ તો તમે એટલુ યાદ રાખો કે બર્થડે નો દિવસ પતી જાય પછી વોલની દયા ખાવ…કદાચ લખવુ હોય તો માત્ર બીજા દિવસે અને એ પણ બિલેટેડ ઉમેરીને વિશ કરો…
થેન્ક યુ.
-પ્રકૃતિ ઠાકર