તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સ્મોકર્સ ડાઈટ સ્મોકિંગથી થનાર આડ અસરને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ કારણસર જો કોઈ વ્યક્તિ ધૂમ્રપાનથી ગ્રસ્ત છે તો સ્વસ્થ રહેવા માટે સ્મોકર્સ ડાઈટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને ધૂમ્રપાન કરવાની ટેવ પડી ગઈ છે તો સૌથી પહેલાં તેને છોડી દેવાના પ્રયાસ કરવા જોઈએ. અલબત્ત આમા સમય લાગી શકે છે પરંતુ ત્યાં સુધી તેની આડ અસરથી બચી શકાય છે. ડો. વિજય કે એસ શુક્લાનું કહેવું છે કે ધૂમ્રપાન કરવાથી કેન્સર, હાર્ટના રોગ, ડાયાબિટીશ, સ્ટ્રોક, કોલ્ડ અને કફ જેવી તકલીફ થઈ શકે છે. સામાન્ય રીતે આ તમામ તકલીફો ધૂમ્રપાન વધુ કરવા અને પોષક તત્વોનો ઓછો ઉપયોગ કરવાથી થાય છે.
સ્મોકિંગ પછી શરીરમાં વિટામીન સી અને ઈ, ઝીંક, કેલ્શિયમ , ફ્લોટ અને ઓમેગા થ્રીની અછત ઊભી થઈ જાય છે. આવી સ્થિતિમાં ખાવા પીવાની ચીજવસ્તુઓ મારફતે આવી ચીજોનો ઉપયોગ કરવામાં આવે તો શરીરને નુકશાન થવાની તકો ઘટી જાય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ ૧૦૦૦ મિલીગ્રામ વિટામીન સી લેવાથી ધુમ્રપાનના ૪૫ ટકા જોખમી પરિબળો ઘટી જાય છે. એટલું જ નહીં ધૂમ્રપાન કરનાર લોકોમાં થનાર સામાન્ય તકલીફો પણ વિટામીન સીથી ઓછી થઈ જાય છે. વિટામીન સીથી ભરપૂર ચીજો બજારમાં અનેક ઉપલબ્ધ છે.
જો દરરોજ છથી સાત કપ ગ્રીન ટી લેવામાં આવે તો ધૂમ્રપાનથી થનાર સાઇડ ઇફેક્ટ ૪૦થી ૫૦ ટકા ઘટી જાય છે. ગ્રીન ટીમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોય છે જે શરીરને ડીટોક્સ કરવામાં મદદરૂપ થાય છે. ગ્રીન ટી કેન્સરના જોખમને પણ ઘટાડે છે અને ઇમ્યુન સિસ્ટમને યોગ્ય રાખે છે. ગ્રીન વેજીટેબલ્સમાં કરોટિનોયડ્સના તત્વો રહે છે જનાથી કેન્સરના જોખમને ૨૦ ટકા ઘટાડી શકાય છે.