સુરતનાં ગોડાદરા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકીના દેહને ચૂંથીને ૨૦ વર્ષીય પરપ્રાંતીય હેવાને તેનું ગળું દબાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતાં રાજયભરમાં ભારે ફિટકારની લાગણી વરસી રહી છે. ખાસ કરીને સાબરાંઠાના ઢુંઢર પર પરપ્રાંતીય દ્વારા ૧૪ માસની બાળકી પર દુષ્કર્મની અત્યંત ઘૃણાસ્પદ ઘટના બાદ પરપ્રાંતીયો પરત્વે સમગ્ર રાજયમાં ઉગ્ર રોષ અને આક્રોશની લાગણી ફેલાઇ હતી, તેમાં આ બનાવને પગલે બળતામાં જાણે ઘી હોમાયું છે.
સુરતમાં તાજેતરમાં દુષ્કર્મની બે ગંભીર ઘટનાઓ બાદ સાડા ત્રણ વર્ષની બાળકીના નવા કિસ્સાને લઇ આજરોજ સુરતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે આક્રોશિત લોકો રીતસરના રસ્તા પર ઉતરી આવ્યા હતા. મોટાપાયે સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને રેલી-સરઘસ કાઢી બાળકીને અને તેનાં પરિવારને ન્યાય અપાવવાની ઉગ્ર માંગણી સાથે સૂત્રોચ્ચાર કરતાં નજરે પડયા હતા. આ બનાવથી ઉશ્કેરાયેલા લોકોએ આરોપીને ઝડપી પાડી તેને ફાંસીની સજા આપવાની જારદાર માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સાબરાંઠાના ઢુંઢર પર પરપ્રાંતીય દ્વારા ૧૪ માસની બાળકી પર દુષ્કર્મની અત્યંત ઘૃણાસ્પદ ઘટના અને સુરતમાં તાજેતરમાં દુષ્કર્મની બે ગંભીર ઘટનાઓના કેસમાં તાજેતરમાં જ સરકારે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરી હતી અને હાઇકોર્ટ દ્વારા આ કેસો ચલાવવા અરજન્ટ ધોરણે ફાસ્ટ ટ્રેક જજની નિમણૂંક પણ કરી દીધી હતી. સુરતનાં ગોડાદરામાંરહેતા પરિવારની સાડા ત્રણ વર્ષની દીકરી શનિવારે રાત્રે આઠથી સાડા આઠ વાગ્યાના સમયગાળામાં ગુમ થઇ હતી.
જેનો હત્યા કરાયેલો મૃતદેહ ગઇકાલે સોમવારે સાંજે મળ્યો હતો. બાળકીનો પરિવાર જે મકાનમાં રહે છે તેની નીચેના જ રૂમમાંથી જ પ્લાસ્ટિકના કોથળામાં બાંધેલો મૃતદેહ મળ્યો હતો. આ મકાનમાં રહેતા મૂળ બિહારનાં અનિલ યાદવે આ માસુમની હત્યા કરી હતી. બાદમાં ભેદી સંજોગોમાં આરોપી ગુમ થઈ ગયો હતો. બાળકી ગુમ થતાં સોસાયટીનાં લોકોએ રાત્રે તેની શોધખોળ હાથ ધરી હતી. જેમની સાથે આરોપી પણ શોધખોળમાં લાગ્યો હતો. બાદમાં વહેલી સવારે અચાનક ગાયબ થઈ ગયો હતો. જ્યારે પોલીસે સોસાયટીનાં ગેટ પાસે લાગેલા સીસીટીવી તપાસ કરતાં બાળકી સોસાયટીનીં બહાર ગઈ જ નથી તેવું સાબિત થયું હતું.
બાદમાં પોલીસે સોસાયટીનાં તમામ મકાનોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં માસુમનો પરિવાર જ્યાં રહેતો હતો તે મકાનનાં ગ્રાઉન્ડફ્લોર ઉપર રહેતો અને માસુમનાં પિતા સાથે જ કામ કરતો અનિલ યાદવ ઘર બંધ કરીને ગાયબ થઈ જતાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે આજે સુરતના હજારો નાગરિકો સ્મીમેર હોસ્પિટલ પાસે ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને રેલી-સરઘસ કાઢી, જારદાર સૂત્રોચ્ચાર કરી આરોપી હેવાન અનિલ યાદવને ફાંસીની સજા અપાવવાની માંગ સાથે લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને વિરોધદર્શક દેખાવો યોજી ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો. ઉપરોકત ત્રણ કેસો માટે રચાયેલી ફાસ્ટટ્રેક કોર્ટોમાં આ કેસને પણ સામેલ કરી તાત્કાલિક કેસ ચલાવી આરોપીને ફાંસીની આકરી સજા ફટકારવાની પણ લોકોએ ઉગ્ર માંગ કરી હતી.