મ્લાડા બોલેસ્લાવ : Škoda ઓટો અને પ્રાદેશિક ભાગીદાર અને રોકાણકાર થાન્હ કોંગ ગ્રુપ દ્વારા Škoda સ્લેવિયા અને કુશાક કારની એસેમ્બલી માટે 26 માર્ચના રોજ વિયેતનામમાં નવા ઉત્પાદન પ્લાન્ટનો સત્તાવાર રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બાબત બ્રાન્ડની આંતરરાષ્ટ્રીયકરણ વ્યૂહરચનામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન છે, જે પોતાના યુરોપના ઘરેલુ માર્કેટ ઉપરાંત પોતાની હાજરીને વધુ મજબૂત બનાવવા માટે તેની મહત્ત્વાકાંક્ષાને વેગ આપે છે. ભારતમાંથી કુશાક SUVની કમ્પ્લીટલી નોક્ડ ડાઉન (CKD) કીટ્સની આયાત કરીને અને તેને સ્થાનિક રીતે એસેમ્બલીંગ કરતા Škoda ભૌગૌલિક એકરૂપતા પર મદાર રાખી રહી છે. આ ઉત્પાદન પ્રોગ્રામ સ્લેવિયા સેડાનને સમાવી લેવા માટે ઉનાળામાં વિસ્તરણ પામશે, જેને પણ ભારતમાં મેળવવામાં આવેલી CKD કીટ્સમાંથી એસેમ્બલ કરવામાં આવશે. ક્વાંગ નિન્હ પ્રાંતમાં સ્થિત આ સવલત અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં વેલ્ડીંગ શોપ, પેઇન્ટ શોપ અને અંતિમ એસેમ્બલી લાઇનનો સમાવેશ થાય છે. Škoda ઓટોએ સપ્ટેમ્બર 2023માં વિયેતનામમાં પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો હતો અને મજબૂત વૃદ્ધિની તક સાથેના પ્રદેશ એવા એસોસિયેશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN)માં ફોક્સવેગન ગ્રુપની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખે છે. વિયેતનામ અનેક ASEANમાંના ઝડપથી વિકસતા માર્કેટમાંનું એક છે અને વ્યાપક ઇન્ડો-પેસિફિક રિજ્યનનું વ્યૂહાત્મક ગેટવે તરીકેની ગરજ સારે છે. વિયેતનામમાં પ્રવેશ કર્યો ત્યારથી 15 Škoda સેલ્સ આઉટલેટ્સ ખોલવામાં આવ્યા છે અને નેટવર્કને 2025 સુધીમાં 32 ડીલરશિપ્સ સુધી વિસ્તારવાનું આયોજન છે.
Škoda ઓટોના ક્લાઉસ ઝેલ્લમેરએ જણાવ્યું હતું કે: “આ નવી એસેમ્બલી લાઇન ખોલવાથી ઝડપથી વિકસતા વિયેતનામી બજારમાં અમારા વિસ્તરણમાં એક સીમાચિહ્નરૂપ છે અને ASEAN ક્ષેત્રમાં અમારી સ્થિતિ મજબૂત બને છે. અમારા મુખ્ય ભારતીય બજાર સાથેની એકરૂપતાનો લાભ લઈને, અમે માત્ર Škoda માટે જ નહીં પરંતુ અમારા સ્થાનિક ભાગીદાર, થાન્હ કોંગ ગ્રુપ માટે પણ સફળતાનો માર્ગ મોકળો કરી રહ્યા છીએ. હું વિયેતનામી પ્લાન્ટમાંથી પ્રથમ Škoda વાહનોને ખૂબ જ ટૂંક સમયમાં ગ્રાહકો સમક્ષ રજૂ કરવા આતુર છું.”
Škoda ઓટો બોર્ડના ઉત્પાદન અને લોજિસ્ટિક્સના સભ્ય, એન્ડ્રીયાસ ડિકે ઉમેર્યું હતુ કે: “નવી અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ Škodaના ઉચ્ચ ઉત્પાદન માપદંડને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરે છે. આ પ્લાન્ટ ક્વાંગ નિન્હ પ્રાંતમાં સ્થિત છે, જે વિયેતનામના સૌથી મોટા અને આધુનિક બંદરોમાંના એક – હાઇફોંગ બંદરની નજીક છે. આ ભારતના પુણેમાં અમારા લોજિસ્ટિક્સ હબમાંથી CKD કીટની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરે છે, જ્યારે વિયેતનામ અને વિશાળ ક્ષેત્રમાં Škodaની સફળતા માટે મહત્વપૂર્ણ એકરૂપતાને પણ મજબૂત બનાવે છે.”
થાન્હ કોંગ ગ્રુપના બોર્ડના ચેરમેન ન્ગુયેન એન તુઆને જણાવ્યું હતું કે: “વિયેતનામમાં પહેલો Škoda ઓટો પ્લાન્ટ થાન્હ કોંગ વિયેટ હંગ ઓટોમોટિવ અને સહાયક સંકુલમાં મુખ્ય પ્રોજેક્ટ છે જે થાન્હ કોંગ ગ્રુપ દ્વારા સારી રીતે આયોજન અને રોકાણ કરવામાં આવ્યું છે અને તેનો ઉદ્દેશ્ય યુરોપિયન ઓટોમોટિવ સહયોગને પ્રોત્સાહન આપવા, ઉત્પાદન અને ટેકનોલોજી વધારવા અને ભવિષ્યમાં નવા એનર્જી વાહનો અને ઇલેક્ટ્રિક વાહનો, વિશિષ્ટ અને કસ્ટમ ડિઝાઇન વાહનો સહિત વિવિધ શ્રેણીની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવાનો છે.”
વ્યૂહાત્મક રીતે ફાયદાકારક સ્થાન અને અત્યાધુનિક ઉત્પાદન ટેકનોલોજી
કુશાક SUVનું શ્રેણી ઉત્પાદન ગઈકાલે સત્તાવાર રીતે શરૂ થયું હતુ, અને આ ઉનાળામાં સ્લેવિયા સેડાન પણ આવશે. બંને મોડેલો ભારતના પુણેમાં Škoda ઓટોના લોજિસ્ટિક્સ સેન્ટરમાં તૈયાર કરાયેલા CKD કીટ્સમાંથી એસેમ્બલ કરવામાં આવે છે, જે ભૌગોલિક સુમેળનો લાભ લે છે. વિયેતનામના સૌથી મોટા અને આધુનિક બંદરોમાંના એકની નજીક પ્લાન્ટનું સ્થાન કાર્યક્ષમ સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરે છે.
નવી બનેલી સુવિધા ઉત્પાદન પ્રક્રિયાઓ – જેમ કે કોન્ટેક્ટલેસ 3D મેઝરમેન્ટ – અને ઉત્પાદન તરકીબો બંને માટે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં અત્યાધુનિક ચાર-સ્તર પેઇન્ટ એપ્લિકેશન અને શરીરના પોલાણ માટે કાટ વિરોધી મીણ ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે. એસેમ્બલી લાઇન પ્લાન્ટનો સૌથી મોટો વિભાગ છે, જેમાં વેલ્ડીંગ શોપ અને પેઇન્ટ શોપ પણ છે. આ સાઇટમાં ગુણવત્તા નિયંત્રણ કેન્દ્ર, ચોકસાઇ માપન સુવિધા અને લગભગ બે કિલોમીટર લાંબો ટેસ્ટ ટ્રેક છે જે સ્થાનિક રસ્તાની વિવિધ પરિસ્થિતિઓની નકલ કરવા માટે રચાયેલ છે.
ઉચ્ચ ઉત્પાદન ગુણવત્તાની ખાતરી આપવા માટે, Škoda શ્રેણી ઉત્પાદન પહેલાં વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓ હેઠળ સ્થાનિક રીતે એસેમ્બલ કરાયેલા તમામ મોડેલોનું સખત પરીક્ષણ કરે છે. ઉદાહરણ તરીકે, કુશાકએ વિવિધ વિયેતનામી રસ્તાઓ પર 330,000 કિલોમીટરથી વધુ અંતર કાપ્યું છે અને વ્યાપક આબોહવા પરીક્ષણોમાંથી પસાર થઇ છે, જેમાં -10 °C થી +42 °C સુધીના તાપમાન અને ઉચ્ચ ભેજવાળા પરીક્ષણોનો સમાવેશ થાય છે.
પ્રાદેશિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે યોગ્ય મોડેલ્સ ઓફર કરે છે
કુશાક SUV અને સ્લેવિયા સેડાનમાં લેફ્ટ-હેન્ડ ડ્રાઇવ છે અને તે અદ્યતન સલામતી અને આરામ સુવિધાઓથી સજ્જ છે, જેમાં અનુકૂલનશીલ ક્રુઝ નિયંત્રણ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ અને કૃત્રિમ ચામડાની અપહોલ્સ્ટ્રીનો સમાવેશ થાય છે. બંને મોડેલો સ્થાનિક ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતો અને અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
સ્થાનિક રીતે એસેમ્બલ કરાયેલા મોડેલો વિયેતનામમાં Škodaના પોર્ટફોલિયોનો આધારસ્તંભ છે, જે યુરોપથી આયાત કરાયેલ કારોક અને કોડિયાક SUVને પૂરક બનાવે છે. સપ્ટેમ્બર 2023માં વિયેતનામી બજારમાં Škodaના પ્રવેશ પછી, 15થી વધુ વેચાણ આઉટલેટ્સ ખોલવામાં આવ્યા છે, જેમાં હનોઈમાં એક નવો શોરૂમ કંસેપ્ટ, એક્સપિરિયન્સ સેન્ટરનો સમાવેશ થાય છે. આ વર્ષના અંત સુધીમાં નેટવર્કને 32 ડીલરશીપ સુધી વિસ્તૃત કરવાની યોજના છે.
Škoda ઓટો સમગ્ર ASEAN ક્ષેત્રમાં તેના વિસ્તરણમાં બ્રાન્ડ ગ્રુપ કોરનું નેતૃત્વ કરી રહ્યું છે, જે ફોક્સવેગન ગ્રુપ માટે વૃદ્ધિની સંભાવનાને મહત્તમ બનાવે છે. કંપની ભાવ-સંવેદનશીલ એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં તેની કુશળતાનો ઉપયોગ કરે છે અને હાલની તકોનો અસરકારક રીતે લાભ લે છે. વિયેતનામ હાલમાં દક્ષિણપૂર્વ એશિયામાં ચોથું સૌથી મોટું ઓટોમોટિવ બજાર છે.
આશરે 10 કરોડ લોકોની વસ્તી ધરાવતા દેશમાં, દર 1,000 રહેવાસીઓ દીઠ માત્ર 34 પેસેન્જર વાહનો સાથે અને સતત રાષ્ટ્રીય આર્થિક વૃદ્ધિ સાથે – વિયેતનામમાં આ ક્ષેત્રમાં સૌથી વધુ અંદાજિત વૃદ્ધિની સંભાવના છે.
ASEAN ઉપરાંત, Škoda ઓટો મધ્ય પૂર્વમાં પણ તેની વ્યવસાયિક પ્રવૃત્તિઓનું વિસ્તરણ કરી રહી છે, ભારતમાં તેની ઉત્પાદન સુવિધાઓ સાથેની એકરૂપતાનો લાભ લઈ રહી છે.