શ્રીશ્રી રવિશંકર સૌરાષ્ટ્રના પ્રવાસે : દર્શન માટે પડાપડી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  આર્ટ ઓફ લિવીંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આજે તેઓ ગોંડલના ભૂવનેશ્વરી મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને ત્યારબાદ મંદિર ખાતે ભૂગર્ભમાં બિરાજમાન શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે અભિષેક અને પૂજા કરી હતી. તેમજ મહાત્મા ગાંધી સ્મારકના દર્શન કરી મુલાકાત લીધી હતી. મંદિર ખાતે યોજાયેલ યજ્ઞમાં પણ હાજરી આપી હતી. તાજેતરમાં જ અયોધ્યામાં રામમંદિર નિર્માણની હિમાયત કરનાર શ્રી શ્રી રવિશંકરના દર્શન માટે આજે લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા.

મંદિરમાં યજ્ઞની પૂર્ણાહૂતિ શ્રી શ્રી રવિશંકરજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવી હતી. શ્રી શ્રી રવિશંકરજી મહારાજે આજે ગોંડલ પધારતા હોઇ તેમના અનુયાયી સદસ્યો દ્વારા ખાસ પ્રકારની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી હતી. શ્રી શ્રી રવિશંકર મહારાજની ઉપસ્થિતિમાં આજે સાંજે ૫.૩૦ વાગ્યે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથમાં શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં મહારૂદ્ર પૂજા તથા સત્સંગ યોજાશે. આવતીકાલે તા.૭ના દિવાળી પર્વ પર સાંજે ૫.૩૦ વાગ્યે રાજકોટમાં અષ્ટલઘુમી હોમ, દિવાળી પૂજન તથા મહાસત્સંગના કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે.

જયારે તા.૮ અને ૯ના વાસદ આશ્રમમાં નૂતન વર્ષની ઉજવણી અંતર્ગત અન્નકૂટ ઉત્સવ સહિત દેવી પૂજા અને મહાસત્સંગ પણ યોજાશે. તો જામનગરના આર્ટ ઓફ લિવિંગના વિવિધ સેન્ટરોના સાધકો તથા સ્થાનિકો માટે શ્રી શ્રી રવિશંકરના સોમનાથ તથા રાજકોટના કાર્યક્રમોમાં જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી શ્રી રવિશંકરની સૌરાષ્ટ્ર મુલાકાતને લઇ તેમના અનુયાયીઓ ભારે ઉત્સાહિત છે તો, સ્થાનિક લોકો પણ તેમના દર્શન માટે પડાપડી કરી રહ્યા છે.

 

 

Share This Article