રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી કરન્સીનો સપ્લાય ઓછો થઈ જવાને કારણે ગુજરાતભરની અનેક બેન્કો પાછલા બે અઠવાડિયાથી પૈસાની તંગીનો સામનો કરી રહી છે. બેન્કર્સના જણાવ્યા અનુસાર, આનાથી સૌથી વધારે અસર કો-ઓપરેટિવ બેન્કોને થયું છે. ગુજરાત અર્બન કો-ઓપરેટિવ ફેડરેશન(GUCBF) દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સમક્ષ માંગ મુકી છે કે બેન્કોને પૂરતાં પ્રમાણમાં પૈસા પૂરા પાડવામાં આવે.
GUCBFના ચેરમેન જ્યોતિન્દ્ર મેહતાએ કહ્યું કે, બેન્ક બ્રાન્ચ સામાન્ય રીતે પોતાની કરન્સી ચેસ્ટમાંથી કેશ મેળવતી હોય છે. પરંતુ RBI તરફથી પૂરતાં પ્રમાણમાં ફંટ સપ્લાય ન કરવાને કારણે કરન્સી ચેસ્ટમાં પણ કેશની શોર્ટેજ છે. જો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ATMમાં પણ પૈસા નહીં હોય. સુરતમાં ગ્રીન બેન્કના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ વિષય પર કોઈ જવાબ નહોતો આપ્યો. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, સરકાર RBIના સંપર્કમાં છે અને સમસ્યાનું નિરાકરણ લાવાવના પ્રયત્નો ચાલુ છે.
પૈસાની તંગીની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાંબરકાંઠા, મેહસાણા અને ઉંઝા જિલ્લાની અમુક બેન્કોમાં તો લિમિટેડ કેશ ફ્લોની નોટિસ મુકી દેવામાં આવી છે. સ્ટેટ ચીફ સેક્રેટરી જે.એન.સિંહે કહ્યું કે, અમે RBIના સતત સંપર્કમાં છીએ અને ટુંક સમયમાં નિરાકરણ આવી જશે.