આજ બસ કલમ ઝાલીને બેસી જવાયું કારણકે એક ઘટના,સળગતો પશ્ન માનસપટ પર કેટલાય દિવસથી ભમ્યા કરે છે.જયાં સુધી હું લખીશ નહિ ત્યાં સુધી આ ઘટનાને યોગ્ય ન્યાય નહિ આપી શકું. આજના સભ્ય કેવાતા ભદ્ર શાળા સંચાલકોની જોહુકમીની એક સત્ય ઘટના રૂવાડાં ઊભા કરી દે છે તેની વાત કરવી છે.
જૂનાગઢના એક નાનકડા ગીરના ગામડાનો ઉછરેલો યુવાન. જે જર્જરિત થયેલા કાચા અને ગાર-માટીથી લીપેલા મકાનમાં એ પરિવાર રહેતો.જેના માતા-પિતા અને બે બહેનોએ અસહ્ય વેદનાઓ વેઠી,પેટે પાટા બાંધી અને કાળી મજુરીઓ કરી એકનાએક દીકરા ઉદયને બી.એડ્. કરાવવા ગામમાંથી કરજ કર્યું.ઉદય કાલ સવારે નોકરી એ લાગી જશે ને બેય બહેનોને પરણાવશે તેમજ બધું કરજ ભરપાઈ કરશે.
ઉદય મા-બાપની ઈચ્છાઓ અને અધૂરા સ્વપ્નાઓ પૂરા કરવા શહેરમાં નોકરી માટે આવ્યો.થોડા સમયમાં એક ખાનગી સંસ્થામાં પૂરા દશ હજાર રૂપિયાના પગારથી જોડાયો.ત્યારે દશ હજાર રૂપિયાની કિંમત એના મનમાં ઘણી હતી. કેમકે એણે કયારેય આટલી રકમ એકસાથે જોઈ નહોતી.પોતાનો ખર્ચ કાઢતા બચેલી રકમ ગામડે મોકલતો,તેમાંથી પિતા ગામમાંથી લીધેલ કર્જ ભરપાઈ કરવા લાગ્યા હતા.
શહેરની ખાનગીશાળામાં શિક્ષક તરીકે ઉદય પ્રતિભાશાળી વ્યકતિત્વ ધરાવતો,બધા વિધ્યાર્થીઓમાં પ્રિય અને ઉમદા શિક્ષક તરીકે ઊભરી આવ્યો.એનું વ્યક્તિત્વ હમેંશા દરેકને આંજી દેતું.છતાં શાળાના સંચાલકો ખૂબ શોષણ કરતાં અને નાની-નાની બાબતોમાં દરેક શિક્ષકોને પરેશાન કરતાં.આર્થિક,માનસિક શોષણની સામે સંચાલકો લેડીઝ શિક્ષકોનું શારીરિક શોષણ કરતાં.આ બાબત ઉદયથી સહન ના થતાં સંચાલકો સામે મોટી માથાકૂટ થઈ. ત્યારે સંચાલકોએ ઉદય પર તેની પ્રિય સ્ટુડન્સ સાથે નામ જોડી બદનામ કરી સંસ્થામાંથી એનો પગાર આપ્યા વગર કાઢી મૂકવામાં આવ્યો.સંચાલકોએ એવી ધમકી પણ આપી કે કોઈપણ શાળામાં તને નોકરી નહી કરવા દઈએ.બધી જગ્યાએ ફોન કરી અને કહી દેશું આ વ્યકતિને નોકરી આપવી નહી. સંચાલક સામે સાચું બોલીને વિરોધ કરવાથી ઘણી ધમકીઓ પણ આવવા લાગી હતી.કેટલાય દિવસ ઉદય બધી શાળાઓમાં ફાઈલ લઈ રખડતો રહ્યો પણ કોઈએ નોકરી આપી નહી.હવે ઉદય માનસિક રીતે પડી ભાંગ્યો હતો.સ્ટાફ મિત્રોના કહેવાથી તે થોડા દિવસ ગામડે જતો રહ્યો.
ઉદય પર કરવામાં આવેલી આવી ટીકાઓ, માનસિકત્રાસ, આર્થિક સંકડામણ આ બધાની વચ્ચે ઉદય સંધ્યા સમયે ઘરે પહોંચતા પહેલા જ ગામની સીમમાં એક વૃક્ષ ની ડાળી પર લટકાઈને ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું.આ આત્મહત્યા નહિ પણ શાળા સંચાલકો દ્વારા કરવામાં આવેલું મર્ડર હતું.
આ ઉદયના મૃત્યું પછી માતા ગાંડી બની ગઈ,પિતા એટેકની બીમારીથી પથારીવશ થઈ ગયાં.બંને બહેનો નાનું-મોટું કામ કરીને મા-બાપની સેવા કરે છે.શાળા-સંચાલકોએ સૂર્ય ને ઉદય થતાં પહેલા હમેંશ માટે સૂર્ય અસ્ત કરી દીધો.
મિત્રો, આજે સમાજમાં આવા ઘણા ઉદય છે,જે સંચાલકોની જોહુકમી અને શોષણનો ભોગ બની રહ્યા છે.સ્ત્રી શિક્ષિકાઓનું જાતીય શોષણ,આર્થિક શોષણ,માનસિક શોષણ ખુલ્લેઆમ થઇ રહ્યું છે.છતાં કોઈને દેખાતું નથી.કોઈ અવાજ ઉઠાવતા નથી.કેમકે સંચાલકો પાસે પૈસા અને સતાનું જોર છે.જયારે શિક્ષક પાસે નોકરીની લાચારી,કુટુંબનું ભરણપોષણ.આવા તો ઘણા પ્રશ્નો છે.આનો અંત આવી શકે જો મીડિયા સાચી દિશામાં કામ કરી શકે.બાકી આવા ઘણા ઉદય અસ્ત થતાં રહેશે..આ લખીને મનમાં શાતિ થઈ કે મે ઉદયને ન્યાય આપી દીધો છે.હવે તમારે આગળ શું કરવું એ તમારે જોવાનું છે.એક નવા ઉદયના વંદે માતરમ્.
અંતે ડૉ.પિનાકીન સાહેબના શબ્દોમાં…………………………
“દેખ થોડો આભથી ઉંચે ચડ્યો છે એક માણસ
જે ચડ્યો સમજો પડ્યો,એને નડ્યો છે એક માણસ”
Guest Author
“વાસુ” – નીતિન પ્રજાપતિ