મને ઘણાં વાંચકો એવું કહે કે તમે પ્રેમ,મા (બાપ પણ હો), ભક્તિ વગેરે જેવા વિષયો પર કેમ ક્યારેય લખતા નથી. મારો જવાબ હોય કે એ વાત ક્યાંકને ક્યાંક આવી જ જતી હોય, એટલે જવાબરૂપે મને એકાદ પેરા નહીં આખો લેખ લખવાનો આગ્રહ થાય. તો મેં અત્યાર સુધીમાં જે કંઇ સમજ મેળવી અને કેળવી એનો નિચોડ તમારી સાથે શેર કરવા ઇચ્છું છું અને વેલેન્ટાઈનસ ડેની રાહ જોયા વગર આજે પ્રેમપુરાણ, પ્રેમોપદેશ, પ્રેમકથા વગેરે માંડીને બેસું છું.
પેમ એટલે? આ પ્રશ્નનો જવાબ તુંડે-તુંડે અલગ જ હોવાનો. તમે કેટલાયને પ્રશ્ન કર્યો હશે અને કેટલાય લોકોએ તમને પણ, ક્યાંક વાંચ્યું પણ હશે, ક્યાંક શું કામ ઘણી જગ્યાએ વાંચ્યું હશે. હું કોશિશ કરું મારી રીતે કહેવાની. આ પેરાની શરૂઆત કરી ત્યારે મેં પ્રેમને બદલે ‘પેમ’ લખ્યું છે, એ જો ધ્યાનમાં ન આવ્યું હોય, તો તેને પ્રેમ કહેવાય!
ચાલો ખરેખર પ્રેમ એટલે કહું, પ્રેમ એટલે કોઈ વિશે વિચારતા જયારે પોતાના વિશે વિચાર ન આવે એ મનો:સ્થિતિ! એ અનુભૂતિ! પ્રેમ માત્ર બે યુવાઓની જાગીર નથી. કોઇપણ ઉંમરે કોઈની પણ સાથે થઇ શકે. પણ આપણે ત્યાં પ્રેમને યુવક અને યુવતી એટલે કે સ્ત્રી અને પુરૂષના સંદર્ભમાં વપરાતા શબ્દ તરીકે જ જોવામાં આવે છે. બાકી બાળક માટે ઉપજે તો તેને ‘વ્હાલ’નું નામ અપાય અને વડીલ માટે ઉપજે તો તેને ‘આદર’નું નામ આપી દેવામાં આવે. ઈશ્વર માટે ઉપજે તો તેને ‘ભક્તિ’ અને જાનવર માટે ઉપજે તો તેને ‘દયા’ તરીકે જોવામાં આવે.
પ્રેમ એટલે પોતાના વિશે જ વિચારવા ટેવાયેલ માણસજાતને પોતાનાથી, સ્વયંથી પણ વિશેષ કોઈના વિશે વિચારવા મજબૂર કરી દેતી લાગણી. એવી લાગણી કે જે માને ભાવતી મીઠાઈને માત્ર જોઇને સંતોષ માણવા મજબૂર કરી દે, જે થાકેલા પિતાને બે કલાક ઓવરટાઈમ કરવા મજબૂર કરી દે, જે એડ્મિશન લેવા ગયેલા ભાઈને નાના ભાઈનો વિચાર કરીને પેમેન્ટને બદલે સરકારી સીટ તરફ આગળ વધવાનો નિર્ણય કરાવે, જે અબોલા હોવા છતાં ભાઈના છોલાયેલા ગોઠણને જોઇને બહેનની આંખોમાંથી દડદડ વહેવા લાગે…
પ્રેમ એટલે એની એ જ આંખો હોવા છતાં દૃષ્ટિ બદલાવી નાંખતી શક્તિ. સપનામાં જ શક્ય હોય તેવી આહલાદક દુનિયા નજર સામે જ હોવાના કલ્પનોને ખરા કરી બતાવતી શક્તિ. કલ્પનામાં પણ ન હોય તેવા સપના સાચા કરવાનો જોમ જગાવતી શક્તિ.
માણસનું જીવન આમ તો સૌથી બોરિંગ અને અગાઉથી જ કલ્પી શકાય તેવી બીબાઢાળ ફિલ્મ છે. પણ ઉપરવાળો સ્માર્ટ છે. તે અવ્વલ દરજ્જાનો રાઈટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે. તે દરેક વાર્તા એકસરખી જ લાગતી હોવા છતાં એવી રીતે માવજત કરે છે કે સાવ જાહેર હોવા છતાં બધું જ અંગત બની જાય છે. સાવ ફિક્કું હોવા છતાં સ્વાદિષ્ટ લાગે છે. સાવ સામાન્ય હોવા છતાં ખાસ લાગે છે.
મેં એકવાર મારા મૌલિક અર્થઘટનથી સુખની વ્યાખ્યા એકાદ લેખમાં લખેલી. સુખ એટલે મૃત્યુનું સનાતનપણું ભૂલાવી દેતી ક્ષણ. ઈશ્વરે આ સુખ નામની વાનગી બનાવવામાં પ્રેમ નામની સાકરને એવી સૂઝબૂઝથી વાપરી છે કે હું તો એનો ફેન થઇ ગયો છું. અહીં એ સમજવું રહ્યું કે પ્રેમનો સ્થૂળ અર્થ એટલે કે યુવાનીમાં થતો પ્રેમ ન કરવો. કારણકે ઘણાને ભગવાનના સાકરના પ્રમાણ સામે પ્રશ્નાર્થ થશે! મેં અગાઉ જણાવ્યું એમ પ્રેમને કોઈ ઉંમર કે જેન્ડર બાયસ ન હોઈ શકે. દરેક વ્યક્તિના નસીબમાં ભરપૂર પ્રેમ હોય જ છે. સરવાળો સો થઇ જવાનો એ નક્કી. પછી એ વીસ પંચા સો થાય કે પચાસ દુ સો થાય!તમે તમારું જ જીવન વિચારીને આ સોનો તાળો મેળવી જુઓ. જેને પ્રેમિકા નહીં મળી હોય એને દીકરી, જેને ભાઈ નહીં મળ્યો (કે ફળ્યો!)હોય એને મિત્રો, કોઈને વળી બધું જ મળ્યું હશે તો દસનો દસે ગુણાકાર થઇને સો થતા હશે.
પ્રેમ સફેદ ફ્લોર પર થતી રંગોળી છે. પ્રેમ બ્લન્ટ લાગતી કેક પરનું ટોપિંગ છે, પ્રેમ ચોળાફળીનો એ મસાલો છે જેના વિના એ સામાન્ય વાનગી બની જાય છે, પ્રેમ આછા વાદળી રંગના ખુલ્લા આકાશને દર્શનીય બનાવતું મેઘધનુષ્ય છે. પ્રેમ ભીડમાં એકાંત છે અને એકાંતમાં ભીડ છે.
પ્રેમ એક માત્ર એવી અનુભૂતિ છે કે જે આત્મા હોવાનો અનુભવ કરાવી શકે. એટલે કે આપણે બહાર જે છીએ એ નથી, અંદર કંઇક છે એ જ ખરું છે. વૈજ્ઞાનિક રીતે કહું તો શરીરની દરેક ક્રિયા મગજથી જ સંચાલિત થાય છે એ અનુભવવું એક રીતે જોઈએ તો બહુ સહેલું, પણ બીજી રીતે જોઈએ તો અઘરું છે. મગજ દ્વારા થતી ક્રિયાઓ અને વ્યવહારમાં તેની અનુભૂતિ વિશે અવકાશે લખીશ, પણ આપણું જોવું, સૂંઘવું, ચાલવું, સાંભળવું દરેક ક્રિયા કમાંડથી જ થાય છે. રોજબરોજની જિંદગીમાં એ અહેસાસ થતો નથી. પણ જ્યારે કોઈના સુખે સુખી કે દુઃખે દુઃખી થઇએ ત્યારે અંદર કંઇક થયું હોવાનું અનુભવીએ છીએ.
પ્રેમ જાદૂ છે તો જવાબદારી પણ છે. પ્રેમ પ્રાપ્તિ છે, તો સમર્પણ પણ છે. પ્રેમ ટોચ છે, તો ત્યાં હવા પાતળી પણ છે. પ્રેમમાં વિશાળતા છે તો મર્યાદા પણ છે. પ્રેમ સાશ્વત છે, પણ માણસનો અંત છે. પ્રેમમાં પરિણામ છે, પણ પવિત્રતાના હાથમાં એની લગામ છે.
હૃદયને મળતા સો ગ્રામ આરામ માટે બાકીના પૂરા શરીર પાસેથી બેફામ ખંત લઇ શકનાર જ પ્રેમ કરી કે પામી શકે. અહીં ફરી કહું છું કે પ્રેમ કોની સાથે થયો એ નહીં કેવો થયો એ મહત્વનું છે. બાળકના ચહેરા પરનું નિખાલસ સ્મિત જોવા બાપ ખિસ્સામાં પડેલા છેલ્લા પચાસ રૂપિયા પણ વાપરી નાંખે તો એ મજૂરે ખરીદેલા રમકડાંના પ્લેનની કિમત અંબાણીસ દ્વારા ખરીદાયેલા ચાર્ટર્ડ પ્લેન જેટલી જ છે. આર્થિક શક્તિમાં ફર્ક છે, પણ હૃદયને સો ગ્રામ આરામ આપવાની ભાવના તો સમાન જ છે.
પ્રેમને બહોળા અર્થમાં વર્ણવ્યા પછી હવે કરીએ પ્રેમના વધુ પ્રચલિત અર્થની વાત. સપનાના રાજકુમાર અને વાર્તાની પરીની વાત. છેક આદમ અને ઈવને જ્યારે સમજ પડી હશે ત્યારથી જન્મતા દરેક પુરૂષ અને સ્ત્રીને કિશોરાવસ્થા સુધી પહોંચતા-પહોંચતા(કેટલાક અપવાદોને બાદ કરતા) પોતાના અંતરાત્માને પૂછવાની ટેવ પડી જ જાય છે, ‘ ઈઝ હી/શી માય સૉલમેટ?’ આમ તો એમ જ કહેવાય ને કે ‘અલ્યા આત્મા આની સાથે તને ફાવશે?’
ઉંમરના એ પડાવે સામાન્ય રીતે કોઈ ભેળસેળ વગરનો એટલે કે ‘પહેલી નજર મેં કૈસા જાદૂ કર દિયા…’ પ્રકારનો પ્રેમ થઇ જતો હોય છે. અ ઉંમરે જિંદગીભરના એડવાન્સ પ્લાનિંગ મગજમાં નથી આવતા. કોઈ ગમ્યું તો બસ ગમ્યું. તેનું ઘરમાંથી નીકળવું, લટ સરખી કરવી, બાઈક ચલાવવું, સનગ્લાસીસ પહેરવા, તીરછી નજરથી જોઈ લેવું, ગીતો સાંભળતા-સાંભળતા પોતે પ્રિયપાત્ર સાથે ગીતોમાં હોવાની કલ્પના કરવી વગેરે આ ઉંમરના પ્રેમના લક્ષણો છે. વ્યવહારમાં જે વધુ યોગ્ય હોય એ પણ શુદ્ધ એટલે કે ગણતરી વગરનો પ્રેમ આ ઉંમરે જ થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં એ પછી એ પાત્ર માત્ર મીઠી યાદોનો ભાગ બનીને રહી જાય છે.
યુવાવસ્થામાં હોર્મોન્સ કિશોરાવસ્થાના પ્રમાણમાં ઠીકઠાક સ્ટેબલ થયા હોય છે. જનમજનમના વચનો આપવાની ઇચ્છા જન્માવે તેવો પ્રેમ આ સમયમાં થાય છે, કારણકે અહીં વાત માત્ર કોઈને પસંદ કરવાની નહીં જીવનસાથી બનાવવાની હોય છે. આસપાસ નજર કરતી આંખો દરેક વિજાતીય વ્યક્તિની પ્રાથમિક ચકાસણી પાર પાડે છે. પણ હવે પુખ્ત બની ગયેલા વિચારો માત્ર આંખોની પસંદગી કરતા પરસ્પરની સમજણને વધુ મહત્વ આપે છે. એટલે આ ઉંમરે ક્ષણીક આવેગો પર વ્યક્તિનો પૂરતો કાબૂ રહે છે. એક વાર હૃદય અને મન બંને ગ્રીન સિગ્નલ આપી દે પછી વ્યક્તિ લાગી પડે છે, જોકે બાદમાં કામ તો હૃદયને જ કરવાનું હોય છે.
ગમતી વ્યક્તિની પસંદ-નાપસંદ પ્રમાણે પોતાની પસંદ બદલવી, તેને ભાવતી ચીજવસ્તુઓનું ધ્યાન રાખવું, હાજર હોય ત્યારે તાકીતાકીને જોઈ લેવું અને ગેરહાજર હોય ત્યારે વાગોળ્યા કરવું, એ પણ પાછું તેની જાણબહાર કરવાની તો ઓર મજા આવે, એ હસે તો ગમે; રડે તો બધું હચમચી ગયેલું લાગે, આંખોના લેન્સને કોઈ એડજસ્ટમેન્ટની જરૂર જ ન પડે એ પ્રિયપાત્ર સિવાયનું બધું જ આપોઆપ આઉટ ફોકસ કરી નાંખે.
બે વ્યક્તિ વચ્ચેના પ્રેમમાં ઉંમરના પડાવનું પણ એટલું જ મહત્વ છે. પત્નીને કે પતિને થતો પ્રેમ લગ્ન પછી શરૂઆતના સમયમાં અલગ ભાવ સાથે થતો હોય, શોધ પૂરી થઇ હોવાનો સંતોષ પ્રેમની સુખાકારીમાં વધારો કરે. બાળકની પ્રાપ્તિ પછી માલિકીભાવ કરતા પરિવારનો ભાવ વધુ જોર પકડે, પ્રેમ પ્રેમ જ રહે પણ રંગ બદલતો રહે. ઉંમરની અસર સાથે શારીરિક આકર્ષણમાં ઘટાડો થાય અને પરસ્પરનો સ્વીકાર ચરમસીમાએ પહોંચે. જે વ્યક્તિને ગમતા સેન્ડલ અપાવવાની મજા લીધી હોય એને જ ઘૂંટણના સાંધાનું ઓપરેશન કરાવી લેવા માટે વારંવાર સમજાવવાની મજા જ ઓર હોતી હશે! (હોતી હશે જ લખું ને ભાઈ, મને થોડો અનુભવ છે કે એ મજા કેવી હોય… હે હે હે હે) હસ્તમેળાપ વખતે પકડેલો હાથ ઉષ્મા આપે અને ટેકો આપવા પકડેલો હાથ હૂંફ, પ્રેમ પ્રેમ જ રહે રંગ બદલાય.
પ્રેમ એટલે આ લેખમાં જ્યારે જે સંદર્ભ વાંચતા-વાંચતા તમને જે પણ યાદ આવ્યું તે બધું જ… અને આ લેખ વાંચીને જો બીજું કંઇ વાંચવાનું મન ન થાય તો સમજ જો કે તમે કોઈને ખરેખર બહુ જ પ્રેમ કર્યો છે.
કોઈના જીવનની મીઠાશ કે કડવાશના પડઘારૂપે જો આપણી આંખોમાં ખારાશ પ્રગટે તો તેનું નામ પ્રેમ.
Guest Author
~ કેતન એ. કારિયા