પરાગ આખી રાત વિચાર કરતો રહ્યો. તેને થયું હવે ક્યાં સુધી આમ ને આમ ચાલશે. કંઈક નિર્ણય તો કરવો જ પડશે. સવારે ઊઠીને હિંમત કરી પિતાજી પાસે ગયો અને બોલ્યો, “પિતાજી, મારા માટે મેં પ્રિયાને પસંદ કરી લીધી છે. તમે જો મંજૂરી આપો તો….”
ભરતભાઈ બોલી ઊઠ્યા, “જો પરાગ, મારી મંજૂરીનો કોઈ પ્રશ્ન જ નથી. હું તારી સાથે જ છું, પણ તું તો જાણે જ છે. તારા બાને.. ને તેની જીદને.તે કહે છે કે પ્રિયાનું ભણતર સારું છે એની ના નહીં પણ દેખાવે તો ભીનેવાન ને? મારે એ ન જોઈએ. ને હા..વહુ તો ચાંદના ટૂકડા જેવી જ જોઈએ !”
“શું પિતાજી તમે પણ બાની વાત પકડીને બેઠા છો? એ પણ આજના આ યુગમાં.” પરાગ અકળાઈને બોલ્યો.
ભરતભાઈ કહે, “તને શુ લાગે છે? મેં તેને નહીં સમજાવી હોય એમ? મેં ભણતરની વાત પણ કરી જોઈ તો કહે કે આપણે ક્યાં તેને નોકરી કરવા મોકલવી છે તે ડીગ્રીધારી જોઈએ. ભગવાનની કૃપાથી તમે બાપ-દીકરો ઘણું કમાવી લાવો છો. એટલે મારે તો ઘર સંભાળે અને આંગણે શોભે એવી જ વહુ જોઈએ.”
પરાગે ઘણી દલીલ કરી.કહે, “પિતાજી, તમે જાણો છો ને..આજે નોકરી કરવા માટે જ ડીગ્રીની-શિક્ષણની જરૂર નથી. રોજબરોજના મોટાભાગના વ્યવહારોમાં ટેકનોલોજી આવી ગઈ છે. અરે! રાંધણગેસનો એક સિલિન્ડર બૂક કરાવવો હોય તો પણ આવડત જોઈએ. ઉપરાંત બૅન્કના કામ, કમ્પ્યુટર, નેટ વપરાશ આ બધું જ આવડત માગી લે તેવું છે અને આ આવડત શિક્ષણ દ્વારા જ આવે !”
“એ હું ક્યાં નથી જાણતો બેટા. પણ જેને આખો દી’ સાથે રહેવાનું છે એ તારી બાને તો વાત ગળે ઊતરવી જોઈએ કે નહીં ?” પછી તો બન્નેએ ઘણી દલીલો કરી. અંતે બાની માન્યતાને અવગણીને પણ્ પ્રિયાને આ ઘરમાં લાવવાનો નિર્ણય કરી લીધો.
કમળાબેન સમસમીને રહી ગયાં. પોતાની પસંદગીનું પાત્ર ન હોવાથી તે પ્રિયા સાથે ક્યારેય મનમેળ ન કરી શક્યા. જોકે તેણે પ્રયત્ન જ ક્યાં કર્યો હતો ક્યારેય !
એક વખત પરાગને ધંધા માટે ત્રણ-ચાર દિવસ બહારગામ જવાનું થયું. તે ગયો તે રાતે જમી પરવારી સૌ સૂવાની તૈયારી કરી રહ્યાં હતાં. પ્રિયા ટીવી પર આજના ન્યુઝ જોઈ રહી હતી.ત્યાં અચાનક કમળાબેનની ચીસ સંભળાઈ. પ્રિયા દોડતી બહાર આવી. જે જોયું તેનાથી સ્તબ્ધ થઈ ગઈ. પિતાજીનો પગ લપસવાથી પડી ગયા હતા. એક પગ વિચિત્ર રીતે ઊંધો વળી ગયો હતો અને માથામાં વાગી જવાથી લોહીની ધાર થઈ રહી હતી. કમળાબેન હજુ પણ ચીસો પાડી રહ્યાં હતાં. પ્રિયાએ મહેનત કરીને સરખા કર્યા. મોં સાફ કર્યું. દોડતી જઈ ડેટોલ-રૂ લઈ આવી. કમળાબેનને રૂ દબાવી રાખવાનું કહી પોતે જાણીતા ડૉ. શાહને ફોન કર્યો. તેઓએ તાત્કાલિક હોસ્પિટલે પહોંચી જવાની સલાહ આપી.
લોહી એટલું વહી રહ્યું હતું કે બીજું કંઈ વિચારવાનો સમય ન હતો. પ્રિયાએ કીસ્ટેન્ડ્માંથી ગાડીની ચાવી લીધી. ગાડીનો દરવાજો ખોલી રાખ્યો, પછી કમળાબેનની મદદ લઈ ભરતભાઈને ગાડીમાં સુવડાવી દીધા.
કમળાબેન તો બોલતાં રહ્યાં, “મારો પરાગ બહાર ગયો ને આ ઉપાધી આવી. હવે શું થાશે. કાંઈ સમજાતું નથી મને તો.”
પ્રિયાએ તેને અટકાવીને કહ્યું, “ બા, પરાગ નથી તો શું થયું ? હું છું ને? બાપુજીને કાંઈ નહીં થવા દઉં.તમે ગાડીમાં બેસી જાઓ.” કમળાબેન બેઠાં ને પ્રિયાએ ગાડી સડસડાટ ભગાવી મૂકી.ડૉ.શાહની હોસ્પિટલ તરફ.
થોડીવારમાં જ હોસ્પિટલે પહોંચી ગયા. ડૉક્ટરે તમામ તૈયારીઓ કરી લીધી હતી. લગભગ ત્રણેક કલાક્ સારવાર ચાલી. તે દરમ્યાન વિવિધ પ્રકારના ફોર્મસ ભરવાના, રીપોર્ટ કરાવવાના, ભરતભાઈની અગાઉની બીમારી અને ચાલુ દવાની ડૉકટર સાથે ચર્ચા કરવાની, એટીએમમાંથી પૈસા ઉપાડવાના સાથેસાથે કમળાબેનને સંભાળવાના અને પરાગ સાથે સતત ફોન સંપર્ક રાખી તમામ માહિતી આપતી જવાની આ તમામ કામ પ્રિયાએ બહુ જ સ્વસ્થતાપૂર્વક અને કાળજીથી કર્યા. કમળાબેનની નજર પ્રિયા પરથી હટતી ન હતી.
“બા તમે થોડો આરામ કરી લો. હું બાપુજી પાસે બેઠી છું.” કહી તેને સુવડાવી દીધાં. પોતે આખી રાત જાગતી રહી ને બાપુજીનું ધ્યાન રાખતી રહી. સવાર થયું. ભરતભાઈ હજુ સંપૂર્ણ ભાનમાં આવ્યા ન હતા..પણ કમળાબેનને હવે સાચું ભાન આવી રહ્યું હતું. પ્રિયાની કેળવણી અને તેણે મેળવેલ શિક્ષણને કારણે જ આજે ભરતભાઈ બચી ગયા હતા.
ડૉ.શાહ રાઉન્ડમાં નીકળ્યા. ભરતભાઈને તપાસ્યા પછી કહ્યું, “ઓલ રાઈટ…હવે ચિન્તા કરવાની કોઈ જરૂર નથી.” ભરતભાઈ આભારવશ ડૉક્ટર સામે જોઈ રહ્યા. ડૉકટરે ચાલતાં ચાલતાં કહ્યું, “આભાર મારો નહીં પ્રિયાનો માનો..જેણે તમને સમયસર અહીં પહોંચતા કર્યા..”
અનાયાસે જ ભરતભાઈ અને કમળાબેનની આંખો મળી… કંઈક સુજતા કમળાબેન ઊઠ્યા ને પ્રિયાને વળગી પડ્યા ને દુઃખ સાથે બોલ્યા.. ‘બેટા પ્રિયા.. મેં ક્યારેય તને સમજવાની કોશિશ ન કરી તું ખરેખર આપણા પરિવારની રોશની છો..’ ને પછી તો કયાંય સુધી તેનો હાથ પ્રિયાની પીઠ પર ફરતો રહ્યો. ભરતભાઈએ જોયું..કમળાબેનની આંખમાંથી આંસુની સાથે સાથે વહુ તો ‘ચાંદના ટુકડા જેવી જ જોઈએ’ વાળો ભ્રમ પણ વહી રહ્યો હતો…!
લેખકઃ ભારતીબેન ગોહિલ