ટૂંકી વાર્તાઃ અંજામ

KhabarPatri News
By KhabarPatri News 8 Min Read

ઋતુની રાણી વર્ષા જાણે આજે મન મૂકીને ભીંજવી રહી છે. તમામ  હૈયાઓ  ને દરેક  ફૂલ મહેકીં  રહ્યું છે. આમ્રકુંજમાં કોયલો ટહુકી રહી છે. ડામરીયા રસ્તા જાણે તુટીને ખબોચિયું બની રહ્યા છે અને આવા સૂમસામ રસ્તા પર તમારી મોટર ધીરે ધીરે આગળ વધી રહી છે, શૈલ્ય.

આજે વીસ વર્ષ  થઇ ગયા  અને બે  દાયકા બાદ વર્ષાની પ્રથમ પહેલી  સાથ જ તમારું પુનરાગમન. પીલવઇમાં  એ જ  આમ્રકુંજ. એ જ ખેતર્યું, એ જ ટહુકતી કોયલોનો મધુર સાદ. ફરક ફકત એટલો જ  હતો કે  એ વખતનો  ધૂળિયો  મારગ આજે ડામરિયો રસ્તો બની  ગયો હતો. જેમ જેમ મોટર આગળ વધતી ગઇ તેમ તમે તમારા ભૂતકાળમાં વધુને વધુ ઊંડા ઊતરતા ગયા. અહીં વિતાયેલો  વર્ષોની એક એક ક્ષણો તમારી નજર સમક્ષ જીવંત થઇ ઊઠી.

એ ગંગામાનો વાત્સલ્ય ભર્યો ખોળો! એ આસીફચાચાની વાર્તાઓ! એ તમારી સાથે ગીલ્લી દંડો રમતો તમારો મિત્ર ડેવિડ અને આજેય તમારા મખમલી શમણામાં કયારેક સપ્તરંગી હાસ્ય રેલાવીને ઓઝળ થઇ જતો તમારો પ્રથમપ્રેમ શાલિની.

શાલિની અને તમે બંને બાળપણના મિત્રો. માત્ર પોલકું અને ઘાઘરો પહેરી ધૂળિયા રસ્તે ઊભી ઊભી શેરડી છોલીને ખાતી બે ચોટલાવાળી શાલિની કેવી સુંદર લાગતી’ તી નહી ! તમે મિત્રો  સાથે ગિલ્લીદંડો રમતા ત્યારે શાલિનીને જોતાં જ રમત મૂકીને એની વાંહે થતાં. શાલિની તળાવે જાય તો તળાવે અને ખેતર્યુંમાં જાય તો ખેતર્યુંમાં. શાલિનીને ગોરસઆંબલી ખૂબ ભાવતી અને એની હઠ જોઇ તમે ગોરસઆંબલીના ઝાડ પર ચઢી જઇ ઝાડની ડાળોને હલાવતાં અને શાલિની માટે ગોરસઆંબલીનો ઢગલો ખડકી દેતા. તમે એની સાથે દોડપકડ રમતાં, સંતાકૂકડી પણ રમતાં. અરે,  સંતાકૂકડી રમવાનો તો એને ભારે શોખ. એવી જગ્યાએ છૂપી જાય કે તમે ખોળી ખોળીને થાકો તોયે તમે એની ભાળ ન કાઢી શકો .અને છેવટે એ સામે ચાલીને જ બહાર નીકળી આવે.

તમારી યાદોના સમંદરમાં ખોવાયેલા તમે ગંગામાંને ઓરડે આવી પહોચ્યાં છો. એની તમને ખબર જ ના  રહી. ગંગામાંને આંગણે મોટર રોકી તમે નીચે ઉતર્યા. ત્યારે ગંગામાં તમારું સ્વાગત  કરવા આરતીનો થાળ લઇને તમારી રાહ જોતાં ઊભાં હતા. ગંગામાંની આંખો પર મોતિયાના કાળા ચશ્મા હતા. તમારી આરતી ઉતારી તમને અંદર લઇ જવાયા જયાં આસીફચાચા અને બીજા અનેક સ્વજનો તમારી રાહ જોઇ બેઠા હતા. તમારો મિત્ર ડેવિડ, ઓહ ! સોરી ડોકટર ડેવિડ વિદેશમાં જતો રહ્યો છે. એની તો તમને જાણ હતી જ. પણ તમારે ચંદ્રવદની શાલિની કયાંય દેખાઇ નહીં. તમને આસીફચાચા પાસેથી જાણ્વા મળ્યું કે તમારી શાલિની તેના પતિ સાથી વિદેશમાં છે અને એય ત્યાં મજા કરે છે. તમને આઘાત લાગ્યો, શાલિનીના લગ્નની તો તમને જાણ જ નહોતી. પણ આસીફચાચા એ કહયું કે તમારા ગયા પછી થોડાં જ મહિનાઓમાં તેનું લગ્ન કરી દેવાયું. અને આ બધું એટલી ઉતાવળમાં થયું કે તમને જાણ કરવાનો વખત જ ન મળ્યો. તમને લાગ્યું કે  શાલિની  કયાંક સંતાઇ ગઇ છે, અને હવે તમે એને ખોળી નહીં  શકો.

આ વાતને દિવસો વીતી ગયા. તમારા મુંબઇ પાછા જવાના દિવસો નજીક આવતા ગયા. આ દિવસો દરમિયાન તમે રોજ મંદિરે તો જતા જ અને આ વખતે પાછા ફરતાં એક તીણો  કર્કશ અવાજ તમારા કાને અથડાયો જાણે કોઇ તમને સાદ પાડી રહ્યું હતું. શૈલ્ય ! તમે જેવી એને  જોવા  માટે પીઠ ફેરવી કે તરત જ તમારા મોંમાંથી ચીસ નીકળી ગઇ.

એ બિહામણો, ડરામણો ચહેરો જોઇ તમે થડકી ગયા. તમે ડરી ગયા. તમે નજીક બોલો એ પહેલાં જ એ બિહામણો ચહેરો તમારી  નજીક આવતો ગયો. તમે ગભરાઇ ગયા. તમારા ચહેરા પર પસીનો છૂટી ગયો. જાણે આ ચહેરો હમણાં તમને મારી નાખશે. હમણાં તમારી મરણચીસ ગામને ગૂંજવી નાખશે, એવો ભાસ તમને થવા લાગ્યો, એ ચહેરો જયારે બે ડગલાં જ દૂર હતો ત્યારે  તમને લાગ્યું કે હવે તમારું મોત માત્ર બે ડગલાં જ પાછળ છે. પણ એવું કશું જ બન્યું નહી. એ ચહેરો તમારી નજીક આવીને રોકાઇ ગયો. એ માત્ર ચહેરો નહીં. એક જીવતી જાગતી યુવતી હતી શાલિની, હા શૈલ્ય. એ હતી  શાલિની તમારી શાલિની, તમારો પ્રેમ શાલિની.

તમે તો એને ઓળખી પણ ન શક્યા. અને તમારા મતે તો એ વિદેશમાં હતી તેનાં પતિ સાથે, પણ જયારે તમે શાલિનીને આ હાલતમાં જોઇ ત્યારે તમારાથી ન રહેવાયું અને તમે એને મજબુર કરી દીધી. એની વિતેલી  જિંદગીનાં પાનાં ઉથલાવવા.

તેના જણાવ્યા અનુસાર તમારા ગયા પછી મહિનાઓમાં જ એના લગ્ન તો થઇ ગયા. પણ એનો પતિ ખૂબ જ શક્કી મિજાજનો હતો. પરણ્યાની પહેલી રાત્રે જ એણે શાલિનીને અનેક સવાલો કર્યા અને બીજે જ દિવસેથી તેના પર ઘણાં પ્રતિબંધો લાદી દેવાયા. શાલિની ઘરની બહાર એકલી જઇ ન શકતી. શાલિનીને બહાર જવું હોય તો પણ લાજ કાઢીને જવું પડતું. શાલિની મૂંગે મોઢે બધું સહન કરતી ગઇ. એક વખત ફકત રોટલી બળી જવાને કારણે એના પતિનો ગુસ્સો આસમાને ગયો અને ગરમગરમ ચીપિયા વડે શાલિનીના હાથોમાં એ રાક્ષસે ડામ દઇ દીધા. શાલિની તેના પતિનું  આવું રૂપ જોઇ ડરી ગઇ. તે રાતોની રાતો રડતી રહી. તેનાં અંદર જાણે એક વિરોધની લાગણી  જન્મ લઇ રહી હતી. તેનાં પતિના આવા વર્તનથી તે ત્રાસી ગઇ હતી. તે તેના મનને મારીને જીવતી હતી.

શાલિનીને લાજ કાઢવાનું પણ ગમતું નહીં. તેના પતિની  ના હોવા છતાં તે એક દિવસ લાજ  કાઢ્યા વગર બજારમાં ગઇ અને એજ રાત્રે  તોફાન  મચી ગયું. તેના પતિને કોણ જાણે કોણે આ વાત કરી દીધી. અને તેના પતિએ તેને ખૂબ જ માર માર્યો. અને એટલું ઓછું હોય એમ એ દુષ્ટે શાલિનીના ચહેરા પર તેજાબ રેડી દીધો. શાલિની પોતાનું  આવું અપમાન સહાન ન કરી શકી અને બરાબર એજ વખતે શાલિનીના નજર કમાડમાં ભરાવેલી ગુપ્તી પર ગઇ. શાલિનીએ એ જ ગુપ્તી વડે એ દુષ્ટને મોતને ઘાટ ઉતારી દીધો. ખૂનનો કેસ કોર્ટમાં ગયો. કોર્ટે શાલિનીને નિર્દોષ જાહેર કરી, પણ આ બાજુ ગામમાં  શાલિનીને આવકાર ન મળ્યો. જે પુરૂષો તેના રૂપને જોઇને લાળ ટપકાવતા હતા. એ પુરૂષો હવે તેને કુલ્ટા કહીને સંબોધવા લાગ્યા. અને  પંચાયતના કહેવાતા પાંચ  ડાહ્યા માણસોએ આ કુલ્ટાને  ગામમાં  રહેવાનો  કોઇ જ અધિકાર નથી એવું  કહી તેને ગામ બહાર કરવાનો ફેસલો આપ્યો. આ હતી તમારી શાલિનીની કરમકથની.

જે સાંભળતાં તમે અચંબામાં ડૂબી ગયા. તમે આટલી ક્ષણોમાં તેના પર વીતેલા  અત્યાચારોની વાતો મહેસુસ કરી ચુકયા હતા.

આટલું કહેતાની સાથે જ શાલિનીએ આંખોમાંથી ટપકતા આંસુ સાથે દોટ મૂકી પાટા તરફ  અને તમે એને રોકો એ પહેલા તો પીલવઇના પાટા શાલિનીના લોહીનું ખાબોચિયું બની ગયા. તમારો પ્રથમ પ્રેમ આ રીતે કચડાઇ મર્યો. પીલવઇના પાટા નીચે. તમારા પ્રેમનો આવો અંત જોઇ તમે સ્તબ્ધ  થઇ ગયા.

અન્યાયી અને અત્યાચારી સમાજ પ્રત્યે તમને આક્રોશ પેદા થઇ ગયો. અને એ જ દિવસે કોઇને પણ કશું જણાવ્યા વગર તમે તમારી મોટર મારી મૂકી અમદાવાદ તરફ કે જયાંથી તમારે પ્લેનમાં મુંબઇ જવાનું હતું. જયાં તમારી પત્ની અને બાળકો પણ તમારી રાહ જોઇ રહ્યા હતા.

લેખકઃ સચિન શાહ

Share This Article