“મમ્મી, પાયલબેનનો ડબ્બો ભરી દીધો છે, સોનુના યુનિફોર્મ અને દફતર, નાસ્તો રેડી છે, આજે વરસાદ વધારે છે તો કદાચ ગીતા(કામવાળી)નહીં પણ આવે, તો વાસણ રહેવા દેજો, સાંજે આવીને કરીશ, અને…હા… સાંજે આવતાં શાક હું લેતી આવીશ, લારીવાળો હમણાં આવતો નથી.” એકીશ્વાસે બીના ઓફિસ જતાં જતાં સરલાબેનને કહી રહી હતી!
ત્યાં તો… પીપ..પીપ…હોર્ન વગાડતી પાયલ સ્ફૂટી લઈને આંગણામાં આવી…”માઁ… ભાભી…ડબ્બો આપી દ્યો…મારે મોડું થઈ જવાનું.”
“એ લાવી હો…” કરતી બીના ચપ્પલ કાઢી ફરી ઘરમાં જઈ રોટલી શાકનો ડબ્બો લઈ પોતાની નણંદ પાયલના હાથમાં મુક્યો.અને કિક મારી સ્ફૂટી હાંકી ઑફિસે જવા નીકળી.પાછળ પાયલ પણ નીકળી.
“પાયલ બેટા, ધીમે જજે હોં… અને સાંજે ઓફિસથી આવતા જરાક ઘરમાં આવજે…રોજ ભાગતી ભાગતી બહારથી જ જતી રહે છે!!!” આરામ ફરમાવતા સરલાબેન પોતાની દીકરીને બોલ્યા.
હમણાં ભાગ ભાગ કરીને તો બીના વહુ ગઈ હતી!! આ રોજનું હતું.
પાયલને છ મહિના પહેલાં ખૂબ સારા ઘરે પરણાવી, ઘરમાં જેઠ,જેઠાણી,સાસુ,નાનો ભત્રીજો તેમજ જમાઈ સૌરભ ખૂબ જ હળીમળીને રહેતાં હતાં. સૌરભ પણ મિકેનિકલ એન્જીનીયર અને મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચી પોસ્ટ પર હતો.
પાયલ પણ ભણેલી અને દેખાવડી તેમજ સ્કૂલમાં જોબ કરતી હતી. તેથી સૌરભને નજરમાં વસી ગઈ હતી, પરંતુ પાયલ ઘરની જવાબદારી સાંભળવાને બદલે શહેરમાં જ પિયર હોવાથી અને નોકરીએ જતાં રસ્તામાં જ આવતું હોવાથી દરરોજ પિયરમાં આંટો મારતી અને હજી પણ પિયર બાજુ જ વધારે ઝૂકી હતી.
“તારે કોનું કરવાનું, પાયલ તો હવે સાસરે ગઈ, સોનુ, જીગર અને હું ને તું, આમ ચાર જ જણ ને ! મારી પાયલને તો ભરગારાવાળું ઘર, સાસુ , જેઠ જેઠાણી ભાઈ ભત્રીજા બધાનું કરીને જવાનું, બિચારી કેમ કરતી હશે, ખાવાનો પણ સમય નહીં રહેતો હશે! ” સરલાબેન પાયલના લગ્ન થયાં તે દિવસથી લગભગ રોજ જ બીનાને મહેણું મારવાનું ભૂલતાં નહીં!
વાસ્તવમાં તો સરલાબેને જ પાયલને અતિ લાડ કરી બગાડી હતી.
સરલાબેને તો લગ્ન પહેલા જ પાયલને કહેવા જ માંડેલું, ” જો સૌરભ તો સવારે સાત વાગે કંપનીમાં નીકળી જાય અને કેન્ટીનમાં જ જમે છે, તારે રસોઈની ઝંઝટ નહીં કરવાની, અહીંથી રોજ ડબ્બો લઈ જજે, સાંજે પછી રસોઈ બનાવજે તારી જેઠાણી સાથે. ”
પાયલને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યું. પિયરમાં આઠ વાગે ઉઠનારી પાયલને ઘરના કામ કરી દસ વાગે શાળામાં કેમ પહોંચશે તેની ફિકર જ મટી ગઈ!
ભણેલો સૌરભ પાયલને ઘણી વાર ઘરે જમવાનું બનાવવા માટે સમજાવતો, વળી બીનાભાભી પણ જોબ કરે જ છે ને, છતાંયે જોને કેટલું…..અહીં ભાભી પણ જો કેટલા પ્રેમથી બધાને સાચવે છે, હવે તું આવી ગઈ તો ભાભી અને બાની જવાબદારી થોડી ઓછી થાય તેમ કર અને રસોડામાં મદદ કરી, નવું નવું ખાવાનું બનાવ..
..પણ પાયલ વાત કાપી નાંખતી. સૌરભની માતાને પણ આ બધું નહીં ગમતું, જેઠાણી પણ સમજુ હતી .પણ કોઈ બોલતું કે વાંધો ઉઠાવતું નહીં, પાયલને તો મઝા હતી!
: હવે વેકેશન નજીક હોવાથી પાયલે સૌરભને સમજાવી ફરવા જવાનો પ્લાન બનાવી દીધો હતો એટલે રજામાં ઘરમાં વૈતરું કરવા કરતાં ફરી તો અવાય!
“સૌરભ, ચાલને મમ્મીને ઘરે આંટો મારી આવીએ” જમીને પરવારી પાયલ બોલી.
” “સૌરભ, તું સાંભળે છે? ક્યારનો બીનાભાભી સાથે ફોન પર છે, કહી દે ભાભીને કે અમે આવીએ છીએ,અને થોડા નાસ્તા બનાવી દેજો એમ કહી દેજે,આપણને રસ્તામાં જોઈશેને!”
ત્યાં જ સાસુ મીરાબેનને ગભરાટ થયો અને બેભાન જેવા થઈ ગયાં . વરસો જુના ફેમિલી ડૉક્ટર ને બોલાવી લીધા અને નિદાન થયું કે બાપૂજીના ગયાં પછી મીરાબેન મૂંઝાયેલા રહે છે અને શરીર અશક્ત બન્યું છે , એમની કાળજી કરવી અને આરામ કરાવવો તેથી આવી જશે.
“સૌરભભાઈ, અમે બરોડા જવાનું માંડી વાળીયે, ભાઈના લગ્નને તો હજી વાર છેને, એટલામાં તો બાને સાજા કરી દઈશ.” પાયલના જેઠાણી બોલી ઉઠ્યાં.
“ના…ના…ભાભી, પાયલનેે સ્કૂલમાં બે જ દિવસ બાકી છે, પછી તો વેકેશન એટલે પછી વાંધો નહીં.” સૌરભ બોલ્યો.
“પણ આપણો ફરવા જવાનો પ્રોગ્રામ?” અકલાયેલ બીના બોલી ઉઠી!
“આપણી ટીકીટ કેન્સલ કરાવું છું”
“મોટાભાઈ, તમે આજે સાંજે ભાભી સાથે બરોડા જવાના છો તે નિશ્ચિંત થઈને જજો, ભાભીના ઘરનાં બધા વાટ જોતાં હશે!” સૌરભ પોતાના ભાઈ-ભાભીને કહેવા લાગ્યો.
: નાછૂટકે હવે પાયલને ઘરની જવાબદારી ઉઠાવવાનો સમય આવી ગયો.
સવારથી ચા પાણીથી માંડી રસોઈ, બાની ચાકરી, ઘરના કામ, બજારનાં કામ…..
“સૌરભ, આ બધું હું એકલી કેવી રીતે…”
“પાયલ, તું એકલી ક્યાં છે, હું છું ને તારી સાથે, બધું થઈ રહેશે.”પાયલને બાથમાં લાઇ સૌરભ બોલ્યો.
બીજા દિવસથી પાયલ મનેકમને કામમાં લાગી, અને ભાગતી ભાગતી શાળાએ ગઈ,સૌરભે બે દિવસ રજા લીધી, પાયલના ડગલે ને પગલે સાથે રહેતો, કામમાં મદદ કરતો, પ્રેમભરી વાતોથી પાયલને ખુશ રાખતો. હવે તો પાયલને વેકેશન પણ પડી ગયું.
“પાયલ બેટા, આવ મારી પાસે બેસ, જો બધું શાંતિથી કરજે, તું મારૂં કેટલું ધ્યાન રાખે છે, મને તો ભગવાને બબ્બે દીકરી આપી દીધી છે. તું તારું પણ ધ્યાન રાખજે બેટા, થોડી વાર આરામ કરી લે.” મીરાબેન ખૂબ પ્યારથી પાયલને સમજાવતા.
ધીમે ધીમે પાયલ કામમાં ઢળવા લાગી, સૌરભ અને સાસુ તો સારા જ હતા, પણ પોતે સાસરામાં આટલા સમયથી બિનજવાબદારી પૂર્વક રહી હતી તેનો પાયલને ખ્યાલ આવવા માંડ્યો! પિયરનું ખેંચાણ ઓછું કરી સાસરામાં જવાબદારી લેવા માંડી. પોતે કરેલ ભૂલને સુધારવાની કોશિશ કરવા માંડી.
હવે તો સરલાબેન પોતાની આદત મુજબ દીકરીના સંસારમાં દખલ કરવા ફોન કરતા તો..
“મમ્મી , હું કામમાં છું, બાને જમવાનું આપવાનું છે.”કહી ફોન મૂકી દેતી. આ જોઈ સૌરભ અને મીરાબેનના હરખનો પાર ન રહેતો.
“પાયલ, લગ્ન બાદ આ જ આપણું ઘર, એને સજાવવાનું, સાચવવાનું, સંબંધોની ગરિમા જાળવવાની, અને એમ થવાથી જ પારકાં ને પોતાના કરી શકાય, તારા બીનાભાભી ને જ જો, એમને બધાનું કરતાં થાક અને કંટાળો નહીં આવતો હોય? છતાંયે કેવા હસતા મુખે બધાને સાચવે છે.” પાયલની વાળની લટ સમારતાં સૌરભ સમજાવતો.
પાયલ ભણેલી હતી જ, કમી હતી તો માત્ર એ વાતની કે, હજી પાયલ સાસરામાં જવાબદારી ઉઠાવવા માંગતી ન હતી, મીરાબેન અને સૌરભે બીનાને આ વાત જણાવીને પાયલને સાચી દિશા બતાવવા માંગતા હતાં તે વાતથી પાયલ અજાણ હતી.
સાત દિવસ થયા, પાયલ હવે જાતે જ સવારમાં વહેલી ઉઠી જાય છે, બધા કામ આટોપીને બાની પાસે બેસવું એને બહુ ગમે છે.
“પાયલ, ચાલ કાલે સવારે આપણે બા સાથે ભાઈ ભાભી અને દિપુને લેવા બરોડા જવાના.” સૌરભ રાતે જમતા જમતાં બોલ્યો.
“ના, તમે એકલા જજો, હું અને બા અહીં રહીશું, એમ પણ બાની તબિયત માંડ સારી થઈ છે.” પાયલ બોલો ઉઠી.
“અરે, હું તો એકદમ સાજી છું, મને કંઈ નથી થયું, આપણે બધા બરોડા જવાના અને ત્યાંથી અઠવાડીયું ફરીને આવીશું, હવે તું ખરા અર્થમાં આ ઘરની વહુ અને મારી દીકરી બની છે, તું તારી કસોટીમાં પાસ થઈ છે.”મીરાબેન બોલ્યાં.
“તો શું આ બધું…ડોક્ટર પણ આવતા . અને…. બા…મને કાઈ સમજણ નથી પડતી…સૌરભ…શું બા સાચ્ચે જ….!
“હા.. બધું નાટક હતું, વળી ડોક્ટર સાહેબ તો વર્ષોથી આપણા ફેમિલી ડોક્ટર છે, એમને પણ બધું સમજાવી દીધું હતું, મારી પાયલને સાચે રસ્તે વાળવાનું કામ પૂર્ણ થયું. પતિનું ઘર એજ સાચું પોતાનું ઘર કહેવાય , પાયલ બેટા, એ વાત તું હવે સમજી ગઈ છે” મીરાબેન અને સૌરભ હસી પડ્યાં અને તેજ ટાઇમે બીનાભાભી આવ્યાં અને હસતાં હસતાં વહાલી નણંદ ને ભેટી પડ્યા!
Guest Author
કલ્પના નાયક