અમદાવાદઃ ક્રિકેટમાં પોલિટિક્સને સુંદર રીતે દર્શાવતી શોર્ટ ફિલ્મ ‘ક્રિકોલિટિક્સ’ને વસ્ત્રાપુર ખાતે અંધજન મંડળમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં રિલિઝ કરવામાં આવી હતી. રાજસ્થાનના એક નાના ગામના યુવાનની ક્રિકેટમાં રૂચિ, ક્રિકેટમાં કારકિર્દી બનાવવાના જુસ્સા અને સિલેક્શન પ્રક્રિયામાં રાજકારણની સમસ્યાને સચોટ રીતે દર્શાવતી આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં હર્ષ શેઠ જોવા મળશે. શ્રીજી ફિલ્મ્સ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના એડિટર, રાઇટર અને ડિરેક્ટર પણ હર્ષ શેઠ પોતે જ છે.
આયોજિત કાર્યક્રમમાં અંધજન મંડળના ડિરેક્ટરે દિપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો, જે બાદ મંડળના ૮થી૧૦ સદસ્યોએ સુંદર મ્યુઝિક પર્ફોર્મન્સ આપ્યું હતું, જે બાદ ફિલ્મના સભ્યોએ પણ વિવિધ મનોરંજક પર્ફોર્મન્સની રજૂઆત કરી હતી.
આ પ્રસંગે હર્ષ શેઠે જણાવ્યું હતું કે, “ક્રિકેટ હંમેશાથી મારા માટે રસનો વિષય રહ્યો છે અને ક્રિકેટ રમવાથી લઇને સિલેક્શન પ્રોસેસ સુધીના મારા તમામ અનુભવોને દર્શકો સમક્ષ સચોટ રીતે રજૂ કરવાનો મેં આ ફિલ્મ દ્વારા પ્રયાસ કર્યો છે. સરકાર અને ક્રિકેટ એસોસિયેશન ઉભરતી પ્રતિભાઓને ક્રિકેટ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે તમામ સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડે છે, પરંતુ જૂજ લોકોને કારણે ક્રિકેટમાં રાજકારણ ભળ્યું છે, જેના કારણે ઘણીવાર પ્રતિભાશાળી ખેલાડીની કારકિર્દી રૂંધાઇ જતી હોય છે.”
તેમણે જણાવ્યું હતું કે, “આ ફિલ્મ બનાવવામાં ૭૦થી ૮૦ લોકોએ મૂલ્યવાન યોગદાન આપ્યું છે. લગભગ ૩૩ મીનીટની આ શોર્ટ ફિલ્મનું શુટિંગ મહેમદાવાદ અને ઝાંઝરી ખાતે કરવામાં આવ્યું છે.”
કાર્યક્રમના અંતે ફિલ્મને યુટ્યુબ ઉપર લોન્ચ કરવામાં આવી હતી અને આગામી સમયમાં વધુ પ્લેટફોર્મ્સ ઉપર ફિલ્મને લઇ જવાની યોજના છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મના ગીતો સાવન, આઇટ્યુન અને ગુગલ પ્લે સહિતના પ્લેટફોર્મ ઉપર પહેલેથી જ રિલિઝ કરવામાં આવ્યાં છે.
શોર્ટ ફિલ્મ ક્રિકેટોલિક્સના મીડિયા પાર્ટનર તરીકે આપનું પોતાનું ગુજરાતી ન્યુઝ વેબ પોર્ટલ ખબરપત્રી ડોટ કોમ અને બ્રાંડિગ પાર્ટનર તરીકે બ્રાંડપાપા જોડાયેલા છે.
તો આપ સૌ આ શોર્ટ ફિલ્મને નિહાળો અને આપનો સહકાર શ્રીજી ફિલ્મસ પ્રોડક્શનને વધુને વધુ શોર્ટ ફિલ્મના નિર્માણ માટે પ્રોત્સાહિત કરશે.