જય મલ્હાર મિત્રો,
આમ તો મારા દરેક આર્ટિકલની શરૂઆત હર મહાદેવથી જ થાય છે પણ આ વખતે એક નવું નામ. હા, મારા મહાદેવનું એક એવું સ્વરૂપ જેમાં મહાદેવ પોતાના શત્રુનો વધ કરીને પણ તેને મોક્ષ આપે છે.
વાત છે મહાદેવના માર્તંડ ભૈરવ સ્વરૂપની જેને હાલમાં દુનિયા, મલ્હારદેવના નામે પૂજે છે. મહાદેવનું આ સ્વરૂપ ખાસ કરીને મહારાષ્ટ્રીયન લોકોમાં વધારે જાણીતું છે. મહાદેવના આ સ્વરૂપનું સ્થાનક મહારાષ્ટ્રના પૂણેથી 40 કિમી દૂર જેજુરીના કિલ્લા પર સ્થિત છે. અહી મહાદેવ પોતાની બંને પત્નીઓ મહાલશા (પાર્વતી) અને બાણાઈ (ગંગાનો અવતાર) સાથે નિવાસ કરે છે.
મહાદેવ આશુતોષ એટલે કે પોતાના ભક્તો પર જલદી પ્રસન્ન થનારા તો ગણાયા જ છે પણ એવા પણ આસુરી તત્વો જે તેમના વિરુદ્ધમાં હતા, તેમનું પણ તેઓ કલ્યાણ કરી ચૂક્યા છે અને એટલે જ તેઓ મહાદેવ કહેવાયા છે. એક વાર મણિ અને મલ્લા નામના બે અસુરોએ બ્રહ્માજી પાસે તપ કરીને વરદાન માંગ્યુ કે તેઓ પોતાની તંત્ર વિદ્યા દ્વારા ગમે તે દેવી કે દેવતાને પોતાના વશમાં કરી શકશે. બ્રહ્માજીના વરદાન પછી હંમેશાની જેમ પોતાની આસુરી વૃત્તિનો ઉપયોગ અને તંત્રશક્તિનો દુરુપયોગ જગતને હાનિ પહોંચાડવા કરવાનું નક્કી કર્યું. બંને અઘોરી હોવાને લીધે તેઓએ મહાકાળીની આરાધના કરવાનું નક્કી કર્યું. મણિ અને મલ્લા પૈકી મણિ એ માતાજીનો સાચો આરાધક હતો પણ મલ્લાની બુદ્ધિએ ચાલનારો હતો. તેઓએ પોતાની સાધનાથી મહાકાળીને પોતાના વશમાં કરીને એક યંત્રમાં કેદ કરી લીધા જેના લીધે સમગ્ર સૃષ્ટિમાં સંતુલન ડગમગવા લાગ્યું હતું.
સંસારને આ વિપત્તિથી બચાવવા મહાદેવ અઘોરનું રૂપ લઈને આવ્યા અને મહાકાળીને એ યંત્રમાંથી આઝાદ કરીને બહાર કાઢ્યા અને મણિ-મલ્લા સાથે યુદ્ધ કરીને તેમનો વધ કરવા તૈયાર થયા. જો કે મણિની ભક્તિ જોઈને મહાકાળી તેમને વરદાન આપે છે કે તેઓ જ્યારે પણ ભયની સ્થિતિમાં પોકારશે, માતા તેમના મદદ કરવા દોડી આવશે. આ અભયવચનને લીધે મણિ-મલ્લા મહાદેવના ક્રોધથી બચી જાય છે. બીજી તરફ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવાના હેતુથી દેવી કાળી એક કુંભારના ઘેર દીકરી તરીકે જન્મ લે છે. સમય પસાર થતાની સાથે મહાદેવ માર્તંડ ભૈરવનું સ્વરૂપ લઈને આવે છે અને મહાલશાને તેના સાચા સ્વરૂપની અનુભૂતિ કરાવે છે તથા લગ્ન કરે છે. બીજી તરફ મણિ મલ્લાની આસુરી પ્રવૃત્તિ વધતી જાય છે અને ફરી વાર તેઓ તંત્રશક્તિના દુરૂપયોગથી સંસારને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે મહાદેવ તેમની સાથે યુદ્ધ કરે છે. એ યુદ્ધમાં હાર નજીક જણાતા તેઓ બંને મહાકાળી પાસે મદદ માંગે છે. જો કે તે બંનેએ પોતાના વરદાનનો ગલત ઉપયોગ કર્યો છે એ વાતની જાણ થતા મહાકાળી તેમને અભયવચન આપવાની ના કહે છે. આ સમયે મણિ માતાજી પાસે મોક્ષની માંગ કરે છે.
મહાદેવ તેનો વધ કરીને મહાકાળીના વચનની લાજ રાખવા શ્વાન બનાવીને જીવતદાન આપે છે. ભૈરવના કોઈ પણ સ્વરૂપમાં જે શ્વાન દેખાય છે તે મણિનું જ પ્રતીક હોવાની માન્યતા છે. બીજી તરફ ક્રૂર મલ્લા મહાકાળીને પોતાના વરદાનને સાબિત કરવા રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને મહાદેવને મારી નાખવા કહે છે. ત્યારે મહાકાળી પોતાના ધૂમાવતી સ્વરૂપમાં પ્રગટ થાય છે અને મહાદેવને ગળી જાય છે. વરદાન પૂરો થવાનો સંતોષ સ્વીકાર કરતાની સાથે જ મહાકાલી મહાદેવને પોતાના શરીરમાંથી બહાર કાઢે છે અને મલ્હાર-મહાલશાનું રૂપ ધારણ કરીને યુદ્ધ કરે છે જેમાં મહાદેવના ખડગથી મલ્લાનું માથું કપાઈને જેજુરીના કિલ્લા પર આવી પડે છે. પોતાની શક્તિના આધારે કપાયેલા મસ્તકે મલ્લા મહાદેવને મોક્ષ આપવા વિનંતી કરે છે ત્યારે મહાદેવ તેની સાથે જ જેજુરીના કિલ્લામાં રહેવાનું વરદાન આપે છે. આજે પણ ખંડોબાના મંદિરના પ્રાંગણમાં મલ્લાનું મસ્તક શિલા સ્વરૂપે પૂજાય છે.
કૈલાસ પરત ફરીને પાર્વતી મહાદેવને પૂછે છે કે મણિ-મલ્લા તો મહાકાળીના ભક્ત હતા તો મહાદેવનું તેમને મોક્ષનું વરદાન આપવાનું કારણ શુ હતું. ત્યારે મહાદેવ કહે છે કે મણિ-મલ્લા તાંત્રિક હતા અને સ્મશાનમાં રહીને શક્તિના જાપ કરતા હતા અર્થાત તેઓ મહાદેવના જ નિવાસસ્થાનમાં, તેમની જ નિશ્રામાં, તેમના દ્વારા જ રચિત અઘોરતંત્રના મંત્રજાપ દ્વારા આરાધના કરતા હતા જે અપ્રત્યક્ષ સ્વરૂપે તેમની જ આરાધના હતી. આથી તેમણે મણિ-મલ્લાને મોક્ષ આપ્યો હતો.
- આદિત શાહ