યુ.કે.ની વિશ્વ વિખ્યાત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કાર્યરત ઑક્સફોર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝના ડાયરેક્ટર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સનાતન હિન્દુ ધર્મના પ્રખર વિચારક શ્રી શૌનક ઋષિ દાસ 5 જાન્યુઆરી 2026ના રોજ વિશ્વ ઉમિયાધામની મુલાકાતે પધાર્યા હતા. મુળ બ્રિટિશ પરંતુ હિંદુ નામ ધારણ કરનાર શૌનક ઋષિ દાસે વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણાધીન મંદિરની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી. સાથે શ્રી શૌનક ઋષિએ વિશ્વઉમિયાધામ મંદિરની શિલાનું પૂજન કરી મા ઉમિયાના આશીર્વાદ મેળવ્યા હતા. મહત્વનું છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવમ્ પ્રમુખ શ્રી આર.પી.પટેલના અધ્યક્ષ સ્થાને ગ્લોબલ સારસ્વત પરિષદનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના શ્રી શૌનક ઋષિ દાસ સહિત ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ સહિત ઉચ્ચ કક્ષાના શિક્ષણવિદો, લેખકો અને સારસ્તવો ઉપસ્થિત રહ્યા હતા. આ સારસ્વત પરિષદમાં સનાતન ધર્મના વૈજ્ઞાનિક રિસર્ચ અંગે ચર્ચા થઈ હતી. સાથે જ આ બેઠકમાં આમંત્રિત વિદ્વાનો તથા વિચારકો સાથે શ્રી શૌનક ઋષિ દાસે હિન્દુત્ત્વની વૈશ્વિક ભૂમિકા, સનાતન ધર્મનું દાર્શનિક ઊંડાણ, ભારતીય સંસ્કૃતિના શાશ્વત મૂલ્યો અને આજના સમયમાં વિશ્વને સનાતન ધર્મની આવશ્યકતા જેવા વિષયો પર અત્યંત ગહન અને પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો.


વૈશ્વિક યુદ્ધના માહોલમાં હિન્દુ વિચારધારા જ શાંતિ સ્થાપશેઃ શ્રી શૌનક ઋષિ દાસ
શ્રી શૌનક ઋષિ દાસે પ્રેરક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, “સનાતન ધર્મ માત્ર ઉપાસનાની પદ્ધતિ નથી, પરંતુ માનવજીવનને સંતુલિત, મૂલ્યનિષ્ઠ અને સર્વાંગી બનાવતી એક જીવનશૈલી છે. આજના વૈશ્વિક અશાંતિ અને યુદ્ધના માહોલમાં હિન્દુ વિચારધારા સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક બની શકે એમ છે. ભારતવર્ષ એ સંપૂર્ણ વિશ્વ માટે શાશ્વત આધ્યાત્મિક મૂલ્યોનું પ્રેરણાતીર્થ છે. ભારતીય ચિંતન – દર્શન સનાતન ધર્મની દિવ્ય ચેતના દ્વારા ભારતવર્ષ પુ:ન તેમની વૈશ્વિક ભૂમિકા ભજવવા સમર્થ બનશે અને વસુધૈવ કુટુમ્બકમૂનો આદર્શ સિદ્ધ કરશે તેવી મને શ્રધ્ધા છે. વિશ્વ ઉમિયાધામ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને આ દિવ્ય મિશન સાકાર કરી શકશે.
જે કામ હિંદુઓએ કરવાનું છે તે કામ અંગ્રેજ કરી રહ્યા છે : શ્રી આર. પી. પટેલ
આ પ્રસંગે સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખ શ્રી આર. પી. પટેલે પોતાના અધ્યક્ષીય ભાષણમાં જણાવ્યું કે, જે કામ હિન્દુઓએ કરવું જોઈએ તે એક અંગ્રેજ કરી રહ્યાં છે. તેમણે હિન્દુત્ત્વ માટેની ઉદાસીનતા પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે શ્રી શૌનક ઋષિ દાસના પ્રયત્નોને ખૂબ બિરદાવ્યા હતાં. તેમણે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના આધારિત પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી હતી. તેમણે સમાજમાં સંસ્કાર, સંસ્કૃતિ રાષ્ટ્રભાવના અને આધ્યાત્મિક જાગૃતિ લાવવાના સંસ્થાના પ્રયાસોને સમયોચિત અને અનિવાર્ય ગણાવ્યા હતાં. તેમણે કહ્યું કે, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રો ભારતની આત્માને વિશ્વમંચ પર સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
