આતુરતાનો અંત! ગુજરાતી ફિલ્મ ‘શરતો લાગુ’ ૧૯  ઓક્ટોબરે રિલિઝ થશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 

લોકપ્રિય ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી દિક્ષા જોષીને ચમકાવતી રોમેન્ટિક ફિલ્મ શરતો લાગુ ૧૯ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ગુજરાત અને મુંબઇના સિનેમાઘરોમાં રિલિઝ થવા માટે સજ્જ છે. ડિરેક્ટર નિરજ જોષીની આ ફિલ્મમાં પ્રશાંત બારોટ, હેમંત ઝા સહિતના અન્ય કલાકારો પણ જોવા મળશે.

ફિલ્મના મ્યુઝિક લોન્ચ પ્રસંગે ડિરેક્ટર નિરજ જોષીએ જણાવ્યું હતું કે, “ફિલ્મની મહત્વપૂર્ણ બાબત તેની સિમ્પલ, રોમેન્ટિક અને કોમેડી સ્ટોરી છે. સમગ્ર પરિવાર અને મિત્રો સાથે જોઇ શકાય તેવી આ ફિલ્મમાં ઘણી નાની-નાની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે અને અમને અપેક્ષા છે કે યુએસ, યુકે અને કેનેડાના દર્શકોની માફક હવે ગુજરાત અને મુંબઇના દર્શકો પણ ફિલ્મને આવકારશે. યુનિટના તમામ સભ્યો સાથે મળીને તહેવારોની સિઝનમાં દર્શકો સમક્ષ એક સુંદર ફિલ્મ રજૂ કરવાનો અમે પ્રયાસ કર્યો છે.”

ફિલ્મના ઇનોવેટિવ પોસ્ટર્સથી પહેલેથી જ દર્શકોની ઉત્સુકતામાં વધારો થયો છે અને હવે તેઓ ફિલ્મ રિલિઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ફિલ્મની વાર્તા મુખ્યત્વે બે પાત્રો સત્યા અને સાવીની આસપાસ વણાયેલી છે, જે સિચ્યુએશનલ કોમેડી અને રોમાન્સથી ભરપૂર છે

ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (આઇજીએફએફ)માં ન્યુ જર્સી ખાતે ફિલ્મ શરતો લાગુનું પ્રીમિયર યોજાયું હતું તથા યુએસ, યુકે, કેનેડામાં દર્શકો તરફથી ફિલ્મને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે અને હવે ફિલ્મ ઓસ્ટ્રેલિયામાં પણ રિલિઝ થવા માટે સજ્જ છે. ફિલ્મના મોટાભાગના સીનનું શુટિંગ અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના વિવિધ લોકેશન ઉપર કરવામાં આવ્યું છે. પ્રથમવાર મલ્હાર અને દિક્ષાની જોડી ફિલ્મમાં જોવા મળી રહી છે ત્યારે તેમના ચાહકોમાં પણ ફિલ્મ બાબતે અનેરો ઉત્સાહ જોવાઇ રહ્યો છે.

Share This Article