અમદાવાદ : અમદાવાદ શહેરના એસજી હાઈવે પર પકવાન ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર કારચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે અને ગંભીર બેદરકારીપૂર્વક હંકારી ફૂટપાથ પર સુતેલા વૃધ્ધ મજૂર પર કાર ચડાવી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, એસજી ૨ ટ્રાફિક પોલીસે ગાડી નંબરના આધારે કારચાલકની શોધખોળ હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના એસજી હાઇવે પર એસજી ૨ ટ્રાફિકની પકવાન બીટ ચોકી પાછળ સર્વિસ રોડ પર મૂળ રાજસ્થાનનો ૬૫ વર્ષીય સુખલાલ દુબેલાલ પાવરી સૂતો હતો.
ત્યારે જીજે ૦૧ કેપી-૧૭૯૩ નંબરની કારના ચાલકે પોતાનું વાહન પૂરપાટઝડપે અને ગંભીર બેદરકારીપૂર્વક હંકારી કાર ફુટપાથ પર ચડાવી દીધી હતી અને સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં ફુટપાથ પર સૂઇ રહેલા વૃધ્ધ મજૂર સુખલાલને કચડી નાંખ્યો હતો. ગંભીર ઇજાઓ થવાના કારણે આ વૃદ્ધ મજૂરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સુખલાલ તેના પરિવાર સાથે ફુટપાથ પર ત્યાં રહેતા હતા.
એકાદ મહિનાથી છુટક મજૂરી અને રમકડાં વેચવાનું કામ કરીને ગુજરાન ચલાવતા હતા. મૃતકને ૧૦ વર્ષથી લકવાની બીમારી હતી. તે વહીલચેર સાથે અહીં રહેતા હતા. પુત્ર જમવાનું લેવા ગયો હતો અને પુત્રએ પરત આવીને જોયું તો ટોળું હતું. છાતીના ભાગે પૈડું ફરી જતા તેમનું કરૂણ મોત નીપજયુ હતું. બીજીબાજુ, ફરાર થઇ ગયેલા કારચાલકને શોધવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.