મુંબઇઃ શેરબજારમાં આજે સવારે મંદીનુ મોજુ રહ્યુ હતુ. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૮૭ પોઇન્ટ ઘટીને ૩૬૬૫૪ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૮ પોઇન્ટ ઘટીને ૧૧૦૯૫ની નીચી સપાટી પર રહ્યો હતો. દિવસ દરમિયાન શેરબજારમાં આજે મંદી રહી શકે છે. બજારમાં અફડાતફડીના કારણે કારોબારી જંગી નાણાં ગુમાવી ચુક્યા છે. જેથી ફાયનાન્સિયલ માર્કેટ પર હવે સેબી અને રીઝર્વ બેંકની પણ ચાંપતી નજર છે.
દલાલ સ્ટ્રીટમાં ઉથલપાથલ વચ્ચે કારોબારી જોખમ લેવા માટે તૈયાર દેખાઈ રહ્યા નથી. એકબાજુ સપ્ટેમ્બર સિરિઝ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની અવધિ ગુરૂવારે પૂર્ણ થશે. શુક્રવારના દિવસે મોટો કડાકો બોલાતા ફાઈનાન્સિયલ શેરોમાં અફડાતફડી રહી હતી. રોકાણકારો હવે વધુ સુરક્ષિત વિકલ્પોની દિશામાં ધ્યાન આપી રહ્યા છે. જેમાં બોન્ડ યિલ્ડનો સમાવેશ થાય છે.
યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પર નજર કેન્દ્રિત થઈ છે. ફેડરલ રિઝર્વ દ્વારા બુધવારના દિવસે વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય કરાશે. ફેડ દ્વારા ટાર્ગેટને હાંસલ કરવાની દિશામાં પહેલ કરવામાં આવી શકે છે. બજાર સાથે જાડાયેલા નિષ્ણાતો માની રહ્યા છે કે ૨૫-૨૬મી સપ્ટેમ્બરની પોલિસી મિટીંગમાં યુએસ ફેડરલ દ્વારા રેટમાં વધારો કરવામાં આવી શકે છે.અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરને લઈને પણ ઉથલપાથલનો દોર છે. ઘરઆંગણે જે ઘટનાક્રમ ઉપર નજર રહેનાર છે તેમાં ગ્લોબલ માઇક્રો ડેટાની સાથે સાથે ફિઝકલ ડિફિસિટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર આઉટપુટ ડેટા ઉપર નજર રહેશે. જે આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે.
ડોલર સામે રૂપિયાની ચાલ, વૈશ્વિક ક્રુડ ઓઈલની કિંમતો જેવા પરીબળો પણ રહેશે. ઉપરાંત સેબી દ્વારા ભારત સ્થિત વિદેશીઓ દ્વારા વિદેશી રોકાણ ઉપર સુધારવામાં આવેલા નિયમોના પગલાંની અસર પણ શેરબજારમાં રહેશે.સતત ત્રીજા સપ્તાહમાં શેરબજારમાં ઘટાડો રહ્યો હતો. સેન્સેક્સ ૧૨૪૯ પોઈન્ટ અથવા તો ૩.૨૮ ટકા ઘટી ગયો હતો. જ્યારે નિફ્ટી ૩૭૨ પોઈન્ટ અથવા ૩.૨૩ ટકા સુધી ઘટી ગયો હતો.
શુક્રવારના દિવસે દલાલ સ્ટ્રીટમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ હતી. તે દિવસે મૂડીરોકાણકારોની સંપત્તિમાં ૨૦૨૪૩૩ કરોડનો કડાકો બોલી ગયો હતો. સપ્તાહના અંતમાં શેર મૂડીરોકાણકારોએ ૫૬૬૧૮૭ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. છેલ્લા સપ્તાહમાં મૂડીરોકાણકારોએ ૫૬૬૧૮૭ કરોડ રૂપિયાની જંગી રકમ ગુમાવી દીધા બાદ નવા સપ્તાહમાં વધુ ઉથલપાથલના સંકેતો દેખાઈ રહ્યા છે.