અમદાવાદ: ગોંડલના દેરડી કુંભાજી ગામે નજીવી રકમની ઉઘરાણી કરવા પહોંચેલા યુવાનને જીવતો સળગાવ્યાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. દેરડી કુંભાજીમાં રહેતો ભનાભાઈ નામનો આ યુવાન રૂ. ૨૦ હજારની ઉધરાણી કરવા ગયો હતો. આ દરમિયાન સામાન્ય બોલાચાલી થતા માતા-પુત્ર સહિત ૪ શખ્સોએ યુવાન પર કેરોસીન છાંટીને જીવતો સળગાવાનો પ્રયાસ કર્યો હતો.
જેને પગલે દાઝી ગયેલા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. યુવાન હાલ સારવાર હેઠળ છે, જયાં તેની હાલત નાજુક જણાવાઇ રહી છે. ચકચારભર્યા આ બનાવની વિગત એવી છે કે, ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામમાં રહેતો ભનાભાઈ નામનો યુવક પાઠખિલ્લોરી ગામે રૂ. ૨૦૦૦૦ની ઉઘરાણી કરવા ગયો હતો. જ્યાં બોલાચાલી થતા માતા હંસાબેન પુત્ર કાનો અને તેના બે મિત્રોએ કેરોસીન છાંટીને કાંડી ચાંપી દેતા ભનાભાઈ પેટ, છાતી અને માથાના ભાગે દાઝી ગયો હતો.
ઘટનાને પગલે તેને સારવાર માટે હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેની હાલત ગંભીર જણાવાઇ રહી છે. તબીબો દ્વારા તેની સઘન સારવાર ચાલી રહી છે. બીજીબાજુ, સ્થાનિક પોલીસે માતા-પુત્ર સહિત ચારેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ભોગ બનનારના પત્ની જયાબેને આરોપીઓ સખત સજા કરાવવા અને અને પોતાના રૂપિયા પાછા મળે તેવી માંગ કરી છે. જો કે, આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.