ન્યુ જર્સી ના સ્ટોકલેન્ડમાં એક ભવ્ય “ગ્રીન” નામની હોટેલ. આખી કાચના બનાવટથી બનેલી. ત્યાં ભૂરા લોકો વેઈટર તરીકે તેના યુનિફોર્મ માં કામ કરતા. તદ્દન ભવ્ય અને ચોખ્ખી આ હોટેલ અને સ્ટ્રીટ લાઈટથી ગોઠવેલ તેનો રોડ. રોડની લગોલગ જ આ હોટેલ ત્યાં રોજ ઘણા શ્રીમંત લોકો જમવા માટે આવતા.
હોટેલની બહાર જ અડીને એક ગરીબ ચપ્પલ સાંધવાવાળા અને ચપ્પલ ચમકાવવાવાળા ભાઈ બેસતા હતા . શ્રીમંતો ત્યાં મોંઘી મોંઘી કાર લઈને તે હોટેલ જમવા માટે આવે ત્યારે તે હોટેલની બહાર બેઠેલા તે ગરીબ ભાઈ પાસે તેના બુટ ચપ્પલ પાલિશ કરાવતા અને સિલાઈ મરાવતા અને તેને હડધૂત કરતા.
હોટેલના માલિક મી.ચાર્મ ને સહેજ પણ ગમતું નહી. તે હંમેશા તે ગરીબ ભાઈનું અપમાન કરતા અને કહેતા..’ તને ભાન નથી પડતી તું અહીં બેસી રહે છે અને તું તારી દશા તો જો ચીંથરેહાલ છો. મારા ગ્રાહક તને જોઈને અહીં ઓછા આવે છે.” હોટેલના માલિકની વાતો તે ગરીબ માણસ સહેજ પણ ગણકારતો નહિ અને તેનું કામ કરવા લાગતો. આમ રોજ તે માણસ વહેલી સવારે આવી કડકડતી ઠંડીમાં તેની જગ્યાએ આવીને બેસી જતો અને દરેક હોટેલમાં આવતા ગ્રાહકોને નિષ્ઠાપૂર્વક કામ કરી આપતો ને થોડા ડોલર લઇ ખુશ થઈ જતો.
ન્યુ જર્સીને ચારેકોરથી બરફે ઢાંકી લીધો હતો. વાતાવરણ ભયંકર હતું. થીજી જઈએ એટલી બધી ઠંડી પડી રહી હતી. હોટેલના માલિક મી.ચાર્મ ચિંતામાં પડી ગયા. તે વિચારમાં પડ્યા કે ,”આટલી બધી ઠંડીમાં મારી હોટેલમાં કોણ આવશે?” તે ચિંતામાં જ હતા. ત્યાંજ એકાએક ઘણા બધા ગ્રાહકો ત્યાં હોટેલમાં આવ્યા. મી.ચાર્મ તો ખુશ ખુશાલ થઈ ગયા. તે વિચારમાં પડી ગયા. ત્યાંજ એક શ્રીમંત મહિલા બોલી” આટલી બધી ઠંડીમાં તમે ગરમા ગરમ જમવાનું ને ઠંડીથી બચવા શૂઝ નવા સીવી દ્યો છો, ગજબ વાત છે હો.”એમ કહેતા તે સ્ત્રીએ તેના પગ આગળ કર્યા તો તેના ચપ્પલની અંદર કપડાથી સીવીને ઠંડી ના લાગે એ રીતે મોજા જેવું બનેલું હતું. અને ગ્રાહક એક પછી એક આવવા લાગ્યા હતા.
મી. ચાર્મ ને બહુજ નવાઈ લાગી તે ફટાફટ હોટેલની બહાર નીકળ્યા તો ત્યાં તે ચપ્પલ સીવવાવાળો ગરીબ ભાઈ બહુ જ પ્રેમથી દરેક વ્યક્તિને કાપડની સિલાઈ કરી દેતો હતો અને હસતા હસતા કહેતો હતો. કે ગરમા ગરમ જમણ સાથે સિલાઈ ફ્રી. મી.ચાર્મની આંખમાં આસું આવી ગયા. તેને તે ચપ્પલવાળા ભાઈને છાતી એ લગાડી દીધો અને તેને હોટેલમાં અંદર બોલાવી તેના હાથે ગરમા ગરમ ભોજન પીરસ્યું..
વૈશાલી.એલ.પરમાર