અમદાવાદ: જીટીયુ દ્વારા યોજવામાં આવેલા નોકરી ભરતી મેળામાં ૫૩૦થી વધુ વિદ્યાર્થીઓને પ્રાથમિક તબક્કામાં ૩૦ કંપનીઓ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને દોઢ લાખથી સાડા ચાર લાખ સુધીના પગાર પેકેજની ઓફર કરવામાં આવી હતી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (જીટીયુ) અને કેડ સેન્ટર ટ્રેઈનીંગ સર્વિસીસ દ્વારા સંયુક્તરીતે સર્વ પ્રથમ સેન્ટ્રલાઈઝડ એન્જીનિયરીંગ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.
મિકેનિકલ, સિવિલ, ઇલેકટ્રીકલ, ઓટોમોબાઇલ અને પ્રોડકશન બ્રાન્ચો માટે ચાંદખેડા કેમ્પસ ખાતે આ સેન્ટ્રલાઈઝડ એન્જીનિયરીંગ જોબ ફેરનું તારીખ ૧૯-૦૮-૨૦૧૮ના રોજ આયોજન કરવામાં આવેલ હતું. વિવિધ બ્રાન્ચોની મળીને કુલ ૪૦૦ જેટલી નોકરીઓ માટે પ્રાથમિક રીતે શોર્ટ લીસ્ટ કરેલા ૧૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને જોબ ફેર માટે બોલાવામાં આવ્યા હતા.
જીટીયુ દ્વારા આ પ્રકારના સેન્ટ્રલાઈઝડ એન્જીનિયરીંગ જોબ ફેરનું પ્રથમ વખત આયોજન કરવામાં આવેલું હતું જેમાં અતિથી વિશેષ તરીકે ગર્વમેન્ટ ઓફ ગુજરાતના ટેકનીકલ એજ્યુકેશના ડાયરેક્ટર કેકે નિરાલા, જાણીતા ઉદ્યોગ સાહસિક અને જીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેશ પટવારી, કેડ ટ્રેઈનીંગ સેન્ટરના મેનેજીંગ ડાયરેક્ટર એસકે સેલવન, જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડા) નવીન શેઠ, વિશ્વકર્મા ગર્વમેન્ટ એન્જીનિયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડા. રાજુલ ગજ્જર, એલડી કોલેજ ઓફ એન્જીનિયરીંગના પ્રિન્સીપાલ અને એન્જીનીરીંગ ફેકલ્ટીના ડીન ડા જીપી વડોદરિયા અને જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર ડા શૈલેશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
જીટીયુ દ્વારા ભવિષ્યમાં એન્જીનિયરીંગની બધી બ્રાન્ચો માટે અલગ અલગ ઝોનમાં પણ આ પ્રકારના સેન્ટ્રલાઈઝડ એન્જીનિયરીંગ જોબ ફેરનું આયોજન કરવામાં આવે તેવા ઉદ્દેશથી જીટીયુ અને કેડ સેન્ટર ટ્રેઈનીંગ સર્વિસીસ વચ્ચે એમઓયુ કરવામાં આવેલ. આ જોબ ફેર માં ૩૦થી વધુ કંપનીઓ હાજર રહી હતી. જેમાં દરેક વિદ્યાર્થીને વધુમાં વધુ ત્રણ કંપનીઓમાં ઈન્ટરવ્યુ આપવાની તક મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓનાં મળીને અંદાજીત ૨૧૫૦ જેટલા ઈન્ટરવ્યૂ કરવામાં આવેલા હતા.