અમદાવાદઃ આજે જસદણ પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જસદણની બેઠક પર હવે કમળ ખીલી ગયું છે. આ ચૂંટણીમાં સીધો જંગ ભાજપ અને કોંગ્રેસનો હતો, પરંતુ સાત અપક્ષો પણ મેદાનમાં ઉતર્યા હતા અને તેઓ મતો તોડશે તેવી વાત આખરે પોકળ સાબિત થઇ હતી.
બાવળિયાનું બુલડોઝર ફરી વળતાં અપક્ષોનો તો જાણે કચ્ચરઘાણ વળી ગયો હતો. સાતમાંથી છ અપક્ષ ઉમેદવારોની તો ડિપોઝીટ જપ્ત થઇ ગઇ હતી અને એક અપક્ષ ઉમેદવારને માંડ ૧૯૮ મતો મળ્યા હતા. જસદણના જંગમાં ભાજપના બાવળિયા અને કોંગ્રેસના નાકિયા પણ અન્ય ૬ અપક્ષ ઉમેદવારોએ કિસ્મત અજમાવી હતી. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારને એક તરફ ૫૦ હજારથી વધુ મળ મળ્યા હતા, તો બીજી તરફ અપક્ષના એક ઉમેદવારને તો માત્ર ૧૯૮ મત જ મળ્યા હતા.
રાજકોટ જિલ્લાની ૭૨-જસદણ વિધાનસભા બેઠક પર કુલ ૮ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને ૯૦૨૬૨ મત મળતાં ૧૯૯૭૬ મતોથી વિજય થયા, તો કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને ૭૦૨૮૩ મત મળ્યા હતા. આ બંને સિવાયના તમામ ૬ ઉમેદવારોને ધારાધોરણ પ્રમાણે મત ન મળતાં ડિપોઝિટ જપ્ત લઇ લેવામાં આવી છે. જસદણની પેટા ચૂંટણીમાં અપક્ષોની તો ભારે નાલેશી થઇ હતી.