૩૦થી વધુ પોસ્ટ ઓફિસોમાં બેંક સેવાનો વિધિવત પ્રારંભ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: અમદાવાદ શહેરની ૩૨થી વધારે પોસ્ટ ઓફિસ તા.૧લી સપ્ટેમ્બર શનિવારથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક (આઈપીપીબી) બની જશે. જેને પગલે હવે શહેરની આ ૩૨થી વધુ પોસ્ટ ઓફિસમાં બેન્ક સેવી તમામ અને ત્વરિત સેવાઓ નગરજનોને ઉપલબ્ધ બનશે. જેમાં ખાસ કરીને વૃધ્ધજનો અને સિનિયર સીટીઝન્સને ઘેરબેઠા સેવા મળશે, તો, પોસ્ટમેન ઘરઆંગણે નાગરિકોને પોસ્ટ બેંક જેવું સેવિંગ્સ એકાઉન્ટ ખોલી આપશે.

શહેરમાં નવરંગપુરા મેઈન જીપીઓ મણિનગર, બોપલ, નારણપુરા, આંબાવાડી સહિતની ૩૨થી વધુ પોસ્ટ ઓફિસ માટેની આઈપીપીબી માટેનું લોન્ચિંગ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે શનિવારે કરાશે. અમદાવાદ શહેરમાં મુખ્ય પોસ્ટ ઓફિસ સહિત કેટલીક સબ ઓફિસની પણ બેન્કિંગ સિસ્ટમ માટે પસંદગી કરાઈ છે. પ્રારંભિક ધોરણે શહેરમાં ૩૨થી વધુ પોસ્ટ ઓફિસમાં બેન્કિંગ શરૂ કરાશે. ત્યાર બાદ ક્રમશઃ તબક્કાવાર તેનું વિસ્તરણ કરાશે.

આ અંગે નવરંગપુરા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર અલ્પેશ શાહના જણાવ્યા અનુસાર બેન્કિંગ અને ઈ પેમેન્ટ સહિતની સેવાઓ પોસ્ટ ઓફિસમાં શરૂ કરવામાં આવશે. હવેથી નાગરિકો પોસ્ટ ઓફિસ ખાતેદારોને પોસ્ટ ઓફિસમાં એસ.એસ બેન્કિંગ, આરટીજીએસ, સાઈ એનપીએસ, ઈકેવાયસી, ડિજિટલ એકાઉન્ટસ વગેરે તમામ સેવાઓ તદ્દન નજીવા દરે મળશે.

પોસ્ટમેન ઘર આંગણે સેવિંગ બેન્ક એકાઉન્ટ ખોલી આપશે એટલું જ નહીં વૃદ્ધો અને અશક્ત નાગરિકોને ઘેર બેઠાં બેન્કની તમામ સુવિધાઓ મળશે. પોસ્ટ ઓફિસમાં સેવિંગ ખાતું ખોલાવનાર ખાતેદારને એટીએમ અને ચેકબુકની સેવા માટે એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં. પોસ્ટ ઓફિસમાં પણ હવે બેંકીંગ સેવાનો પ્રારંભ થતાં નાગરિકોને ભારે સરળતા અને સાનુકૂળતા રહેશે. ખાસ કરીને ખાનગી અને જાહેરક્ષેત્રની બેંકોની મનમાની અને ગ્રાહકોની ઉપેક્ષા બાબતે અંકુશ લગાવવામાં મદદ મળશે.

Share This Article