અનોખુ પક્ષી બચાવો અભિયાન ‘પેડલ ફોર સેવ બર્ડ’
છેલ્લા કેટલાંક વર્ષોથી ઉત્તરાયણ તહેવાર દરમિયાન ચાઇનીઝ દોરીનો ઉપયોગ થતો રહે છે. આ પ્રકારની દોરીનો ઉપયોગ આકાશમાં વિહાર કરતાં પક્ષીઓ માટે ઘાતક સાબિત થતી હોય છે. રાજ્ય સરકાર તથા કેટલીક સખાવતી સંસ્થાઓ દ્વારા આ બાબતે જાગૃતતા લાવવામાં આવી રહી છે. પક્ષીઓ માટે ઘાતક એવી ચાઇનીઝ, સિન્થેટીક, નાયલોન તથા હાનિકારક પદાર્થોનું કોટિંગ ધરાવતી કોટન દોરીના ઉપયોગ પર અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
દેખીતી રીતે સવાર અને સાંજના સમય દરમિયાન જ પક્ષીઓ મોટી સંખ્યામાં ઘાયલ થાય છે, કારણ કે આ સમયમાં જ પક્ષીઓ પોતાના રહેઠાંણ તરફ આવતા કે જતા હોય છે. તેથી જ સવારે ૬ થી ૮ કલાક તેમજ સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન પક્ષી વિહારને ધ્યાનમાં રાખી પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
યુથ હોસ્ટેલ એસોસીએશન ઓફ ઇન્ડિયા, અમદાવાદ બાપુનગર દ્વારા પતંગ રસિયાઓ સ્વંય રીતે આ ઘાતક દોરીઓનો ઉપયોગ ટાળે તે માટે જાગૃતતા લાવવા માટે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ‘પેડલ ફોર સેવ બર્ડ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ વિશે બાપુનગર યુનિટના સેક્રેટરી મુકેશ પડસાળાએ જણાવ્યું કે ‘પેડલ ફોર સેવ બર્ડ’ નામક પક્ષી બચાવો અભિયાન અમે ૨૦૧૦ના વર્ષથી કરી રહ્યા છે, જ્યારે ચાઇનીઝ દોરીનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો હતો. આ વખતે અમે ૭ જાન્યુઆરીના રોજ બપોરે ૧ કલાકથી સાંજે ૫ કલાક દરમિયાન ‘પેડલ ફોર સેવ બર્ડ’ અંતર્ગત સાઇકલ રેલીનું આયોજન કરી રહ્યાં છે, જેમાં ધોરણ ૭ થી ૧૦માં અભ્યાસ કરતા આશરે ૬૦૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે. ઉપરાંત મોટી સંખ્યામાં યુવાઓ પણ જોડાશે. આ રેલી સરદાર ચોકથી શરૂ થશે અને કૃષ્ણનગર થી લઇને વિરાટ નગર ગણેશ સાઇકલ સ્ટોર્સ ખાતે પૂર્ણ થશે. આ રેલીનો રૂટ ૧૨ કિલોમીટરનો છે. તો આપ સૌ આ અભિયાનમાં અમારી સાથે વિશાળ સંખ્યામાં જોડાઓ અને પક્ષીઓને ઘાયલ થતા બચાવો.