અમદાવાદ : અમરેલીના સાવરકુંડલામાં રેન્જમાં વધુ બે સિંહબાળ અને ધારીની પાણીયા રેન્જમાં એક મળી બેદિવસમાં કુલ ત્રણ સિંહબાળના મોત થયાના સમાચાર સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. વનવિભાગ અને રાજય સરકારના સબ સલામત અને સિંહોની રક્ષાના યુધ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા હોવાના દાવા વચ્ચે વધુ ત્રણ સિંહ બાળ મોતને ભેટયા હતા. આમ, ગીર પંથકમાં એક પછી સિંહના મોતનો સિલસિલો ચાલુ રહેવા પામ્યો છે, જેને પગલે વન્ય અને સિંહ પ્રેમી લોકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ છે. બીજીબાજુ, ગીરમાં શા માટે સિંહોના મોતનો સિલસિલો અટકતો નથી અને એક પછી એક સિંહ તેમ જ સિંહબાળ મોતને ભેટી રહ્યા હોવાછતાં સરકાર અને વનવિભાગના અધિકારીઓ શું કરી રહ્યા છે તે સહિતના અનેક સવાલો હવે ઉઠી રહ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વડાળ બીટ પંથકમાં વધુ ત્રણ સિંહ બાળના મોતના સમાચાર સામે આવતાં વન્ય અને સિંહ પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ખાસ કરીને સિંહોના રક્ષણ અને અÂસ્તત્વને લઇ હવે સિંહપ્રેમીઓએ ભારે ચિંતા વ્યકત કરી સરકાર અને વનવિભાગ સહિતના સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. બીજીબાજુ, આ વિવાદ વચ્ચે વનવિભાગના અધિકારીઓએ બે સિંહ બાળના મોત ઇનફાઇટના કારણે થયા હોવાનો બચાવ રજૂ કર્યો હતો. જા કે, સિંહપ્રેમી લોકોને વનવિભાગનો બચાવ ગળે ઉતરતો ન હતો અને તેઓએ હવે સમગ્ર મામલામાં ન્યાયિક તપાસની માંગણી ઉઠાવી છે. ગીર અને તેની આસપાસના પંથકમાં સિંહોનાં મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે. આ બંને સિંહબાળનાં મૃતદેહો ગીર અભ્યારણ્યમાં આવેલા ગીર-પૂર્વ વન વિભાગ હેઠળ આવતા ધારીની પાણીયા રેન્જ અને સાવરકુંડલા રેન્જમાંથી મળ્યા છે.
વન વિભાગે બચાવ રજૂ કર્યો હતો કે, પ્રાથમિક દ્રષ્ટિએ સિંહબાળનું મોત ઇન્ફાઇટનાં કારણે થયું હોય એમ જણાય છે. આ સિંહબાળનાં શરીર પર વન્યપ્રાણીનાં ઇજાનાં નિશાન જણાય છે. આ સિંહબાળનો મૃતદેહ ધારીની પાણીયા રેન્જની ચાંચાઇ રાઉન્ડમાં આવેલી ભેરાળા બીટમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગનાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
વન વિભાગનાં એક અધિકારીએ જણાવ્યું કે, જે જગ્યા સિંહબાળનો મૃતદેહ મળ્યો છે ત્યાં એક સિંહનું ગ્રુપ (પ્રાઇડ) રહે છે. આ પ્રાઇડમાં ત્રણ બચ્ચાઓ છે અને બે સિંહણો છે. વન વિભાગ દ્વારા સિંહબાળનાં મૃતદેહની આસપાસનાં વિસ્તારને ચકાસી રહ્યા છે અને સિંહનાં ગ્રુપને શોધી રહ્યા છે. વન વિભાગને એક સિંહનો પતો મળ્યો છે. આ સિંહે કદાચ સિંહબાળને મારી નાંખ્યું હોઇ શકે તેવી પ્રાથમિક શંકા છે. સિંહબાળનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે અને આગળની તપાસ કાર્યવાહી જારી રાખવામાં આવી છે. જા કે, બે દિવસમાં ત્રણ સિંહબાળના મોતથી સિંહપ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.