અમદાવાદ : સૌરાષ્ટ્રમાં એક તરફ મગફળીના પાક માટે નખાયેલા ખેલના કારણે સરકારની ટેકાના ભાવની વાસ્તવિક ખરીદી શરૂ થાય અને ખેડુતોના બેન્ક ખાતામાં પૈસા આપે તે પુર્વે જ રૂ.૩૦૦ થી રૂ.૯૦૦ના ભાવે ખેડુતો પાસેથી મગફળી પડાવવાની ચાલ સફળ બની રહી છે. તે સમયે જ આ ક્ષેત્રના ઓછા વરસાદના કારણે રવિપાક લેવાશે કે કેમ તે પ્રશ્ન સર્જાયો છે ત્યારે નિષ્ફળ પાક અને અછતની કારમી થપાટ વચ્ચે ફસાયેલા સૌરાષ્ટ્રના ખેડૂતોને અગાઉની ખરીફ પાક માટેની લોન ભરપાઈ કરવાની બેંકો દ્વારા નોટિસો ફટકારવામાં આવતાં રાજયભરના ખેડૂતઆલમમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે.
બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ આ સમગ્ર મામલે રાજય સરકારની સંવદેનહીનતા અને ખેડૂત વિરોધી વલણને લઇ સરકાર પર આકરા પ્રહારો કરાયા હતા. બેંકો દ્વારા ખેડૂતોને અપાયેલી નોટિસ આજે ખેડૂત આલમમાં ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી. ખાસ કરીને અગાઉથી જ ઓછા વરસાદનું કાયમી કેન્દ્ર બનેલા સુરેન્દ્રનગરના અનેક તાલુકાના ખેડુતોને બેન્ક તરફથી પાક-લોન ભરપાઈ કરવાની નોટીસો મળી છે. રાજયમાં આ વર્ષ પાક નિષ્ફળ જવાથી ખેડુતોની આત્મહત્યાનો સીલસીલો વધ્યો છે અને અત્યાર સુધીમાં ૧૨ ખેડુતોએ જીવન ટુંકાવ્યા છે. એક તરફ રાજય સરકારે સુરેન્દ્રનગર જીલ્લાના ૭ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. તે તાલુકાઓના ખેડુતોને જ પાક લોન ભરપાઈ કરવાની નોટીસ મળવા લાગી છે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ લીંબડી, ચોટીલા, વઢવાણ, ચુડા અને મુળી તાલુકાના ખેડુતોને ૧૫ દિવસમાં તેમની પાક લોનના નાણા ભરવાની નોટીસ મળી છે, નહીતર કાનુની કાર્યવાહીની ધમકી અપાઈ છે. આ ધિરાણ ૨૦૧૭નું છે જેનું રીપેમેન્ટ ૨૦૧૮માં કરવાનું હોય છે. આ પ્રકારના ધિરાણમાં કિસાન ક્રેડીટ કાર્ડ લેનારાઓનો પણ સમાવેશ થાય છે. રસપ્રદ બાબત એ છે કે ખેડુતોની આત્મહત્યાનો મુદો સુપ્રીમમાં લઈ જનાર ભરતસિંહ ઝાલાને પણ આ નોટીસ મળી છે. ૨૦૧૭માં અહી અતિવૃષ્ટિથી પાક નાશ પામ્યો હતો તેની કેશ ડોલ સહાય પણ મળી નથી અને ૨૦૧૮માં અહી ઓછા વરસાદની સ્થિતિથી પાક થયો નથી. જેમાંના ૩૩ ટકા કે વધુ પાક નાશ પામેલ છે, ત્યારે રાહત-આપવા ખુદ સરકારે સુપ્રીમમાં કબુલ્યું હતું. બીજીબાજુ, સુરેન્દ્રનગરના જીલ્લા કલેકટર કે.રાજેશે કબુલ્યું કે ખેડુતોને નોટીસ મળી છે. સરકારે અછતગ્રસ્ત જાહેર કરવામાં પણ ચાલ રમી હોવાની ચર્ચાએ હવે જાર પકડયું છે. આ તમામ તાલુકાઓને ૧ ડીસેમ્બરથી અછતગ્રસ્ત ગણાશે પણ સ્ટેટ બેન્કના અધિકારીઓ કહે છે કે આ એક રીકવરી પ્રક્રિયા છે. તેના ભાગરૂપે ખેડૂતોને નોટિસો અપાઇ છે.