દરેક વ્યક્તિ વ્યક્તિગત શ્રદ્ધા ધરાવતી હોય છે. પોતાની શ્રદ્ધા પ્રમાણે અનેક મંદિરોના દર્શન કરી ભગવાન સુધી પોતાની અરજી પહોંચાડે છે અથવા આશીર્વાદ મેળવે છે. ઘણા લોકો પગપાળા દર્શન કરવા જતાં હોય છે. આ પગપાળા જતા લોકો માટે અનેક સેવાભાવી સંસ્થાઓ મંદિર તરફના રસ્તા પર સેવા કેમ્પનું આયોજન કરતી હોય છે.
આપને જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લાં ૨૨ વર્ષથી પગપાળા અંબાજી માતાના દર્શને જતા શહેરના એક ગ્રુપે સેવા કેમ્પના આયોજકોથી પ્રેરણા મેળવી પગપાળા પ્રવાસ કરતાં દર્શનાર્થીઓની સેવા માટે સેવા કેમ્પની શરૂઆત કરી – આ ગ્રુપનું નામ એટલે ‘સર્વ ધર્મ મોબાઇલ કેમ્પ’.
ચાર મિત્રોએ સર્વ ધર્મ મોબાઇલ કેમ્પની શરૂઆત કરી. દર મહીનાની પુનમે અનેક દર્શાનાર્થીઓ ગિયોડ સ્થિત અંબાજી માતા મંદિર, જેતલપુર સ્થિત સ્વામિનારાયણ મંદિર તથા અન્ય મદિરોના દર્શનાર્થે પગપાળા જતાં હોય છે. આ દર્શનાર્થીઓને મોબાઇલ કેમ્પ થકી તેમની યાત્રા દરમિયાન રસ્તામાં ઋતુ પ્રમાણે ચા, કોફી, શેરડી રસ, એનર્જી ડ્રીંક, વગેરે. પીણાની સેવા આપી સર્વ ધર્મ મોબાઇલ કેમ્પ લોક સેવાનું ઉમદા કાર્ય કરે છે.
સર્વ ધર્મ મોબાઇલ કેમ્પના ચાર સેવાભાવી મિત્રો પૈકી એક સિતેષ જોશીએ જણાવે છે કે છેલ્લા ૨૨ વર્ષથી અમે અંબાજી માતાના દર્શનાર્થે પગપાળા જઇએ છીએ, તેથી અમે રસ્તામાં આવતી કે અનુભવાતી અનેક તકલીફોથી વાકેફ છીએ. અનેક સામાજીક અને સેવાભાવિ સંસ્થાઓ સેવા કેમ્પ આયોજીત કરી લોકોની સેવા કરતી હોય છે. તેઓથી પ્રેરાઇને અમે ચાર મિત્રોએ ૨૦૧૫માં હરતો ફરતો મોબાઇલ કેમ્પ શરૂ કર્યો, જેને નામ આપ્યુ સર્વ ધર્મ મોબાઇલ કેમ્પ. વર્ષ ૨૦૧૫થી અમે દરેક મહીનાની પુનમે ગિયોડ અને જેતલપુર પગપાળા જતાં દર્શનાર્થીઓની સેવા કરીએ છીએ. આ સેવામાં અમારી સાથે ૧૫ જેટલાં ફેમિલી ફ્રેન્ડ્સ કાર્યકરો તરીકે જોડાય છે.