ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજી બાવળીયાના નેતૃત્વમાં ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના ૩૧ જિલ્લાઓમાં તાજેતરમાં આયોજિત સશક્ત નારી મેળાએ સ્વદેશીની સાથેસાથે મહિલા સશક્તીકરણને પણ ઉજાગર કરી છે. આ જિલ્લાઓમાં આયોજિત નારી મેળા દ્વારા રૂ. ૪.૧૦ કરોડની કિંમતની સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરીને ‘વન ડિસ્ટ્રીકટ, વન પ્રોડક્ટ’ યોજનાને નવી દિશા આપી છે.
રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ-GLPC દ્વારા ગત તા. ૧૮ થી ૨૩ ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન રાજ્યના ૩૧ જિલ્લાઓમાં ૩ થી ૫ દિવસ સુધી નારી મેળાનું સફળ આયોજન કરીને ‘વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ’ યોજના અંતર્ગત દરેક જિલ્લાની વિશિષ્ટ ઓળખ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવી છે. આ નારી મેળા દ્વારા વિવિધ જિલ્લાઓમાં કુલ ૨,૩૦૦થી વધુ સ્ટોલની અંદાજે પાંચ લાખથી વધુ ભાઈ-બહેનોએ મુલાકાત કરીને વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી છે.
‘સશક્ત નારીથી આત્મનિર્ભરતા તરફ’ રાજ્ય સરકારના અભિયાનને વ્યાપક ગતિ આપવા સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહન સાથે “સશક્ત નારી”ના સંકલ્પને ઉજાગર કરતો પ્રથમ મેળો બનાસકાંઠાના પાલનપુર ખાતે તા. ૧૧ ડિસેમ્બર-૨૦૨૫ના રોજ યોજાયો હતો, જેનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. આ મેળામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, કૃષિ, સહકાર, કુટીર ઉદ્યોગ, વન અને પર્યાવરણ તેમજ મહિલા આર્થિક વિકાસ નિગમ સહિત જિલ્લા વહીવટ તંત્રએ સહભાગી થઇને મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ મેળાએ રાજ્યભરની મહિલાઓને તેમની હસ્તકળા, હેન્ડલૂમ, પરંપરાગત ખાદ્યપદાર્થો, પ્રાકૃતિક ઉત્પાદનો અને સ્વદેશી ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે સશક્ત બજાર પૂરું પાડ્યું છે. સશક્ત નારી મેળા એ માત્ર વેપાર મેળો નથી, પરંતુ ગ્રામીણ મહિલાઓની મહેનત, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિબિંબ છે. મેળામાં ભાગ લેનાર બહેનો આજે માત્ર ઉત્પાદક નહીં, પરંતુ વડાપ્રધાનશ્રીના ‘લોકલ ફોર વોકલ’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ના વિચારને જમીનીસ્તર પર મૂર્તિમંત કરી રહી છે.
આ સશક્ત નારી મેળામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી સ્વ સહાય જૂથો, મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકળાના વિવિધ નમૂનાઓમાં ભરતકામ, હેન્ડલૂમ, ઝરીકામ, ખાદ્ય પદાર્થો અને પારંપરિક નાસ્તાઓ તથા ઓર્ગેનિક ઉત્પાદનોની વિશાળ શ્રેણીઓ સહિતના ઉત્પાદનોને મુલાકાતીઓનો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ‘વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ’ યોજના અંતર્ગત દરેક જિલ્લાની વિશિષ્ટ ઓળખ એક જ છત નીચે જોવા મળી, જેના પરિણામે મેળો સાંસ્કૃતિક વૈવિધ્યનો ઉત્સવ પણ બની રહ્યો હતો. સશક્ત નારી મેળાના માધ્યમથી મહિલાઓ દ્વારા ઉત્પાદિત સ્વદેશી વસ્તુઓને એજન્ટ તેમજ સ્થળાંતર વિના સીધા ગ્રાહકો સુધી પહોંચવાની તક મળી છે જેના પરિણામે તેમને વધુ આવકની સાથે પ્રોત્સાહન પણ મળ્યું છે.
વધુમાં, સશક્ત નારી મેળાના આયોજન દરમિયાન જ રાજ્ય સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે, આગામી સમયમાં આવા વધુને વધુ મેળાઓનું આયોજન, ઉત્પાદનોને ઑનલાઇન પ્લેટફોર્મ સાથે જોડાણ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચ માટે જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ, રાજ્યના ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.
