સહનશીલતા એ સંતનું સાચું ઘરેણું છે.
જગતમાં જો કોઈ પરોપકારી હોય તો એ છે વૃક્ષ, નદી અને સંત કે જેઓ કોઈ પાસે અપેક્ષા રાખતા નથી. પોતે દુઃખ સહન કરે પણ બીજાને તો સુખ જ આપે, ચંદનની જેમ પોતે ઘસાય પણ બીજાને તો સુવાસ જ આપે.
વૃક્ષને પથ્થર મારો પણ તે તો ફળ જ આપશે. નદીમાં ગમે તેટલો કચરો નાંખો પણ ક્યારેય ફરિયાદ નહિ કરે પણ શુદ્ધ મીઠું પીવાનું પાણી જ આપશે. તેમ સંત પણ સહન કરશે, અને પરોપકાર જ કરશે માટે જ કહ્યું છે કે,
સરોવર તરુવર સંતજન, ચોથા વરસે મેહ;
પરમાર્થને કારણે, ચારુ ધરીયા દેહ.
શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતો અને હરિભક્તોને ક્ષમાનો પાઠ બહુ જ પાકો કરાવ્યો છે અને તેના કારણે જ આજે સ્વામિનારાયણ સંપ્રદાય દેશ અને વિદેશમાં ફાલ્યો ફૂલ્યો છે.
પ્રસંગ છે સૌરાષ્ટ્રની ધરતી ઉપર આવેલા સારંગપુર ગામનો. આ ગામ નજીક નદી બન્ને કાંઠે વહેતી હતી. નદીના કિનારે એક વૃક્ષ નીચે શ્રી સ્વામિનારાયણ ભગવાને જેમને પોતાના કારણ સત્સંગની ધર્મધુરા સોંપી હતી તેવા સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી સંતો સાથે સભા ભરીને બેઠા હતા.
જે કોઈ મુમક્ષુ આવે તેને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરાવતા અને સદાચારના પાઠ ભણાવતા હતા.
એજ સમયે વૈરાગી બાવાઓને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુ ગામની સીમમાં નદી કિનારે આવીને સભા ભરીને બેઠા છે. તેથી તેઓએ નક્કી કર્યું કે આપણે સ્વામિનારાયણના સાધુઓને ગામમાં પેસવા દેવા નથી.
જો તે લોકોને ઉપદેશ આપશે. વ્યસનો છોડાવશે તો આપણને મળતાં બીડી, તમાકુ, ગાંજો પણ બંધ થશે.
આથી વૈરાગીઓએ નિર્ણય કર્યો કે આ સાધુઓને માર- મારી ગામમાંથી વહેલી તકે જ તગેડી મૂકવા.
વૈરાગી બાવાઓનું મોટું ટોળું હાથમાં પથ્થરો અને લાકડી લઈને ઉપડયુ નદી તરફ અને નિર્દય રીતે પથ્થરો સભા તરફ ફેંકવા માંડયું.
સંતો ઘવાયા, ભાગ્યા અને નદી કાંઠે આવેલી ઘાટી બાવળીમાં સંતાઈ ગયા. છેવટે બાવાઓ થાકીને ગામમાં જતા રહ્યા.
સંતોને લાગ્યું કે હવે નીકળવામાં વાંધો નથી તેથી તેઓ બાવળીમાંથી બહાર નીકળ્યા. પરંતુ તેમના શરીરમાં કાંટા પેસી ગયા હતા તેથી જમીન ઉપર પગ મૂકી શકાય તેમ ન હતું.
સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ ગામમાંથી સત્સંગીઓ પાસેથી ચીપિયા મંગાવી બધા સંતોના કાંટા ખેંચાવી કાઢ્યા અને તેની ઉપર રાખ અને રૂ ભભરાવી દબાવી દીધું. ધીમે – ધીમે સૌ ગઢડે શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે પહોંચ્યા.
ત્યાં જઈ દંડવત્ પ્રણામ કર્યા. ભગવાને સૌ સંતોના ખબર અંતર પૂછ્યા ત્યારે સંતોએ સારંગપુરમાં બનેલી ઘટના વિસ્તાર પૂર્વક કહી.
ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને સંતોને પૂછ્યું, “તમારા કાંટા ગોપાળાનંદ સ્વામીએ કાઢયા પણ તમે ગોપાળાનંદ સ્વામીના કાંટા કાઢ્યા કે નહિ ?” ત્યારે સંતોએ કહ્યું, “તેમના કાંટા તો અમે કાઢવાના ભૂલી ગયા.”
ત્યારે ભગવાને જાતે ચીપિયા વડે સ્વામીના કાંટા કાઢ્યા તો પોણોશેર જેટલા કાંટા થયા. પરંતુ સ્વામી કાંઈ પણ બોલ્યા નહિ.
કેવી સહનશીલતા! પોતાનાં દુઃખોની પરવા કરી નહિ. બીજા સંતોના કાટા કાઢ્યા પણ પોતાના કાંટાની કોઈ ફરિયાદ નહિ.
આનું નામ જ સહન કરે તે સંત. સંતનું હૃદય કેટલું વિશાળ અને સહનશીલતા અને કરુણાથી ભરેલું હોય છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને આવા સાચા ક્ષમાવાન સંતોનું ઘડતર કરીને પછી સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીમાં શ્લોક લખ્યો છે કે,
ગાલિદાનં તાડનં ચ કૃતં કુમતિભિર્જનૈઃ,
ક્ષન્તવ્યમેવ સર્વેષાં ચિન્તનીયં હિતં ચ તૈ:.
અમારા સાધુ કે બ્રહ્મચારી તેમણે કોઈ કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને તેને સામો મારવા નહિ અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ ન કરવો.
અંગ્રેજી લેખક બાઉલ્સે માટે જ કહ્યું છે કે, “શ્રી સ્વામિનારાયણ ભગવાને તેમના સંતોને “દમન કે ત્રાસ આપવામાં આવે તેમનો સામનો કર્યા વગર સહન કરવાનો અને ત્રાસ આપનારાઓ વિરુદ્ધ મનમાં જરા પણ ડંખ ન રાખવો અને ઉપરથી તેનું હિત થાય તેવું ચિંતવન કરવાનો આદેશ આપ્યો છે એ સ્વામિનારાયણ સંપ્રદાયની એક વિશેષ લાક્ષણિકતા છે.”
તો આપણે આવા સાચા સંતોનો મહિમા જાણીએ અને તેમનાં દર્શન તથા સમાગમનો લાભ લઈને ધન્યભાગી બનીએ.
– શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી