ગ્લોબલ વોર્મિંગ કહીએ કે કુદરતની કરામત: ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read
File 02 Page 09 2

પોરબંદર : ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તે કેસર કેરી આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે. વાતાવરણમાં બદલાવ કહો કુદરતની કરામત પરંતુ આ વખતે ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી ગઈ છે. આ વાત અચરજ પમાડનાર છે. માર્કેટિંગ યાર્ડમાં હરાજી દરમિયાન કેરીનું ડ્રાયફ્રુટથી પણ વધુ ઐતિહાસિક ભાવે વેચાણ થયું છે. નાના મોટા સૌ કોઈ ઉનાળામાં જે ફળ આરોગવાની રાહ જાેઈને બેઠા હોય છે તે ફળ એટલે ફળોના રાજા એવી કેસર કેરી. રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીની પણ બજારમાં સારી માંગ રહે છે. કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારામં આવતી હોય છે. આ વખતે વાતાવણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જાેવા મળી રહ્યું છે. પોરબંદરના આદિત્યાણા ગામમાં આ વર્ષે પાંચ મહિના પહેલા આંબામાં કેરીના મોર જાેવા મળી રહ્યા છે અને કોઈ આંબામાં કેરીની આવક થતા આજે ભર શિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું. માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રુટ કંપની ખાતે બે બોક્સ કેસર કેરી એટલે કે ૨૦ કીલો કેસર કેરી વેચાણ માટે આવી હતી. આ કેસર કેરીનુ હરાજી દરમિયાન અધધધ..૧૪૦૦૦ રૂપિયા જેટલા ઊંચા ભાવે વેચાણ થયું છે. એટલે કે એક કિલો કેરીના ૭૦૧ રૂપિયા ઐતિહાસિક ભાવે વેચાણ થયું હતું. આટલી વહેલી કેરીના આગમનની આ ઘટના એ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પ્રથમ ઘટના હોવાનુ હરાજી કરનાર વેપારીએ જણાવ્યું હતું અને ભાવ પણ ઐતિહાસિક હોવાનું તેઓએ હતું. પોરબંદર જિલ્લાના હનુમાન ગઢ, બિલેશ્વર, ખંભાળા તેમજ કાટવાણા અને આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલ ગામોની જમીનેને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લા થોડા વર્ષોથી અહી મબલખ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લાના આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવંતા અને ફળ મોટુ હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માંગ રહેતી હોય છે. આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિનાથી કેરીની આવક બજારમાં થતી હોય છે. પરંતુ આ વખતે ભર શિયાળે કેસર કેરીનો અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનાર ખેડૂતોમાં પણ આશ્ચર્યમાં મુકાયા છે. આટલા મહિના પહેલા કેરીના મોટા ફળ આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી પણ જાેવા મળી રહી છે. આદિત્યાણા ગામેથી કેરી લઈને યાર્ડ ખાતે આવેલ ખેડૂતને આટલા ઉંચા ભાવ આવતા ખેડૂતોમાં ખુશી જાેવા મળી હતી અને ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, શિયાળામાં આંબામાં આટલી વહેલી કેરી આવી હોય તેવી આ પ્રથમ વખત ઘટના છે અને આટલા ઉંચા ભાવ બોલાયો હોય તે પણ ઐતિહાસિક છે. આવનાર સમયમાં પણ કેરીનો સારો ફાલ આવે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી. કાજુ-બદામ પિસ્તા સહિતના ડ્રાય ફ્રુટના જે ભાવ હોય તે ભાવને પણ વટી જઇ પોરબંદરમાં જે રીતે ૭૦૦૦ હજાર રૂપિયાની ૧૦ કીલો કેરીનું વેચાણ થયું તે સૌ કોઈ માટે આશ્ચર્ય પમાડનાર છે. ગ્લોબલ વોર્મિંગ કહીએ કે કુદરતની કરામત પરંતુ રાજ્યમાં દેશમાં આટલી વહેલી કેસર કરી આવવવાની ઘટના પણ પોરબંદરમાં બની છે અને આટલો ભાવ મળ્યાની ઘટના પણ પોરબંદરના નામે થઇ છે તેમ કહીએ તો ખોટું નથી.

Share This Article