ડોલરની વિરૂદ્ધ રૂપિયો નવી નીચી સપાટીએઃ ૭૦ની સપાટી કુદાવી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હીઃ ડોલર સામે રૂપિયામાં ઘટાડાનો દોર આજે પણ જારી રહ્યો હતો. રૂપિયામાં ઐતિહાસિક ઘટાડાના દોર વચ્ચે આજે પણ ઉથલપાથલ રહી હતી. અમેરિકી ડોલર સામે પ્રથમ વખત રૂપિયો ૭૦ની સપાટીને તોડીને આગળ નિકળી ગયો હતો. રૂપિયો ડોલરની સરખામણીમાં પ્રથમ વખત ૭૦ના આંકડાને પાર કરી જતાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.

ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ડોલર સામે રૂપિયો ૭૦.૧૦ની સપાટીએ રહ્યો હતો. જો કે, રૂપિયો આજે કારોબારના અંતે ત્રણ પૈસા સુધરીને ૬૯.૯૦ની સપાટી પર રહ્યો હતો. પાંચ વર્ષમાં તેના સૌથી મોટા ઇન્ટ્રાડેના ઘટાડાની સ્થિતિ એક વખતે નોંધાઈ હતી. તુર્કી લીરામાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે, ત્યારે ગ્લોબલ કરન્સી કટોકટી પ્રવર્તી રહી છે.

સોમવારના દિવસે રૂપિયો ખુબ જ કંગાળ રીતે રહ્યો હતો અને તે ધરાશાયી થયો હતો. તુર્કીસ લીરા ઉભરતા માર્કેટમાં ભારે અફડાતફડી સર્જી છે. રૂપિયો આ વર્ષે ૯ ટકા સુધી ઘટી ગયો છે. વૈશ્વિક ચલણમાં ઉતાર-ચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. એશિયામાં જે ચલણમાં ઘટાડો થયો છે તે પૈકી ભારતીય રૂપિયો પણ છે. વેચવાલીનું મોજુ ફરી વળ્યું છે.

બીજી બાજુ આરબીઆઈનું કહેવું છે કે, રૂપિયા ઉપર નજર રાખવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં રૂપિયો રિકવર થયો હતો, પરંતુ ત્યારબાદ ફરી તેમાં ઉથલપાથલ રહી હતી. સોમવારના દિવસે રૂપિયો પાંચ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આરબીઆઈ દ્વારા પણ હાલ પુરતા હાથ ઉંચા કરી દેવામાં આવ્યા છે. વેચવાલી એટલી તીવ્ર રહી છે કે, રિઝર્વ બેંકે પણ રૂપિયાના અવમૂલ્યને રોકવા માટે તાત્કાલિક ધોરણે કોઇ પગલા લીધા નથી. સોમવારે મોડી રાત્રે ડેરિવેટિવ માર્કેટમાં ડોલરની સરખામણીમાં રૂપિયો ૭૦ની સપાટીને પાર કરી ચુક્યો હતો. આનાથી જાણી શકાય છે કે, ભારતીય રૂપિયામાં વેચવાલી હજુ રોકાઈ નથી.

Share This Article