અમદાવાદ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતે છેલ્લા ત્રીસ વર્ષમાં સાધેલી અભૂતપૂર્વ આઇ.ટી. ક્રાંતિ બાદ હવે આયુર્વેદ ક્રાંતિના નેતૃત્વથી ભારતને વિશ્વ ગુરૂ બનાવવા આયુર્વેદ ચિકિત્સકો, આયુર્વેદાચાર્યો અને આયુર્વેદ તબીબી વિજ્ઞાનના યુવાઓને પ્રેરક આહવાન કર્યું છે. અમદાવાદમાં આઠમી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય મેળાનો કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી શ્રીપાદ નાઇકની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવતા શ્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, વિશ્વ આજે ટોટલ હેલ્થ એન્ડ વેલનેસનો જે માર્ગ શોધે છે તે હિન્દુ સંસ્કૃતિના ઋષિમુનિઓએ પાંચ હજાર વર્ષ પહેલા આયુર્વેદ-યોગથી દર્શાવી દીધો છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આજે તા.૧૪થી તા.૧૭ ડિસેમ્બર, ૨૦૧૮ દરમિયાન ૮મી વિશ્વ આયુર્વેદ મહાસંમેલન અને આરોગ્ય એક્સ્પોનું આયુષ મંત્રાલય અને ગુજરાત સરકારના સહયોગથી વર્લ્ડ આયુર્વેદ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે.
જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને ભારત સરકાર આયુષ મંત્રાલય ના માનનીય રાજ્યપ્રધાન શ્રી શ્રીપદ નાયક, અને પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા (સેક્રેટરી, મિનિસ્ટ્રી ઓફ આયુષ, ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોફેસર ડો. કે એસ ધીમન (ડીજી સીસીઆરએએસ અને ૮મા ડબલ્યુએસીની નેશનલ ઓર્ગેનાઈઝીંગ કમિટીના અધ્યક્ષ), શ્રી જયંત સહસ્ત્રબુદ્ધે (ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી), વિજ્ઞાન ભારતી (પ્રો. ડો. પવનકુમાર ગોડાત્વાર, સેક્રેટરી જનરલ, ૮મી ડબલ્યુએસી), ડો. પુનર્વસુ અગ્નિહોત્રી, (ઈન્ટરનેશનલ આરોગ્ય એક્સ્પો, ૨૦૧૮ના ચેરમેન), શ્રી કે એ ચંદ્રશેખરન નાયર (ચીફ કોઓર્ડિનેટર, ૮મી ડબલ્યુએસી), ડો. ભવદીપ ગણાત્રા (સેક્રેટરી, ૮મી ડબલ્યુએસી) ઉપસ્થિત રહ્યા હતા. આઠમી વિશ્વ આયુર્વેદ કોંગ્રેસના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આયુર્વેદની રચના જ મનુષ્યના સર્વાંગી કલ્યાણ-સામાજિક સ્વાસ્થ્ય – સાર્વજનિક સ્વાસ્થ્ય- પર્યાવરણ સ્વાસ્થ્ય માટે થયેલી છે તેથી આજે આખી દુનિયા મોટી આશા સાથે ભારતીય આયુર્વેદ અને યોગ તરફ મીટ માંડી રહી છે.
ગુજરાતનો સંબંધ આયુર્વેદ અને આયુર્વેદ ચિકિત્સા સાથે બહુ જૂનો છે. ૧૯૫૨માં દેશનું પહેલું આયુર્વેદ સંશોધન કેન્દ્ર ગુજરાતમાં જામનગરમાં શરૂ થયું હતું જે આજે ધનવંતરી આયુર્વેિદક વિશ્વ વિદ્યાલયના રુપમાં પ્રસ્થાપિત થયું છે. ગુજરાતની ૧૯૬૦માં અલગ રાજ્ય તરીકે સ્થાપના થઇ ત્યારથી જ આયુર્વેદ વિભાગ કાર્યાિન્વત કરવામાં આવેલો છે. વિશ્વના અનેક દેશોમાં અભ્યાસ તેમજ અધિકૃત ચિકિત્સા પ્રણાલી તરીકે સ્વીકારાઇ રહી છે ત્યારે આયુર્વેદના પરંપરાગત ચિકિત્સા જ્ઞાનનું ડોક્યુમેન્ટેશન કરવું સમયની આવશ્યકતા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આયુર્વેદ, યુનાની જેવી ચિકિત્સા પધ્ધતિઓની ઉપયોગીતા જોતાં આયુષ મંત્રાલયની સ્થાપના કરી છે. સ્વસ્થ-તંદુરસ્ત ભારતના નિર્માણ માટે દરેક જિલ્લામાં આયુર્વેદ ચિકિત્સા ઉપલબ્ધ બને અને આયુર્વેદનો પ્રસાર વધે તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે. મુખ્યમંત્રીશ્રીએ ક્ષારસૂત્ર ઓટોમેટિક મશીનનું ડિજિટલી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે આયુષ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી શ્રીપાદ નાઇકે જણાવ્યું કે, આયુર્વેદ એ વિશ્વને મળેલી ચિકિત્સાની અનોખી ભેટ છે. છેલ્લા ઘણાં સમયથી આયોજિત આ આયુર્વેિદક કોંગ્રેસ આંતરાષ્ટ્રીય ઇવેન્ટ બની રહી છે. વર્ષ- ૨૦૨૦ સુધીમાં હેલ્થ ફોર ઓલના મિશન સાથે કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત સહિત અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યાિન્વત કરી છે. કેન્દ્રીય મંત્રીએ ‘આયુષગુરૂ’ નામના પોર્ટલનું લોન્ચીંગ કરતાં કહ્યું કે, આ મેળો ભારતીય આયુર્વેદને વિશ્વ સમક્ષ મુકવાનું પ્લેટફોર્મ બન્યું છે. આ પ્રસંગે કેરળના આરોગ્ય મંત્રી શ્રીમતી કે.કે.શૈલજા, આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. ચાર દિવસીય આ મેળામાં ૨૪ આંતરરાષ્ટ્રીય વક્તાઓ, ૩૫થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને ૩૫૦૦થી વધુ ડેલીગેટસ વૈશ્વિક સ્તરે આયુર્વેદ ચિકિત્સાના પ્રસારનો ક્રાંતિકારી પ્રયાસ હાથ ધરશે.