રાજ્યના જરૂરતમંદ હોનહાર વિદ્યાર્થીઓ-યુવાઓને આર્થિક સ્થિતિ-નાણાંના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે માટે એક મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવી છે. જરૂરતમંદ અનાથ બાળકો, યુવાઓ વિધવા માતાના સંતાનો, દિવ્યાંગો તેમજ સેના-પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે વધુમાં વધુ રૂ. પાંચ લાખની સહાય રાજ્ય સરકાર આપશે. આવાં રપ૦૦ જેટલા વિદ્યાર્થીઓને તેનો પ્રતિ વર્ષ લાભ મળશે તેમ તેમણે જાહેર કર્યુ હતું.
મુખ્યમંત્રીએ અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે રાજ્યના શિક્ષણ વિભાગ આયોજીત ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનો પ્રારંભ કરાવ્યો હતો. આ ત્રિદિવસીય ફેરમાં ૮૪ હજાર ઉપરાંત યુવા વિદ્યાર્થીઓ કારકીર્દી ઘડતર વિષયક માર્ગદર્શન મેળવશે.
વિજયભાઇ રૂપાણીએ આ એજ્યુકેશન ફેરને ડેમોગ્રાફીક ડીવીડન્ડ સમી યુવાશકિત માટે શિક્ષણ-કારકિર્દી ઘડતરનું સમૂદ્ર મહામંથન અવસર ગણાવ્યો હતો. કારકિર્દી નિર્માણનો મહત્વનો સ્તંભ શિક્ષણ છે અને ૧૦માં ૧રમાં ધોરણથી જ આજનો યુવાન કારકિર્દી વિશે ગંભીરતાથી વિચારતો થઇ ગયો છે. વાલીઓની પણ જે સમયાનુકુલ ચિંતા પોતાના સંતાનના ભવિષ્યની કારકીર્દીની છે તેમાં રાજ્ય સરકાર આવા એજ્યુકેશન ફેર યોજીને પૂરક બનીને ઊભી છે.
તેમણે ‘‘C ફોર કોલેજ સાથે હવે C ફોર કેરિયરનો સમય પણ છે’’ તેની પ્રેરણા આપતાં કહ્યું કે, યુવાશક્તિમાં સ્કીલ-વીલ-ઝિલ ત્રણેય પડેલા છે તેને યોગ્ય દિશાદર્શન આપી મંઝિલ સુધી પહોચાડવાનું કામ આવા ફેર થકી સરકાર કરી રહી છે. વધુમાં તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે
- ગુજરાતનો યુવા વિદ્યાર્થી આવડત- કૌશલ્ય જ્ઞાનનો વિશ્વામિત્ર બની જ્ઞાન સામર્થ્યથી વિશ્વ મિત્ર બનવા કમર કસે.
- યુવાશકિત-ડેમોગ્રાફીક ડિવીડન્ડ માટે કારકીર્દી ઘડતર-શિક્ષણના અનેક અવસરો સરકારે ઉપલબ્ધ કરાવ્યા છે.
- ‘‘ટિચીંગ હેઝ લિમીટ-લર્નીંગ હેઝ નોટ’’ જ્ઞાન સંપદાની તક ઝડપી લઇ નયા ભારત-ન્યૂ ઇન્ડીયાના નિર્માણમાં ઇનોવેશન્સ-સ્કીલ ડેવલપમેન્ટથી યુવાશકિત પ્રેરક બને.
તેમણે યુવા પેઢીને મેડીકલ, ઇજનેરી, પેરા મેડીકલ જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં સેલ્ફ ફાયનાન્સ ઇન્સ્ટીટયુટની ફીમાં જરૂરતમંદ યુવાનોની ૫૦ ટકા ફી રાજ્ય સરકાર મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તહેત આપે છે તેની વિશેષતા આપતાં ઉમેર્યુ કે રાજ્ય સરકાર દર વર્ષ આ માટે અંદાજે રૂ. ૮૦૦ કરોડ રૂપિયાની સહાય પૂરી પાડે છે.
આ ઉદઘાટન સમારંભમાં મુખ્યમંત્રી તથા મહાનુભાવોનાં હસ્તે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને ગુજરાત ટેનોકલોજીકલ યુનિવર્સિટીનાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગેનાં ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. નેટ-સ્લેટમાં એવોર્ડ વિજેતાઓને પણ મહાનુભાવોનાં હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતાં.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શિક્ષણની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે, શિક્ષણ એ લાંબી અને ધીમી પ્રક્રિયા છે. ગુજરાતને શિક્ષણમાં સતત સાતત્યપૂર્ણ વિકાસ માટે પ્રયત્નો કર્યા છે જેને લઇને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે તેનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. આ ફેરમાં ૮૪ હજાર વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે. સેમિનાર માટે ૯ હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે તે આ ફેરની ગ્રાન્ડ નહીં ગ્રાન્ડ સકસેસ બતાવે છે તેમ જણાવી તેમણે ફ્રેન્કલીન રૂઝવેલ્ટને ટાંકીને ગુજરાતમાં યુવાનો માટે ભવિષ્ય નહીં, પણ ભવિષ્ય માટે યુવાનોનાં નિર્માણની નેમ વ્યક્ત કરી હતી.
ઉચ્ચ શિક્ષણનાં અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું કે ગત વર્ષે શરૂ કરેલ આ એજ્યુકેશન ફેરને સફળતા મળતાં ચાલુ વર્ષે પણ આ ફેરનું આયોજન કર્યું છે. અન્ય યુનિવર્સિટીઓ કે વિદેશમાં અભ્યાસ કરવાં જવાં માંગતા વિદ્યાર્થીઓને આ ફેરમાંથી આગળનાં અભ્યાસ માટેની જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ એજ્યેકશન ફેરમાં ગુજરાતની ૪૪ યુનિવર્સિટીઓનાં ૫૫ સ્ટોલ, ઉચ્ચ અને ટેકનીકલની ૫૮ કોલેજોનાં ૬૪ સ્ટોલ, પ્રાઇવેટ ફોરેન કન્સલ્ટન્ટનાં ૧૧ સ્ટોલ, ફોરેન કાઉન્સીલનાં ૨ સ્ટોલ, બેંકનાં ૪ સ્ટોલ, અન્ય સંસ્થાઓનાં ૧૭ સ્ટોલ અને ૮ ફુડ સ્ટોલનું આયોજન અને ૮ ફુડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અવસરે રાજય કક્ષાનાં શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય રાકેશભાઇ શાહ, ટેકનીકલ શિક્ષણનાં કાર્યકારી નિયામક સંધ્યા ભુલ્લર ઉચ્ચ શિક્ષણ નિયામક પટેલ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં ચેરમેન ભાવનાબેન દવે, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુભાઇ પંડ્યા, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ નવીનચંદ્ર શેઠ, કે.સી.જી.ના એડવાઈઝર પ્રો. એ.યુ.પટેલ, વિવિધ યુનિવર્સિટીઓનાં કુલપતિઓ, કોલેજ આચાર્યો, શિક્ષણ વિદો, પ્રાધ્યાપકો, વાલીઓ તથા વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.