સુત્રાપાડા તાલુકાનાં ખેરા ગામનાં શખ્સે કોડીનારમાં ‘સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા’ના કેશ ડિપોઝીટ મશીન (સીડીએમ)માં રૂપિયા ૨૦૦૦ની કલર ઝેરોક્ષ કરેલી ૨૯ નોટો મળીને કુલ ૫૮૦૦૦ રૂપિયાની જાલીનોટો મશીનમાં જમા કરી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ કોડીનાર ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનાં એટીએમ મશીનની સાથે સીડીએમ એટલે કે કેશ ડિપોઝીટ મશીન પણ મુકવામાં આવ્યું છે, જેમાં ગત તા.૧૫મી માર્ચે બેન્ક સત્તાધીશો દ્વારા ડિપોઝીટ મશીનમાં જમા થયેલી ચલણી નોટો કાઢવામાં આવી હતી. જેમાંથી ૨૦૦૦ના દરની ૨૯ ચલણી નોટો શંકાસ્પદ લાગતા બેન્ક તંત્ર દ્વારા અલગ રાખી દઈને માર્ચ મહિનાનાં છેલ્લા દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાનાં નોડલ ઓફિસર પાસે જમા કરાવાઈ હતી. તો બીજી તરફ રૂ. ૫૮૦૦૦ની ૨૯ નોટ સંદર્ભે બેન્ક અધિકારી દ્વારા તપાસ પણ શરૂ કરાઈ હતી. જેમાં ખુલ્યું કે, રૂ. ૨૦૦૦ના દરની તમામ ૨૯ નોટો બનાવટી છે. એટલું જ નહીં, ફકત કલર ઝેરોક્ષ કરાવીને કાતર કે કટ્ટરથી કાપી અસલી નોટ તરીકે ડિપોઝીટ મશીનમાં જમા કરાવાઈ હતી. પરિણામે વધુ તપાસ કરતા ડિપોઝીટ મશીનમાં જાલીનોટો જે ખાતામાં જમા થઈ હતી.
તેની તપાસ કરતા ખાતેદાર તરીકે સુત્રાપાડા તાલુકાનાં ખેરા ગામે રહેતા કુલદીપ હરીભાઈ ખેર નામનાં શખ્સનું નામ બહાર આવ્યું હતું. જેથી ૫૦ દિવસ બાદ અંતે ગઈકાલે વેરાવળની સટ્ટા બજાર બ્રાન્ચમાં ફરજ બજાવતા નોડલ ઓફિસર દેવેન્દ્ર સિંહાએ ખેરા ગામનાં કુલદીપ હરીભાઈ ખેર વિરૂદ્ધ વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.પી. પ્રવિણ સિંહાએ કાર્યવાહી હાથ ધરી છે. બેન્કીંગ ક્ષેત્રમાં રહેલા છીંડા અને લોલમલોલનો ભાંડો ફોડતા આ કિસ્સાથી ભારે ચકચાર જાગી છે.