વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને સંગીન બનાવીને કનેક્ટિવિટી તથા ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનને વેગ આપવાનો અભિગમ ગુજરાતમાં રાજ્ય હસ્તકના માર્ગોના કામો માટે ફાળવાયેલી આ માતબર રકમથી આવનારા દિવસોમાં સાકાર કરી શકાશે. એટલું જ નહીં, પી.એમ. ગતિશક્તિ અન્વયે લોજિસ્ટિક્સ પરિવહનમાં સરળતા થશે અને ઝડપી બનશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માર્ગ પરિવહન-ધોરીમાર્ગ મંત્રીશ્રી નીતિન ગડકરીએ રાજ્યના માર્ગો અને નેશનલ હાઇવે અંતર્ગતના પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે ગત નવેમ્બર-2025માં ગાંધીનગરમાં યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકની ફળશ્રુતિ રૂપે ગુજરાતને આ 1078.13 કરોડ રૂપિયાની રકમ રાજ્ય હસ્તકના માર્ગોના કામો હાથ ધરવા ફાળવવામાં આવી છે.
સી.આઈ.આર.એફની આ જે રકમ રાજ્ય હસ્તકના માર્ગોના કામો માટે મંજૂર કરવામાં આવી છે તેમાંથી કુલ 564.57 કિલોમીટર લંબાઇમાં વિવિધ 41 કામો હાથ ધરાવાના છે.
તદ્અનુસાર, પાટણ, કચ્છ, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, છોટાઉદેપુર, વલસાડ, અમરેલી, જામનગર અને વડોદરા જિલ્લાઓમાં સ્ટેટ હાઇવેના વાઈડનીંગના 11 કામોમાં કુલ 229.20 કિલોમિટરમાં હાથ ધરવા રૂ. 636 કરોડ મંજુર થયા છે.
રસ્તાઓના મજબૂતીકરણ અને રીસર્ફેસિંગના જે 23 કામો 335.37 કિલોમીટર લંબાઇમાં રૂ. 408.33 કરોડના ખર્ચે હાથ ધરાવાના છે તેમાં અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, તાપી, નવસારી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, સુરત અને જામનગર જિલ્લાઓના કામોનો સમાવેશ થશે.
આ કામો ઉપરાંત સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માંથી સ્ટ્રક્ચરના જે ૭ કામો માટે 33.80 કરોડ રૂપિયા મંજૂર થયા છે તેમાં તાપી, સુરત અને ડાંગ જિલ્લાઓના કામો આવરી લેવાશે.
