કોન્સર્ટમાંથી જે ફંડ એકત્ર થશે તેનો ઉપયોગ સાણંદ તાલુકાની તેલાવ સ્કૂલના બાળકોના ઉજ્જવલ ભવિષ્ય નિર્માણમાં કરાશે.

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટ ખાતે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રોટરીયન્સ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ પ્રેસિડેન્ટ રોટેરિયન મનીષ મહેતાએ આ ઉમદા પહેલને સપોર્ટ કરવા બદલ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

આ ઇવેન્ટ વિશે વાત કરતા રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના પ્રેસિડેન્ટ રોટરીયન મનીષ મહેતા કહ્યું કે, ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન એક ચેરિટી ફંડ માટે કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિકલ કાર્યક્રમમાંથી જે પણ ફંડ એકત્ર થયું છે તેનો ઉપયોગ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલી તેલાવ સ્કૂલના જરૂરિયાતમંદ બાળકોના ઉજ્જવલ ભવિષ્ય નિર્માણ માટે કરવામાં આવશે. અમે ગયા વર્ષે પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેના થકી અમે અંદાજિત રૂ. ૧૫ લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા, જેનો ઉપયોગ પણ બાળકોના શિક્ષણ અને ભવિષ્ય નિર્માણમાં કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ચેરિટી કરનાર મહાનુભાવોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાદવાદના ૧૨૦૦ થી વધુ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ઉપસ્થિત સૌ કોઇએ ફૂડ કાઉન્ટર્સ અને લાઇવ એન્ટરટેનમેન્ટની મજા માણી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના પ્રેસિડેન્ટ રોટરીયન શ્રી મનીષ મહેતા, પ્રોજેક્ટ ચેર રોટરીયન શ્રી દિલીપ નાયર, સેક્રેટરી રોટરીયન પૂર્વીશ પટેલ, પીઆર અને મીડિયા કો-ઓર્ડિનેટર રોટરીયન નવનીત ગુલાટી તેમજ રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના સભ્યો તેમજ અમદાવાદના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.