અમદાવાદ : શહેરમાં હવે લોકોની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે. પોલીસના કોઇપણ જાતના ખોફ વગર લૂંટારુ તેમજ ચોર ટોળકીઓ અલગ અલગ મોડેસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને લૂંટ અને ચોરીની ઘટનાને અંજામ આપે છે. ત્યારે પોલીસ આવા લૂંટારુઓને પકડવામાં લાચાર બની છે. લૂંટારુઓની હિંમત એ હદે વધી ગઇ છે કે તે કોઇ પણ ઘરમાં ઘૂસીને બિન્દાસ લૂંટ કરે છે. એસ.પી.રિંગ રોડ પર આવેલા ભાડજ વિસ્તારમાં આવેલ એક બંગલોઝમાં વહેલી પરોઢે ઇન્કમટેક્સ અધિકારીના ઘરમાં ઘૂસીને લૂંટારુઓએ મહિલા પર માથામાં પથ્થર મારી જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી હતી.
લૂંટારુઓએ ઇન્કમટેક્સ અધિકારીના પત્નીના માથા પર પથ્થર મારીને ૨૩ હજારની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ભાડજ વિસ્તારમાં આવેલ સુપર સિટીની બાજુમાં રોયલ એલિગન્સ બંગલોઝમાં રહેતા વિમળાબહેન પંડ્યાએ સોલા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે. વિમળાબહેન તેમનાં બે બાળકો સાથે રહે છે અને તેમના પતિ ખુબચંદભાઇ ગાંધીનગર ખાતે આવેલા ઇન્કમટેક્સ ડિપોર્ટમેન્ટમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે, બે દિવસ પહેલા ખૂબચંદભાઇ વહેલી પરોઢે પાંચ વાગે ફૂલ લેવા માટે ગયા હતા ત્યારે વિમળાબહેન તેમના પુત્રો સાથે સુતાં હતાં. ખૂબચંદભાઇ ફૂલ લેવા માટે ગયા હતા ત્યારે તો ઘરનો મુખ્ય દરવાજો ઓટોમેટિક બંધ થઇ ગયો હતો. વિમળાબહેન અને બાળકો ઘરમાં એકલાં હતાં તે સમયે બે શખ્સો ઘરની બારીનો દરવાજો તોડીને રૂમમાં આવ્યા હતા. દરમ્યાન, વિમળાબહેન જાગી જતાં બે શખસ તેમની સામે ઊભા હતા.
વિમળાબહેન બૂમો પાડે તે પહેલાં લૂંટારોએ તેમનું મોઢું દબાવી દીધું હતું. વિમળાબહેન બે શખ્સોનો સામનો કરીને પ્રતિકાર કર્યો હતો ત્યારે લૂંટારુઓએ તેમને માથામાં જારથી પથ્થર મારી દીધો હતો. વિમળાબહેનની હાજરીમાં બંને લૂંટારુઓએ રોકડ રકમ તેમજ તેમના પતિના ડોક્યુમેન્ટ લઈને નાસી છૂટ્યા હતા,ત્યાર બાદ વિમળાબહેનને માથાના ભાગમાં ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં સોલા પોલીસે વિમળાબહેનની ફરિયાદ લઇને આરોપી સામે લૂંટનો ગુનો દાખલ કર્યો છે ત્યારે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. જા કે, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક રહીશોમાં બનાવના કારણે થોડા ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.