અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા મોડલ રોડ સહિતના રોડ પરનાં દબાણને હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીના કારણે નાગરિકો હરખાયા છે તો બીજી તરફ અનેક લારી-ગલ્લા-પાથરણાંવાળાની રોજીરોટીનો સવાલ ઊભો થયો છે, જેના કારણે અમ્યુકો તંત્ર દ્વારા હવે શહેરના લારી-ગલ્લા-પાથરણાંવાળા માટે આઠ પ્લોટ ફાળવવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરાઇ છે. લારીગલ્લાવાળા અને પાથરણાંવાળાઓને આ પ્લોટ ફાળવી તેમના ધંધા-રોજગારની સમસ્યા હલ કરવા અમ્યુકોનો આ પ્રયાસ છે, જેને લઇ લારીગલ્લાવાળા અને પાથરણાંવાળાઓને એક રાહતની આશા જાગી છે. અમ્યુકો સત્તાધીશો દ્વારા પોલીસની મદદથી શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશન ડ્રાઇવ અને ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી છે ત્યારે મોટાપાયે લારીગલ્લાવાળા અને પાથરણાંવાળાઓની રોજીરોટી છીનવાઇ ગઇ છે, જેના કારણે નારાજ સેંકડો લારી-ગલ્લા-પાથરણાંવાળા રેલી સ્વરૂપે થોડા દિવસ પહેલાં જ મ્યુનિસિપલ મુખ્યાલય પહોંચ્યા હતા. આ ફેરિયાઓએ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સમક્ષ રજૂઆત કરતાં કમિશનરે પણ તેમની રજૂઆતને સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી. દરમ્યાન કોંગ્રેસના સમયકાળમાં લારી-ગલ્લા-પાથરણાંવાળા માટે થડાબજાર તૈયાર કરાયાં હતાં, પરંતુ બાદમાં સમગ્ર આયોજન વિસારે પાડી દેવાયું હતું.
હવે ભાજપના શાસકોએ અગાઉના સમયના લારી-ગલ્લા-પાથરણાંવાળા માટે નિયત કરેલા આઠ પ્લોટની ફાઇલ પરની ધૂંળ ખંખેરી હોઇ આ પ્લોટ તેમને ફાળવવા માટે ચર્ચા-વિચારણા હાથ ધરી છે. છેક ર૦૧૦ના સેપ્ટ આધારિત સર્વે અનુસાર શહેરમાં તે સમયે કુલ ૬૬,પ૯૩ ફેરિયા નોંધાયા હતા, જેમાં સૌથી વધુ ૧૮,ર૮પ ફેરિયા મધ્ય ઝોનમાં, ૧૬,રપ૪ ફેરિયા પશ્ચિમ ઝોનમાં, ૯૦૦ર ફેરિયા પૂર્વ ઝોનમાં, ૮૩ર૧ ફેરિયા ઉત્તર ઝોનમાં, ૭૩૭૭ ફેરિયા દક્ષિણ ઝોનમાં અને ૭૩પ૪ ફેરિયા નવા પશ્ચિમ ઝોનમાં નોંધાયા હતા. અત્યારે શહેરમાં ફેરિયાઓની સંખ્યા અઢીથી ત્રણ ગણી એટલે કે બે લાખથી વધુ હોવાની શક્યતા છે. જેથી આ ફેરિયાઓને તેમના ધંધા-રોજગાર અને રોજીરોટી માટે યોગ્ય સ્થળ ફાળવાય તે માટે પ્લોટની ફાળવણી કરવાની દિશામાં અમ્યુકો સત્તાધીશોએ સક્રિય વિચારણા શરૂ કરી છે.