રો-રો ફેરી સર્વિસ હજુ વધુ દસ દિવસ બંધ રહે તેવી સંભાવના

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ :  દહેજ ઘોઘા વચ્ચે ચાલતી રો-રો ફેરીમાં સામેલ વોયેજ સિમ્ફની જહાજને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેક અટકળો અને અડચણો પછી લોકાર્પણ કર્યું હતું. જેમાં અનેક વિધ્નો આવી રહ્યા છે. ગત તારીખ ૨૧ નવેમ્બરે ઘોઘાથી પાંચ નોટીકલ માઈલ દૂર દરિયામાં ખોટવાયું હતું. આ ફેરીનું એન્જિન દરિયામાં ગરમ થઇ જતાં તેને ત્યાં જ અટકાવવી પડી હતી. જહાજના રીપેરીંગમાં બહાના હેઠળ રો-રો ફેરી સર્વિસ ત્રણ દિવસ બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી પરંતુ હજુ સુધી કંઇ ઠેકાણાં પડયા નથી અને હજુ વધુ દસ દિવસ સુધી રો-રો ફેરી સર્વિસ બંધ રહે તેવી પૂરી શકયતા છે. જેને લઇ હવે રો-રો ફેરી સર્વિસનો લાભ મેળવવા ઇચ્છતા પ્રવાસીઓમાં પણ ભારે રોષની લાગણી ફેલાઇ છે. રો-રો ફેરી સર્વિસમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાતાં સરકાર અને સ્થાનિક તંત્ર માટે પણ ક્ષોભજનક Âસ્થતિ સર્જાઇ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આ રોપેક્ષ ફેરીને બીજું કંઇ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં ખાસ પ્રસચિલ એવી માવા-મસાલાની નાનકડી કોથળી ભારે પડી હતી.

જેના કારણે જહાજનું એન્જિન ગરમ થઇ ગયું હતું અને બંધ કરવું પડ્‌યું હતું. આ ફેરીમાં તે સમયે ૪૬૧ મુસાફરો અને વાહનો હતો. પરંતુ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ જહાજના એન્જિનને ઠંડુ રાખતી કુલિંગ સિસ્ટમની પાઇપમાં પ્લાસ્ટિકની કોથળી ફસાઇ ગઇ હતી. જેના કારણે તેમાંથી પાણી પસાર થઇ શકતુ નહોતું અને તેનાથી એન્જિન ઓવરહીટ થઇ જતા તેને ત્યાં જ બંધ કરી દેવું પડ્‌યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી બંધ પડેલું આ જહાજ હજુ ૧૦ દિવસ સુધી ચાલુ થઇ શકે તેમ નથી કારણ કે રિપેરિંગ કરતા જ ૧૦ દિવસનો સમય લાગશે. જહાજના એન્જિનને ઠંડુ રાખવા માટે જે કુલિંગ સિસ્ટમ હોય છે તેમાં દરિયાનું જ પાણી ઉપયોગમાં લેવાતું હોય છે.

જો કે, દરિયાના પાણીમાં તરતી કોથળી પણ પાણી સાથે ખેંચાઇ આવતા તે પાઇપમાં ફસાઇ ગઇ હતી અને એન્જિનના કુલિંગ સિસ્ટમમાં ગડબડ ઉભી થઇ હતી. કુલિંગ સિસ્ટમ માટે જે પાણી સમુદ્રમાંથી ખેંચાય છે તે ખાસ ઉંડેથી નહીં પરંતુ ઉપરની સપાટીમાંથી જ ખેંચાય છે. પાણી સાથે કાદવ પણ પાઇપમાં ખેંચાય આવે છે. કાદવના ભરાવાને લીધે પાઇપ આમ પણ સાંકડી થઇ ગઇ હતી અને તેમાં આ પ્લાસ્ટિકની કોથળી ફસાઇ જતા પાણી કુલિંગ સિસ્ટમ સુધી પહોંચી શકતું નહોતું. હવે જહાજની ખરીદી, તેની ક્ષમતા અને વિકલ્પોને લઇને પણ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે તંત્ર હવે સમગ્ર વિવાદ ખાળવાના પ્રયાસમાં જાતરાયું છે.

 

Share This Article