અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ પ્રોજેકટ તૈયાર કરાયો છે. નાગરિકોને આનંદપ્રમોદ અને મનોરંજનનાં સાધનો મળી રહે તે આશયથી માર્ચ-ર૦૦પમાં તંત્ર દ્વારા રિવરફ્રન્ટ માટે નદીમાં ડાયાફ્રામ વોલ ઊભી કરવા પાયો ખોદાયો હતો. હવે સત્તાવાળાઓએ નદીના બંને કાંઠે છેક ઇન્દિરા બ્રિજ સુધી રિવરફ્રન્ટ પ્રોજેકટને લંબાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. જેને પગલે શહેરીજનોને બહુ મોટી રાહત થશે. રિવરફ્રન્ટ પ્રોજેકટના ફેઝ-બે હેઠળ પશ્ચિમ કાંઠા પર ટોરેન્ટ પાવરથી ઇન્દિરાબ્રિજ સુધી એટલે કે ૪.૩ કિ.મી. લંબાઇ અને પૂર્વ કિનારે ડફનાળાથી ઇન્દિરાબ્રિજ સુધી એટલે કે પ.૪ કિ.મી. લંબાઇ મળીને કુલ ૯.૭ કિ.મી. લંબાઇમાં રિવરફ્રન્ટનો વિકાસ કરાશે.
તંત્ર દ્વારા શાહીબાગ ડફનાળા પાસેના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં કેન્દ્રના સંરક્ષણ મંત્રાલય હસ્તકની એક લાખથી વધુ વારની જમીન સંપાદન માટેની કાર્યવાહી રદ કરાઇ છે. આ જમીન મેળવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંરક્ષણ મંત્રાલયને લેખિતમાં રજૂઆત કરાઇ ગઇ હોય આગામી દોઢ-બે મહિનામાં આ માટેની પરવાનગી મળી જશે તેવી શક્યતા છે. જ્યારે રાજ્ય સરકારના મહેસુલ વિભાગ પાસેથી પણ નદી કિનારાની જમીન મેળવવાની કામગીરી આગળ વધી રહી છે. તંત્ર દ્વારા પશ્ચિમ કિનારે કુલ પ૭ હેકટર અને પૂર્વ કિનારે ૪૪ હેકટર જમીન મળીને કુલ ૧૦૧ હેકટર જમીનને રિવરફ્રન્ટ પ્રોજેકટના ફેઝ-ર માટે પ્રાપ્ત કરાશે. આ સમગ્ર પ્રોજેકટ પાછળ રૂ.૮પ૦ કરોડનો ખર્ચ થશે. જાણકાર સૂત્રો કહે છે કે, આગમી સમયમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય અને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ પાસેથી જમીન સંપાદિત કરાયા બાદ તંત્ર દ્વારા તેની ડિઝાઇનનું કામ હાથ પર લેવાશે.
રિવરફ્રન્ટ પ્રોજેકટના પ્રથમ ફેઝની ડિઝાઇન એચસીપી ડિઝાઇન દ્વારા કરાઇ હતી તે વખતે આ કંપનીને પ્રોજેકટ કોસ્ટના ૧.૪૦ ટકાની ફી ચુકવાઇ હતી. ડિઝાઇન બાદ પ્રોજેકટનો ડીપીઆર તૈયાર કરાશે. એટલે આગામી ચારથી પાંચ મહિનામાં રિવરફ્રન્ટ પ્રોજેકટના ફેઝ-ર હેઠળ ઇન્દિરાબ્રિજ સુધી લંબાવવાની કામગીરીનો આરંભ થઇ જશે. આ ઉપરાંત પૂર્વ કાંઠે એલિસબ્રિજ અને આંબેડકર બ્રિજની વચ્ચે રૂ.૩પ કરોડના ખર્ચે આર્ટ સેન્ટર તેમજ પશ્ચિમ કાંઠે એનઆઇડીની પાછળ અને પૂર્વ કાંઠે શાહપુરની પાછળ એમ નવા બે સ્પોર્ટસ કોમ્પ્લેકસનું રૂ.ર૭ કરોડના ખર્ચે નિર્માણ કરાશે તેમજ પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડનની સામે રૂ.૬૭ કરોડના ખર્ચે મલ્ટિસ્ટોરિડ પા‹કગના પ્રોજેકટનો પણ કમિશનર વિજય નહેરાના ડ્રાફટ બજેટમાં સમાવેશ કરાયો છે. રિવરફ્રન્ટનો વિસ્તાર વધવાના કારણે શહેરીજનોની સુવિધામાં ઉમેરો થશે અને તેઓને ટ્રાન્સપોર્ટેશનમાં પણ ઘણી સાનુકૂળતા રહેશે.