અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વિકાસના હાર્દસમા સાબરમતી રિવરફ્રન્ટમાં નદીની રીકલેઇમડ જગ્યા પર અંદાજે ૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન સુવિધાયુક્ત રિવરફ્ન્ટ હાઉસ મુખ્ય મંત્રીએ જાહેર જનતાને સમર્પિત કર્યુ હતું. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદીની પશ્ચિમ બાજુએ ગાંધી બ્રિજ અને નહેરુબ્રિજની વચ્ચે કુલ પાંચ માળનું પાક વ્યવસ્થા સાથેના આ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અહીં બીજા માળ પર સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઓફિસ કાર્યાન્વિત કરાશે તથા કોન્ફરન્સરૂમ સહિતની જગ્યાને કોર્પોરેટ જગતનાં લોકોને કાર્યક્રમનું આયોજન કરવા માટે ભાડે પણ આપવામાં આવશે. રિવરફ્રન્ટ હાઉસ ઉપરથી રિવરફ્રન્ટના વ્યૂના નજારાને મુખ્ય મંત્રીએ બિરદાવ્યો હતો. રિવરફ્રન્ટ હાઉસમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા ૫ માળ તથા ૩ ભોંયરાનું કુલ ૧૬,૫૯૪ ચો.મી. બાંધકામ કરવામાં આવેલ છે.
ભોંયરાના બાંધકામમાં ૧૨મી ઉંડાઇ સુધીનું ખોદાણ કરવા માટે ડાયાફ્રામ વોલનું વિશિષ્ટ પ્રકારનું બાંધકામ કરવામાં આવેલ છે. ભોંયરાનો ઉપયોગ પાર્કગ માટે થશે અને ૧૫૬ સ્કુટર તથા ૫૬ કાર પાર્ક થઇ શકશે. આ રિવરફ્રન્ટ હાઉસમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મ્યુઝિયમ / એક્ઝીબીશનના વપરાશ માટે અનામત રાખવામાં આવેલ છે જેનું ક્ષેત્રફળ ૩૨૭.૯૧ ચો.મી. છે જેની ક્ષમતા ૩૦૦ વ્યક્તિની છે. મુલાકાતીઓના રીફ્રેશમેન્ટ માટે ઉપહારગૃહની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.