ભારતને ચોથી ટી-20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 50 રનની હારનો સામનો કરવો પડ્યો. ભલે ભારતને હાર મળી હોય, પરંતુ રિંકૂ સિંહે ફીલ્ડર તરીકે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ચોથી ટી-20 મેચમાં રિંકૂ સિંહે એક-બે નહીં પરંતુ કુલ 4 કેચ પકડી ઈતિહાસ રચ્યો છે.
ચાર કેચ લઈને ફીલ્ડર તરીકે રિંકૂ સિંહ ભારતની ધરતી પર એક ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ કેચ લેવાના મામલે નંબર-વન ખેલાડી બની ગયા છે. ભારતની ધરતી પર અત્યાર સુધી કોઈ પણ ફીલ્ડરે એક ટી-20 મેચમાં 4 કેચ લીધા નથી. આવું પહેલી વાર છે જ્યારે ભારત ખાતે રમાયેલા એક ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં કોઈ ખેલાડીએ 4 કેચ પકડ્યા હોય.
ભારતની ધરતી પર એક T20iમાં સૌથી વધુ કેચ કરનાર ખેલાડીઓ
| ખેલાડી | કેચ | ટીમ | સામે | વેન્યૂ | વર્ષ |
|---|---|---|---|---|---|
| રિંકૂ સિંહ | 4 | ભારત | ન્યૂઝીલેન્ડ | વિશાખાપટ્ટણમ | 2026 |
| અજિંક્ય રહાણે | 3 | ભારત | ઇંગ્લેન્ડ | પુણે | 2012 |
| માર્ટિન ગપ્ટિલ | 3 | ન્યૂઝીલેન્ડ | પાકિસ્તાન | મોહાલી | 2016 |
| બેન સ્ટોક્સ | 3 | ઇંગ્લેન્ડ | વેસ્ટ ઈન્ડીઝ | કોલકાતા | 2016 |
| વિરાટ કોહલી | 3 | ભારત | ઇંગ્લેન્ડ | બેંગલુરુ | 2017 |
| જ્યોર્જ ડોકરેલ | 3 | ભારત | અફઘાનિસ્તાન | ગ્રેટર નોઈડા | 2017 |
| મોહમ્મદ નબી | 3 | અફઘાનિસ્તાન | આયર્લેન્ડ | ગ્રેટર નોઈડા | 2017 |
| રોહિત શર્મા | 3 | ભારત | વેસ્ટ ઈન્ડીઝ | લખનઉ | 2018 |
| ઋતુરાજ ગાયકવાડ | 3 | ભારત | સાઉથ આફ્રિકા | રાજકોટ | 2022 |
| ડેવિડ મિલર | 3 | સાઉથ આફ્રિકા | ભારત | ઇંદોર | 2022 |
| સૂર્યકુમાર યાદવ | 3 | ભારત | ન્યૂઝીલેન્ડ | અમદાવાદ | 2023 |
| હાર્દિક પંડ્યા | 3 | ભારત | બાંગ્લાદેશ | દિલ્હી | 2024 |
| મહેદી હસન | 3 | બાંગ્લાદેશ | ભારત | હૈદરાબાદ | 2024 |
| રિયાન પરાગ | 3 | ભારત | બાંગ્લાદેશ | હૈદરાબાદ | 2024 |
| માર્કો યાન્સેન | 3 | સાઉથ આફ્રિકા | ભારત | કટક | 2025 |
| હાર્દિક પંડ્યા | 3 | ભારત | ન્યૂઝીલેન્ડ | રાયપુર | 2026 |
ભારત પહેલેથી જ જીતી ચૂક્યું છે સીરિઝ
શિવમ દુબેએ આક્રમક ઇનિંગ રમી હતી, પરંતુ તે ન્યૂઝીલેન્ડ સામે બુધવારે રમાયેલી ચોથી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતની 50 રનની હાર અટકાવવા પૂરતી સાબિત થઈ નહોતી. ન્યૂઝીલેન્ડે 7 વિકેટે 215 રન બનાવ્યા બાદ ભારતને 18.4 ઓવરમાં 165 રન પર ઓલઆઉટ કરી દીધું. 216 રનના કઠિન લક્ષ્યનો પીછો કરતાં શિવમ દુબેએ 23 બોલમાં 65 રન (3 ચોગ્ગા, 7 છક્કા)ની વિસ્ફોટક પારી રમી અને લગભગ એકલા જ લડત આપી. આ જીત સાથે કિવી ટીમે પાંચ મેચોની શ્રેણીમાં અંતર ઘટાડીને 3-1 કર્યું છે, જોકે ભારત પહેલેથી જ સીરિઝ પોતાના નામે કરી ચૂક્યું છે.
